છેલ્લા 6 વર્ષમાં થયેલું ખાદીનું વેચાણ તે અગાઉના 20 વર્ષની સરખામણીએ વધુ છે: PM

PC: thewire.in

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લખનઉ યુનિવર્સિટીની સ્થાપનાના શતાબ્દી દિવસ નિમિત્તે સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે યુનિવર્સિટીનો શતાબ્દી સ્મૃતિ સિક્કો પણ બહાર પાડ્યો હતો. તેમણે આ કાર્યક્રમ દરમિયાન ભારતીય પોસ્ટ દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલી વિશેષ સ્મૃતિ ટપાલ ટિકિટ અને તેનું વિશેષ કવર પણ બહાર પાડ્યું હતું. સંરક્ષણ મંત્રી અને લખનઉ સંસદીય મતક્ષેત્રના સાંસદ રાજનાથ સિંહ તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રધાનમંત્રીએ યુનિવર્સિટીને સ્થાનિક કળા અને ઉત્પાદનો આધારિત અભ્યાસક્રમો શરૂ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું અને સ્થાનિક ઉત્પાદનોમાં મૂલ્યવર્ધન કરવા માટે જરૂરી સંશોધન કરવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, લખનઉ ‘ચિકનકારી’, મુરાદાબાદના પિત્તળના વાસણો, અલીગઢના તાળા, ભડોહીના ગાલીચાને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે તેનું વ્યવસ્થાપન, બ્રાન્ડિંગ અને વ્યૂહનીતિ યુનિવર્સિટીના અભ્યાસક્રમનો હિસ્સો હોવા જોઇએ. આનાથી એક જિલ્લો એક ઉત્પાદનની પરિકલ્પના સાર્થક કરવામાં મદદ મળી શકશે. પ્રધાનમંત્રીએ કળા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના વિષયો સાથે સતત જોડાણ રાખવા માટે પણ આહ્વાન કર્યું હતું જેથી તેમની વૈશ્વિક પહોંચ સુનિશ્ચિત કરી શકાય.

દરેકની સંભાવ્યતાઓને સાકાર કરવાની જરૂરિયાતનો સંદર્ભ આપીને પ્રધાનમંત્રીએ રાયબરેલી રેલવે કોચ ફેક્ટરીનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, લાંબા સમયથી ફેક્ટરીમાં થયેલા રોકાણનો ઉપયોગ નાના નાના ઉત્પાદનો બનાવવા અને કપૂરથલા ખાતે બનેલા કોચમાં કેટલીક વધારાની ચીજોનું ફિટિંગ કરવા સિવાય વધારે કરવામાં આવ્યો નહોતો. આ ફેક્ટરી કોચ બનાવવા માટે સક્ષમ છે પરંતુ ત્યાં સંપૂર્ણ સંભાવનાઓ સાથે ક્યારેય કામ કરવામાં આવ્યું જ નહોતું. 2014માં તેની ઓછી ઉપયોગિતાની સ્થિતિમાં પરિવર્તન લાવવામાં આવ્યું અને ફેક્ટરીની સંપૂર્ણ ક્ષમતાઓનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો. તેના પરિણામે આજે આ ફેક્ટરીમાં સેંકડો કોચનું ઉત્પાદન થઇ રહ્યું છે. PM મોદીએ જણાવ્યું હતું કે, આત્મબળ અને ઇરાદાનું મહત્વ પણ ક્ષમતાની જેટલું જ છે. સંખ્યાબંધ અન્ય ઉદાહરણોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, વિચારોમાં સકારાત્મકતા અને અભિગમમાં સંભાવના હંમેશા જીવંત રહેવા જોઇએ.

 નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ગાંધી જંયતિ નિમિત્તે પોરબંદર ખાતે વિદ્યાર્થીઓની મદદથી યોજવામાં આવેલા એક ફેશન શોના માધ્યમથી ખાદીને લોકપ્રિય બનાવવા અંગેના પોતાના અનુભવનો ઉલ્લેખ કર્યો હતો. આના કારણે ખાદી ‘ફેશનેબલ’ બની હતી. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, છેલ્લા છ વર્ષમાં જેટલું ખાદીનું વેચાણ થયું છે તે અગાઉના વીસ વર્ષમાં થયેલા વેચાણ કરતાં પણ વધારે છે.

અદ્યતન જીવનના વિચલનો અને ધ્યાન ખેંચી લેતા ગેઝેટ્સનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આત્મ અનુભૂતિની આદતનો યુવાનોમાં અવક્ષય થઇ રહ્યો છે. તેમણે યુવાનોને તમામ વિચલનો વચ્ચે પણ પોતાની જાત માટે થોટો સમય શોધી કાઢવા કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આનાથી તમને પોતાના આત્મબળમાં વધારો કરવામાં મદદ મળશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓને પોતાની જાતની કસોટી કરવા માટેનું સાધન છે. નવી નીતિના પ્રયાસો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને લવચિકતા પૂરી પાડવાના છે. તેમણે વિદ્યાર્થીઓને રૂઢિવાદના બંધનો તોડવા માટે અને બીબાઢાળ પદ્ધતિથી વિશેષ વિચાર કરવા માટે અને નિડરતાપૂર્વક પરિવર્તન લાવવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને નવી નીતિ અંગે ચર્ચા કરવા અને તેના અમલીકરણમાં મદદ કરવા માટે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp