ના બ્લડ પ્રેશર, ના ડાયાબિટીસ, છતા આવી રહ્યો છે સાઇલન્ટ એટેક, જાણો કારણ

PC: zeenews.india.com

આજના સમયમાં માણસની લાઈફસ્ટાઈલ કંઈક એવી થઈ ગઈ છે કે હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી બની ગયુ છે. હવે તો નાની ઉંમરના લોકોએ પણ હાર્ટ એટેક જેવી ગંભીર સ્થિતિમાંથી પસાર થવુ પડી જાય છે. જ્યારે વર્ષો પહેલા એવુ ખૂબ જ ઓછું જોવા મળતું હતું. આ બધામાં સૌથી ભયાનક છે સાઇલેન્ટ હાર્ટ એટેક. આ એવી સ્થિતિ હોય છે કે માણસને હાર્ટ એટેકના કોઈ લક્ષણ અંગે જાણકારી જ નથી મળતી. ઘણીવાર આ સાઇલેન્ટ એટેક જીવલેણ સાબિત થઈ જાય છે. હાલમાં જ સાઇલેન્ટ એટેકનો એક એવો મામલો સામે આવ્યો છે, જેણે ડૉક્ટર્સને પણ ચોંકાવી દીધા છે.

દિલ્હીમાં રહેતા એક 42 વર્ષીય વ્યક્તિ એક ફેમિલી ફંક્શનમાં ગાડી લઈને જઈ રહ્યા હતા. તે વ્યક્તિને ડાયાબિટીસ નથી અને બ્લડ પ્રેશરની પણ સમસ્યા નથી. તેમ છતા કાર ડ્રાઈવ કરતી વખતે તે વ્યક્તિને અચાનક એટેક આવી ગયો. તેમને તરત નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હોસ્પિટલ પહોંચતા જ તે વ્યક્તિ બેભાન થઈ ગઈ. હોસ્પિટલ સ્ટાફે તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર રાખ્યા અને સીપીઆર તેમજ વિવિધ શૉક ટ્રીટમેન્ટ આપવાની શરૂ કરી દીધી પરંતુ, કોઈપણ પ્રકારે તેમની હાલતમાં સુધારો ના થયો. મામલો બગડ્યો તો દર્દીને ઈન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા.

અપોલોમાં કાર્ડિયોલોજી વિભાગના સીનિયર ડૉક્ટર અમિત મિત્તલે આ કેસ વિશે વિગત આપતા જણાવ્યું કે, દર્દીને અપોલો લાવતા જ તેની એન્જિયોગ્રાફી કરવામાં આવી. એન્જિયોગ્રાફીમાં જાણકારી મળી કે તેના હૃદયની ધમનીઓ 90થી 100 ટકા સુધી બ્લોક છે. દર્દીની તાત્કાલિક એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. એન્જિયોપ્લાસ્ટી બાદ દર્દીનું હૃદય ફરીથી ધબકવા માંડ્યું અને હાર્ટ બિટ સામાન્ય થવા માંડી. હાલતમાં સુધાર આવતા દર્દીને રજા આપી દેવામાં આવી. હવે દર્દીનું 60 ટકા હૃદય સામાન્ય કામ કરી રહ્યું છે.

અપોલો હોસ્પિટલના કાર્ડિયો વિભાગમાં એક અન્ય સીનિયર ડૉક્ટર મુકેશ ગોયલે કહ્યું કે, આ ખૂબ જ ગંભીર કેસ હતો કારણ કે દર મિનિટે દર્દીની હાલત બગડી રહી હતી. દર્દીને સતત વેન્ટ્રિકુલર ફિબ્રિલેશનની સમસ્યા થઈ રહી હતી. દરેક પ્રકારના પ્રયત્નો બાદ પણ તેની હાલતમાં સુધારો થઈ રહ્યો ન હતો. ડૉ. ગોયલે આગળ કહ્યું કે, જ્યારે તેને અપોલો લાવવામાં આવ્યો તો અમારા માટે ફાસ્ટ સારવાર કરવી સૌથી જરૂરી હતી. એન્જિયોપ્લાસ્ટી દરમિયાન પણ ડૉક્ટર સતત તેને મસાજ અને શૉક્સ આપી રહ્યા હતા. કોઈ નાની ઉંમરના વ્યક્તિમાં સાઇલેન્ટ હાર્ટ એટેકનો આ પ્રકારનો મામલો ખૂબ જ ઓછો જોવા મળે છે.

ડૉ. ગોયલે જણાવ્યું કે, તમારી ધમનીઓમાં 30થી 40 ટકા સુધી પ્લાક હોઈ શકે છે, જે રુટિન એક્ટિવિટી દરમિયાન એ પ્રકારના લક્ષણ પેદા કરવામાં સક્ષમ નથી હોતી. તમારું કોલેસ્ટ્રોલ સામાન્ય હોય કે નહીં પરંતુ, ઘણીવાર તણાવ જેવી બાબતો પ્લાકને વધારી દે છે, જેના કારણે બ્લડ ક્લોટની સમસ્યા થઈ જાય છે અને આ ક્લોટ મોટો થતા વાર નથી લાગતી અને ધમનીઓ સુધી લોહીના પ્રવાહને અટકાવી દે છે. ડૉ. ગોયલે જણાવ્યું કે દર્દી હવે દવા પર છે. તેને લોહી પાતળું કરવાની દવા આપવામાં આવી છે. સાથે જ કોલેસ્ટ્રોલને ઓછું કરવાની દવા પણ આપવામાં આવી છે, જેથી જોખમ ઓછું કરી શકાય. ત્રણ મહિના બાદ આ વ્યક્તિ 30થી 40 મિનિટ સુધી સાઇકલ અને ત્રણથી ચાર કિલોમીટર પગપાળા ચાલવામાં સક્ષમ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp