રીઅલ એસ્ટેટમાં મંદી છતાં ગુજરાતમાં ઘરનું ઘર બનાવવાનું સપનું સાકાર કરવું કઠિન

PC: timesofindia.indiatimes.com

ગુજરાતમાં ઘરનું ઘર બનાવવાનું સપનું સાકાર કરવું કઠિન બનશે, કારણ કે કોરોના સંક્રમણના સમયમાં બિલ્ડીંગ મટીરિયલમાં થયેલા જંગી ભાવવધારાના કારણે આવાસની નવી સ્કીમો મોંઘી બની રહી છે. રિયલ એસ્ટેટમાં જે તૈયાર આવાસ છે તેમાં કુલ કિંમતના 15 થી 20 ટકાનો વધારો ઝિંકી દેવામાં આવ્યો છે. જો કે કોરોના સંક્રમણના સમયમાં રિયલ એસ્ટેટમાં મંદી પ્રવર્તી રહી છે.

રિયલ એસ્ટેટ ડેવલપર્સની ટોચની સંસ્થા ક્રેડાઇએ કહ્યું છે કે સ્ટીલ અને સીમેન્ટના ભાવમાં થયેલા વધારાને કારણે બાંધકામની કોસ્ટમાં 20 ટકા સુધીનો વધારો થયો છે. આ સ્થિતિ જોતાં મધ્યમ થી લાંબાગાળામાં આવાસના ભાવમાં વધારાની સંભાવના છે. ગુજરાત સ્થિત એક હોદ્દેદારે કહ્યું હતું કે ગુજરાતનું રિયલ એસ્ટેટે રાજ્ય સરકાર પાસેથી સ્ટેમ્પડ્યુટી અને રજીસ્ટ્રેશન ચાર્જમાં 50 ટકા રાહત માગી રહ્યું છે પરંતુ સરકાર હાલ રાહત આપવા તૈયાર નથી.

ગુજરાતમાં જે સ્કીમો પૂર્ણ થઇ છે અને જે સ્કીમો નવી શરૂ થઇ છે તેમાં 15 થી 20 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. એટલે કે જે ફ્લેટની કિંમત 20 લાખ હતી તેમાં બે લાખનો વધારો કરી દેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણના સમયમાં લોકોની નોકરીઓ ગઇ છે અને જેઓ લોનના હપ્તા ભરી શકે તેવી સ્થિતિમાં નથી તેવા પરિવારો હાલ આવાસ લેવાનું વિચારી રહ્યાં નથી.

કોરોનાની બીજી લહેરમાં આવાસના વેચાણમાં ઘટાડો થયો છે. એપ્રિલ થી વેચાણ ઘટી રહ્યું છે. છેલ્લા એક વર્ષ દરમ્યાન સિમેન્ટ અને સ્ટીલની કિંમતમાં મોટો વધારો થયો છે તેથી ડેવલપર્સને ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે તેથી ગ્રાહકોને એકમાત્ર સરકાર જ રાહત આપી શકે તેમ છે. સ્ટીલ અને સિમેન્ટના ભાવને અંકુશમાં લેવા માટે રિયલ એસ્ટેટ એસોસિયેશનોએ વારંવાર કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે પરંતુ તેનું પરિણામ આવ્યું નથી. સરકારને પણ પોતાની તિજોરી ભરવાની ચિંતા છે.

ક્રેડાઇ દ્વારા કરાયેલા સર્વે અનુસાર, એપ્રિલ મહિનાથી નવા રહેણાંક વેચાણ અને સંગ્રહમાં તીવ્ર ઘટાડો થયો છે. ઘણા રાજ્યોમાં લોકડાઉન થવાને કારણે મોટાભાગના ડેવલપર્સ પ્રોજેક્ટમાં વિલંબ થવાનો ભય ધરાવે છે. ડેલવપર્સને મજૂરની અછત, આર્થિક અવરોધ, મંજૂરીઓમાં વિલંબ, બાંધકામ ખર્ચ વધારવાનો અને ગ્રાહકની નબળી માંગ જેવા પડકારોનો સામનો કરવો પડે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp