181: વુમન હેલ્પ લાઈન થકી વૃધ્ધાને મળી નવી જિંદગી, વિદ્યાર્થિનીનો ઉગારો

PC: emri.in

મહિલાઓને મદદરૂપ થવાના આશયથી રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી 181 મહિલા હેલ્પલાઈન આજે મહિલાઓના નાની-મોટી અનેક સમસ્યાઓમાં મદદરૂપ થઈ રહી છે.

પાણીનું કનેકશન અપાયું

તાજેતરમાં સૂરત શહેરના ભેસ્તાન વિસ્તારમાંથી એક મહિલાનો 181 નંબર પર કોલ આવ્યો હતો. તેમના એપાર્ટમેન્ટના એસોશીયેશન તરફથી તેમના મકાનનું પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હોવાથી મદદ કરવા વિનંતી કરી હતી. કોલ મળતાની સાથે ઉમરા પોલિસ સ્ટેશન સ્થિત 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ તાત્કાલિક દર્શાવેલ સ્થળે પહોંચી હતી, અને મહિલા સાથે અને એપાર્ટમેન્ટના હોદ્દેદારો સાથે વાતચીત કરી હતી. જેમાં ફરિયાદી મહિલા દર્શનાબેને જણાવ્યું હતું કે, તેમના માલિકીના ફ્લેટની વેચાણ કિંમત આઠ લાખ રૂપિયા છે. જે પોતાના પતિનું દેવું થતા વેચવાની ફરજ પડી હતી, પરંતુ ફ્લેટના અમુક હોદ્દેદારોને ઓછી કિંમતે અમારો ફ્લેટ ખરીદવો હતો. અમારે ઓછી કિંમતે ફલેટ વેચવો ન હતો. બીજી વ્યકિતએ અમારી માંગણી મુજબની કિંમત આપતા અમોએ તેને ફ્લેટ વેચ્યો હતો. જેથી ફ્લેટના અમુક હોદ્દેદારોએ એપાર્ટમેન્ટનું પાણીનું કનેક્શન દ્વેષભાવથી કાપી નાખ્યું હતું. આ માટે 181 માં કોલ કરી પાણી વગર ખુબ જ મુશ્કેલી પડતી હોઈ અભયમની મદદ માંગી હતી
181ની ટીમ દ્વારા એસોશિયેશનના હોદ્દેદારો સાથે મીટીંગ કરી તેમને સમજાવી પાણીનું કનેક્શન પુન: શરૂ કરવા માટે સમજાવતા તેમણે પાણીનું કનેક્શન શરૂ કર્યું હતું. સમગ્ર મામલો થાળે પડી જતા દર્શનાબેન અને તેમના પરિવારને ખુબ જ રાહત થઇ હતી.

શાળાના વિદ્યાર્થીઓ પાસે સફાઈ કામ કરાવાઈ

સુરત શહેરના સચિન વિસ્તારમાંથી એક ત્રાહિત વ્યકિતએ 181 નંબર ઉપર કોલ કરી જણાવ્યું હતું કે, અમારા વિસ્તારની એક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે શાળામાં સફાઈકામ કરાવવામાં આવે છે. નાના ભુલકાઓ પાસેથી આવું શ્રમકાર્ય બંધ કરાવવા 181 હેલ્પલાઇનને અનુરોધ કર્યો હતો. કોલ મળતા ઉમરા ટીમ તાત્કાલિક પ્રાથમિક શાળામાં પહોંચી શિક્ષકો પાસેથી જાણકારી મેળવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, શાળાની સફાઈકામ માટે સફાઈ કામદાર રાખવામાં આવ્યો છે. પરંતુ તે કેટલાક દિવસથી શાળામાં સફાઈકામ માટે આવતો ન હોવાથી શાળાના ઓરડાઓની સ્વચ્છતા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ સહિયારી કામગીરી કરે છે. જો શાળામાં સ્વચ્છતા રાખવામાં ન આવે તો ગંદકી ફેલાવાનો ભય છે. પરંતુ વાલીઓ દ્વારા આવી ફરિયાદ થઇ હોવાથી હવે પછી વિદ્યાર્થીઓ પાસે શાળાની સ્વચ્છતાની કામગીરી બંધ કરાવીશું અને બીજો સફાઈકર્મી રાખવામાં આવશે જેની ખાત્રી આપી હતી.

બારડોલીના વયોવૃદ્ધ વાલીબેનને મદદ 

તાજેતરમાં બારડોલીના એક એડવોકેટ તરફથી 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ આવ્યો હતો કે, મારી પાસે એક વૃદ્ધા તેમના પરિવાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવવા આવ્યા છે. જેમને કાઉન્સેલિંગ કરી યોગ્ય સમજ આપવાની જરૂર છે. આથી બારડોલી સ્થિત 181 મહિલા હેલ્પલાઇન ટીમે તાત્કાલિક દર્શાવેલ સ્થળે પહોંચી વૃદ્ધ મહિલાને મળીને તેમની આપવિતી સાંભળી હતી. વૃદ્ધા વાલીબેનને જણાવ્યું કે તેઓ બારડોલીના વતની છે. અંદાજે 70 વર્ષની ઉંમરના વૃદ્ધા અને તેમના પતિ તેમના દિકરી-જમાઈ સાથે રહેતા હતા. વૃદ્ધાએ જણાવ્યું કે, દિકરી-જમાઈ મારા પતિની કાળજી લે છે. પરંતુ મને સમયસર જમવાનું આપતા નથી, અને વારંવાર માનસિક રીતે હેરાન કરે છે. તેમની સાથે વાતચીત કરતા એવું જાણવા મળ્યું કે તેમને માનસિક ભ્રમણા થઈ ગઈ છે કે, તેમના દિકરી-જમાઈ તેઓને સારી રીતે રાખતા નથી. આથી ટીમ દ્રારા તેમના દિકરી-જમાઈને પણ બોલાવીને યોગ્ય રીતે કાઉન્સેલિંગ કર્યું હતું. અને જણાવ્યું હતું કે, વૃધ્ધ અને બાળક બંને સરખા હોય છે. ઘણી વાર વૃદ્ધોનું વર્તન અને વ્યવહાર બાળકો જેવા હોય છે.આથી તેમને માનસિક હુંફ અને લાગણીની જરૂર હોય છે. જે લાગણી તમારે આપવી જોઈએ. યોગ્ય કાઉન્સેલિંગ થકી દિકરી-જમાઈને પણ પોતાની ભૂલ સમજાઈ હતી, અને વૃધ્ધ માતાની યોગ્ય કાળજી અને દેખરેખ રાખવાની ખાત્રી આપી હતી. આમ 181 મહિલા હેલ્પલાઇન ટીમ, બારડોલી દ્રારા આ દંપતિની પારિવારિક સમસ્યા હલ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp