કોરોનાઃ સુરતમાં આ બાબતની ક્રેડિટ લેવા ભાજપ-કોંગ્રેસના નેતાઓ ઝઘડી રહ્યા છે

PC: Khabarchhe.com

(રાજા શેખ, સુરત) સુરતમાં કેટલાક વિસ્તારમાંથી કલસ્ટર દૂર કરાયા બાદ કેટલીક જગ્યાઓ પરના નેતાઓમાં ક્રેડિટ લેવા માટેની હોડ જામી છે અને તેમના સમર્થકો સોશ્યલ મીડીયામાં સામસામે આવી ગયા છે.  

સુરતમાંથી કેટલાક વિસ્તારોને કલસ્ટરમાંથી મુક્તિ આપવામાં આવી છે. પહેલા શહેરના 6.70 લાખ લોકોને ફરજિયાત હોમ ક્વોરેન્ટાઈન કરાયા હતા તેમાંથી હવે 15 કલસ્ટર ઓછા કરીને 4.09 લાખ લોકોને હવે તેમાં સામેલ કરાયા છે. આજે ફરી સેન્ટ્રલ ઝોનના 23 કલસ્ટરના વિસ્તારમાં ઘટાડો કરીને તે ઘટાડીને 58526 ઘર કરીને તેના 286969 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે.

આ અંગે નવુ જાહેરનામુ મનપા કમિશનરે બહાર પાડ્યું છે. જેમાં ટેક્સટાઈલ માર્કેટ, મહિધરપુરા હીરા બજાર અને ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારનો સમાવેશ કર્યો છે. તેની પાછળની મનપા ધંધા-રોજગારને ધમધમતા કરી વિતેલા 65 દિવસથી રોજી-રોટી નહીં મેળવી શકનાર લોકોને ફરી તે મેળવતા કરવાનો છે. જોકે, આ મામલે કેટલીક જગ્યાઓ પર નેતાઓએ ક્રેડિટ લેવા હોડ જમાવી છે. તો બીજી તરફ, કેટલાકના વિસ્તારમાં અન્યાય થયો હોવાની લાગણી પણ ઉભી થઈ છે.

વિશેષ કરીને વરાછા વિસ્તારમાં ક્રેડિટ માટે સોશ્યલ મીડીયા પર વોર શરૂ થયુ હોવાનું સામે આવ્યું છે અને તેમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો સામસામે આવી ગયા છે. કોંગ્રેસના નગર સેવક દિનેશ કાછડિયાએ ગુરુવારે સાંજે જેવા રસ્તા ખોલવાની શરૂઆત થઈ ત્યારે ફેસ બુક લાઈવ કરીને તેની માહિતી લોકોને આપી અને તેમાં તેઓએ તેમની રજૂઆતોને ધ્યાને લઈને વરાછા ઝોન-એના આરોગ્ય અધિકારી કિંજલ પટેલ, ઝોનલ અધિકારી જરીવાળા, વરાછા પીઆઈ સગર અને કાપોદ્રા પીઆઈ ગુર્જરનો આભાર વ્યક્ત કર્યો અને લોકોને પડતી અગવડ માટે માફી માંગી.

આ પોસ્ટ બાદ બીજા પક્ષે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની ટીમ મેદાનમાં આવી. જેમાં ભાજપ યુવા અધ્યક્ષ મહેન્દ્ર દેસાઈ તથા વોર્ડ પ્રમુખ મનહર વોરાએ કાનાણીના ફોટા સાથે પોસ્ટ વાઈરલ કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમાં લખ્યું હતું કે , કેટલીક સોસાયટીઓમાં કેસ ન હોવા છતા કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવિષ્ય કરાય હતી. જ્યાના લોકોને કામ-ધંધો, નોકરી પર જવાની તકલીફ પડતી હતી.જેથી, સોસાયટીના પ્રમુખોએ મહેન્દ્ર દેસાઈ અને વોરાને બોલાવીને રજૂઆત કરતા તે વાત આરોગ્ય મંત્રીને કરાતા તેઓએ પોલીસ કમિશનર, મનપા કમિશનરને રજૂઆત કરી હતી. ત્યારબાદ પોલીસ કમિશનરે વિસ્તારની વિઝિટ કરીને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપી છે.

આ મામલે દિનેશ કાછડિયાને અમે પુછ્યું કે ક્રેડિટ શા માટે? તો તેમણે કહ્યું કે અહીં ક્રેડિટની વાત જ નથી. અમે લોકહિતમાં છેલ્લા ત્રણ દિવસથી મહેનત કરતા હતા અને વરાછા ઝોનના અધિકારીઓ, વરાછા પોલીસના ઈન્સ્પેક્ટર સાથે આ વિસ્તારોની વિઝિટ કરીને ગાઈડલાઈન મુજબ રિપોર્ટ તૈયાર કર્યો અને તે મનપા કમિશનરને આપ્યો હતો અને તેના આધારે નિર્ણય લેવાયો. જે લોકો આવી પોસ્ટ ફરતી કરી રહ્યાં છે તેઓ આ વિસ્તારમાં ફરક્યા પણ નથી અને પોસ્ટમાં જણાવ્યા મુજબ પોલીસ કમિશનર પણ અહીં આવ્યા નથી.

લોકલ અધિકારીઓના રિપોર્ટના આધારે આ થયુ છે. આ અંગે અમે આરોગ્ય મંત્રીને પણ ફોન કર્યો પણ તેઓએ કદાચ વ્યસ્તતાને કારણે ફોન રિસીવ કર્યો નહીં! જોકે, ભાજપ યુવા મોર્ચાના અધ્યક્ષ મહેન્દ્ર પટેલે કહ્યું કે અમે આરોગ્યમંત્રીથી લઈને ઝોન કક્ષા, પોલીસ વિભાગમાં રૂબરુ પરેશાન સોસાયટીના પ્રમુખોને લઈ જઈને રજૂઆત કરી હતી. હીરા ઉદ્યોગ ચાલુ થયુ હોવાથી તેના મેનેજરો, કારીગરો જે સોસાયટીમાં રહેતા હોય અને ત્યાં કેસ ન હોય તેમને મુક્તિ આપવાની માંગ હતી. પતરા ખોલવાના આગલા દિવસે ઝોનમાં બેઠક મળી હતી અન તેમાં પણ અમને બોલાવાયા હતા અન બાદમાં નિર્ણય લેવાયો છે. દિનેશ કાછડિયાએ પોતાની રીતે પ્રયાસ કર્યા હોય તે મને ધ્યાનમાં નથી.

 કેટલાક આગેવાનોએ અમે કહ્યું હતું કે અમને કહ્યું કે અમે ભાજપ અને કોંગ્રેસ બંને આગેવાનોને ખોટી રીતે કલસ્ટરમાં નાંખી દેવાની વાતને લઈને રજૂઆતો કરી હતી. બની શકે બંનેના પ્રયાસો કામ લાગ્યા હોય.

 રજૂઆત કોણે કોણે કરી હતી: આમ તો લેખિત રજૂઆત ધારાસભ્ય અરવિંદ રાણા, નગર સેવક દિનેશ કાછડિયા, ભાવેશ રબારી, અસ્લમ સાઈકલવાળા, ઈમરાન સોલંકીએ કરી હતી.જ્યારે ઘણાં નેતાઓએ મૌખિક રજૂઆતો કરી હતી.

 મારા વિસ્તારો કેમ બાકાત રખાયા: ભાવેશ રબારીની નારાજગી

નગર સેવક ભાવેશ રબારીએ આજે ફરી મનપા કમિશનરને પત્ર લખી નારાજગી વ્યક્ત કરતા લખ્યુ છે કે, વરાછા-એ વિસ્તારના ભરવાડ વસાહત અને આસપાસની ઝૂંપડપટ્ટી, ઈન્દિરાનગર, સોમનાથ કોમ્પલેક્સ, ઈશ્વર નગરના કુલ 4257 ઘરોમાંથી 19542 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવાનો હુકમ કરાયો છે તે ખોટો છે. અહીં એક પણ કેસ નથી. ભક્તિનગરમાં પણ એક કેસ સાજો થઈ આવી ગયા બાદ નથી. જેથી તેને કલસ્ટરમાંથી મુક્ત કરાય. નગર સેવક અસ્લમ સાઈકલવાળાએ પણ ફરી પત્ર લખી નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે જે સોસાયટી, મહોલ્લા કે ફ્લેટમાં કેસ હોય તે જ ઘર કે તેની આસપાસના ઘરને હોમ ક્વોરેન્ટાઈન કરાય અને જેટલા ઘર કરાય તે તમામના પરિવારને બે સમયનું ભોજન અને જેટલા સમય સુધી ઘરમાં બંધ રખાય તેટલા દિવસનો આર્થિક ખર્ચ સરકાર પાસેથી અપાવડાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp