કોરોનાથી બીમાર થવા માટે આ 10 કારણો જવાબદાર છે, તમને કયું કારણ લાગુ પડે છે?

PC: businessinsider.in

(પ્રશાંત દયાળ) છેલ્લાં આઠ મહિનાથી શરૂ થયેલા કોરાનાના સંક્રમણને ઘટાડવા માટે પ્રયાસ થઈ રહ્યા છે, છતાં તે નિયંત્રીત થવાને બદલે તેની તાકાત વધી રહી છે. સરકારી તંત્ર પણ તેની તમામ તાકાત લગાડી લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે, છતાં સંભવ છે કે છેલ્લાં આઠ મહિનાથી કામ કરી રહેલા તંત્રના મનમાં કયારેય નિરાશા અને થાકને કારણે ચુક થવાની સંભાવના છે. પણ જો માત્ર સરકાર જ કોરોનાને નિયંત્રીત કરી શકતી હોત તો કોરોના ભારતમાંથી જ નહીં વિશ્વમાંથી જતો રહ્યો હોત. પણ તેવુ થયુ નથી. જેમ હેલ્મેટનો કાયદો આવ્યા પછી આપણુુ માથુ બચાવવાની જવાબદારી માત્ર ટ્રાફિક પોલીસની હોય તેમ દેશના લાખો લોકો મંગળસુત્રની જેમ ગળામાં માસ્ક લટકાવી ફરી રહ્યા છે.  જાણે તે કોઈ તાવીજ હોય અને ગળામાં લટકી રહેલા માસ્કને કારણે કોરોના નજીક આવશે નહીં તેવી સ્થિતિ છે.

કોરાનાને નિયંત્રીત કરવા માટે સામુહીક પ્રયાસ થવો જોઈએ. પણ તેનો સંદત્તર અભાવ જોવા મળે છે. કોરોના જાણે કોઈ સરકારી કાર્યક્રમ હોય તે પ્રકારે લોકો વર્તી રહ્યા છે. દરેક વ્યકિત એવુ માની રહી છે કે તેમણે તો પુરતી તકેદારી રાખી છે.છતાં કોરોના ફેલાઈ રહ્યો છે તેના માટે તે પોતે નહીં પણ બીજા જવાબદાર છે. આમ આપણી જવાબદારી ઢોળી દેવા મનોવૃત્તી અહિયા પણ જોવા મળે છે.

દિવાળીના તહેવાર વખતે જ કોરોના વિકરાળ બન્યો ત્યાર પછી મારા સંપર્કમાં આવેલી દસમાંથી નવ વ્યકિતઓએ એવુ કહ્યુ કે લોકો સમજતા નથી. જો આપણે ત્યાં સમજદારોની બહુમતી હોત તો કોરોના કાબુમાં આવી ગયો હતો કોરોનાની સ્થિતિ ભારતની આઝાદી જેવી છે. ભારતને મળેલી આઝાદીમાં પ્રત્યેક ઘરમાંથી કોઈ એકે જીવ ગુમાવ્યો નથી,તેના કારણે આપણને દેશની આઝાદીની કિમંત નથી.  તેવી જ સ્થિતિ કોરોનાની છે. કોરોના-બોરોના કઈ નથી, તેવુ કહેનાર લોકોના ઘરમાંથી કોઈ વ્યકિતનું કોરોનાને કારણે મોત નિપજયુ નથી. જેના પરિણામ સ્વરૂપ તેમની આ બીમારીની ધાતકતા સમજાતી નથી. કોરોના જે રીતે ફેલાઈ રહ્યો છે તેના કારણો કઈક આ પ્રકારના છે

(1) સમાજનો મોટો વર્ગ એવુ માની રહ્યો છે કે ખરેખર કોરોના જેવુ કઈ છે જ નહીં, અથવા કોરોના માત્ર શહેરી વિસ્તારમાં છે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના જ નથી. કોરોનાનું તુત સરકારી સરકારી છે ડરવાની જરૂર નથી.

(2) બોસ આપણી તો ઈમ્યુનીટી સારી છે, આપણે તો કયારેય સેનેટાઈઝર વાપર્યુ જ નથી છતાં જુઓ આપણને માતાજીની કૃપાથી કઈ જ થયુ નથી. આમ હજી સુધી પોતાને કોરોના થયો નથી તેનું ગૌરવ તે પોતાની ઈમ્યુનીટી સીસ્ટમને આપે છે અથવા ઈશ્વરની કૃપાને આપે છે. આમ ગૌરવ લેવામાં તેઓ તકેદારી રાખવાની બાબતની અવગણના કરે છે

(3) એક વર્ગ એવો છે કે તેઓ સ્વીકારે છે કે કોરોના ગંભીર બાબત છે પણ તેઓ માને છે કયાં સુધી ડરીને જીવવાનું. કોરોના તો કયારેય જવાનો જ નથી. તેમની દલીલ છે કે મેલેરીયા અને સ્વાઈન ફલુ કયાં જતા રહ્યા છે, તો પછી ડરીને ઘરમાં ભરાઈ રહેવા કરતા બીન્દાસ બહાર નિકળવાનું.  થશે ત્યારે જોવાઈ જશે. પણ તેમની ખબર નથી જયારે કોરોના થાય છે ત્યારે બીજા તો ઠીક ઘરના પણ તેમને જોઈ શકતા નથી.

(4) યંગસ્ટર માને છે કે બર્થડે તો વર્ષમાં એક વખત જ આવે છે રોજ થોડી આવે છે, એટલે બર્થ ડે તો ઉજવવી પડે. તેવી જ રીતે કયાં સુધી ઘરમાં બેસી રહેવાનું. કલાક ભેગા થઈએ તો શુ બગડી જવાનું છે. ચ્હા-કોફી પીધી અને મસ્કાબન ખાઈ પાછા આવી જઈ તો કયાં આભ તુટી પડવાનું છે.

(5) બહુ નજીકના સગા અને મિત્ર છે તેમના મરણમાં તો જવુ પડે. જો આપણે જઈશુ નહીં તો આપણે ત્યાં મરણ પ્રસંગમાં કોણ આવશે. તેવી જ રીતે તમામ ધાર્મિકવિધીઓ પણ કરવી જ પડેે. નહીંતર મૃતકનો આત્મા અવગતે જાય. અને જો આપણે નહી કરીએ તો સમાજ શુ કહેશે.

(6) હવે ઘરમાં કંટાળો આવી રહ્યો છે. આવુ ખાસ  કરી સ્ત્રીઓની ફરિયાદ છે. રેસ્ટોરન્ટમાં અને બહારગામ તો જવુ પડશે. આટલા મહિનાથીઓ તો ઘરમાં છીએ. થોડુ ધ્યાન રાખીશુ પણ ટુરનું આયોજન તો કરવુ પડશે. સગાના ઘરે પણ જવુ પડશે નહીંતર તેમને  માઠુ લાગશે.

(7) ધંધા રોજગાર બંધ કરી દેવાના. ધંધો તો કરવો પડશે. સરકાર કઈ ઘરે બેઠા ખવડાવવાની છે. ધંધા અને રોજગાર કરવામાં પછી પ્રમાણભાન જાળવુ પણ જરૂરી છે. જે જળવાયુ નથી.

(8) શોપીંગ કર્યા પછી ડીપ્રેશન ઓછુ થાય છે એટલે મોલમાં તો જવુ પડશે, આમ મોલમાં ટોળા ઉમટી પડયા. તેવી જ રીતે દિવાળી છે તો નવા કપડાં-જુતા તો ખરીદવા જ પડેને. નવા કપડાં વગર થોડી દિવાળી ઉજવાય. એટલે ટોળામાં લોકો બહાર નિકળ્યા.

(9) અમારી એક બાધા બાકી હતી,થયુ લાવ અંબાજી,સોમનાથ જઈ આવીએ એટલે દર્શન કરવા જઈ આવ્યા. આમ લોકો લોકોએ મંદિરો ઉપર ઘસારો કર્યો.

(10) જાહેર જીવનમાં છીએ બહાર તો નિકળવુ જ પડશે, નહીંતર રાજકારણ પુરૂ થઈ જશે તેવુ માનનાર અનેક નેતાઓ પણ સંક્રમીત થયા

 હવે લોકો ધ્યાન રાખતા નથી એટલે કોરોના ફેલાઈ રહ્યો છે તેવુ માનનારે પોતાનું મુલ્યાંકન કરવાનું છે કે આ દસ મુદ્દામાંથી આપણને કયો મુદ્દો લાગુ પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp