અમદાવાદના કર્ફ્યૂથી પરેશાની વધી, શુભ મુહૂર્તમાં આટલા લગ્નો અટક્યા

PC: india.com

અમદાવાદમાં વિકએન્ડ કર્ફ્યૂના કારણે લોકોની યાતનામાં વધારો થયો છે. રાજ્ય સરકારે દિવાળીના તહેવારોમાં કોઇ નિયંત્રણ મૂક્યાં નહીં, પરિણામે કોરોના સંક્રમણના કેસોમાં વિક્રમી વધારો થયો છે અને હવે વિકએન્ડમાં કર્ફ્યૂનો અમલ કરાવવામાં આવતા બહારથી ફરીને અમદાવાદ આવી રહેલા પ્રવાસીઓની સ્થિતિ કફોડી બની છે.

આ સાથે અમદાવાદમાં શુભમુહૂર્તમાં 1500થી વધુ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તે રદ્દ કરી દેવામાં આવ્યું છે. લગ્ન ઇચ્છુક પરિવારોએ પાર્ટી પ્લોટમાં ભરેલી ડિપોઝીટ પાછી લેવા સંચાલકો પર દબાણ શરૂ કર્યું છે. લગ્નની મોસમ શરૂ થઇ છે અને સરકારની ગાઇડલાઇન પ્રમાણે જે પરિવારોએ લગ્નહોલ બુક કરાવ્યા હતા તે પરિવારો ફસાઇ ગયા છે.

અમદાવાદના સોલા ભાગવતમાં કેટલાક લગ્ન પ્રસંગ યોજવાના હતા તે પણ શનિવાર અને રવિવારે બંધ કરી દેવા પડ્યાં છે. જે પરિવારોએ એડવાન્સ રકમ આપી છે તેમની હાલત કફોડી બની છે. અમદાવાદના કેટલાક પાર્ટીપ્લોટ સંચાલકોએ ડિપોઝીટની રકમ આપવાનો પણ ઇન્કાર કરી દીધો છે.

એકલા અમદાવાદમાં 22 નવેમ્બર થી 24 નવેમ્બર સુધી 1500 થી વધુ લગ્ન સમારંભોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્ન રદ્દ કરવાથી ઇવેન્ટ મેનેજરો તેમજ પરિવારોને મોટું નુકશાન થયું છે. બે દિવસ સંપૂર્ણ કર્ફ્યૂ હોવાથી લગ્ન સમારંભ થઇ શકશે નહીં.

એ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સોમવાર થી અનિશ્ચિત મુદ્દત સુધી રાત્રીના નવ થી સવારના છ સુધી કર્ફ્યૂ લાદી દીધો છે પરિણામે નવેમ્બર અને ડિસેમ્બરના રાત્રીના લગ્ન પણ રદ્દ કરવા પડે તેમ છે. અમદાવાદમાં દિવાળીના તહેવારોની સજા લગ્ન ઇચ્છુક પરિવારો ભોગવી રહ્યાં છે.

સાથે જ ઠંડી વધવાને કારણે પણ કોરોનાના કેસો વધશે તેવું જાણકારો કહે છે એટલે આમ પણ તહેવારોના કારણે સંક્રમણમાં વધારો થયો અને તેની સાથે હવે ઠંડીના કારણે તેમાં ઉમેરો થશે, એટલે તેને અટકાવવા તમામ પ્રકારના પગલા જરૂરી બન્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp