ગુજરાતને ચાર-ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટ ધરાવતા રાજ્યનું ગૌરવ મળ્યુ: CM રૂપાણી

PC: https://www.facebook.com/vijayrupanibjp

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, CM વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની બહુવિધ ક્ષેત્રોની ગૌરવ સિદ્ધિમાં વધુ એક મોરપીંછ ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થતાં ઉમેરાયું છે. યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટસની જાહેર કરેલી યાદીમાં કચ્છના હડપ્પન સંસ્કૃતિના પ્રાચીનત્તમ નગર ધોળાવીરાને સ્થાન આપીને યુનેસ્કોએ ગુજરાતને ચાર-ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટસ ધરાવતા રાજ્યનું ગૌરવ પ્રદાન કર્યુ છે.

CM વિજય રૂપાણીએ આ ઘટનાને સમગ્ર ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ ગણાવતાં કહ્યું છે કે, ભારતની પ્રાચીન વિરાસત અને સંસ્કૃતિને વિશ્વ ફલક પર ઊજાગર કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાની ફલશ્રુતિ રૂપે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે. નરેન્દ્ર મોદીએ કચ્છ રણોત્સવની શરૂઆત કરાવીને વિશ્વભરના પ્રવાસન, સંસ્કૃતિ પ્રેમીઓને કચ્છમાં આવવા પ્રેરિત કર્યા અને સાથોસાથ આ પ્રાચીનત્તમ નગર ધોળાવીરા પણ પૂરાતન સ્થાનોમાં રસ-રૂચિ ધરાવનારા પ્રવાસન પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીનો પણ આ માટે સૌ ગુજરાતીઓ વતી હ્વદયપૂર્વકનો આભાર વ્યકત કર્યો છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે કચ્છના ખડીર રણ વિસ્તારમાં વસેલું ધોળાવીરા આશરે 4500 વર્ષ પૂરાણી શ્રેષ્ઠ નગર રચનાનું એક આગવું દ્રષ્ટાંત છે. આ પ્રાચીન નગરના મકાનો, ઇમારતો અને સ્ટ્રકચરનું નિર્માણ તે સમયે મોહેજો દરો અને હડપ્પાની જેમ જ ઇંટ નહિ પરંતુ પથ્થરોથી કરવામાં આવેલું હતું. આ નગરમાં ભૂગર્ભ ગટર અને જળસંચય, જળસંરક્ષણની પણ સુઆયોજીત અને સક્ષમ વ્યવસ્થાઓ તત્કાલિન સમયે વિકસાવવામાં આવેલી હતી જે આજે પણ ઉદાહરણ રૂપ છે.

ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થતાં ગુજરાતને ચાર-ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટસ ધરાવતા રાજ્યનું પણ ગૌરવ મળ્યું છે. આ અગાઉ 2004માં ચાંપાનેરને, 2014માં રાણકી વાવને, 2017માં અમદાવાદને વિશ્વના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીની ગૌરવ સિદ્ધિ મળેલી છે. હવે, 2021માં યુનેસ્કોએ કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવેશ કરીને વિશ્વ વિરાસત નકશામાં ગુજરાતને વધુ એકવાર ચમકવાની સિદ્ધિ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp