કોરોનાના કેસ વધતા સુરતનું આ ફેમસ સ્થળ બંધ કરવામાં આવ્યું

PC: thehindu.com

રાજ્યમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. દિવાળી પહેલા કોરોનાનું સંક્રમણ કાબુમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ દિવાળી પછી કોરોનાના કેસમાં ખૂબ જ વધારો થઇ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ સૌથી વધારે અમદાવાદમાં છે. જેથી અમદાવાદમાં કોરોનાને કાબુમાં લેવા માટે કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. અમદાવાદ બાદ સુરત મહાનગરપાલિકાનું પાલિકાનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા બહારથી આવતા લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત શહેરમાં લોકોને ભીડભાડ વાળી જગ્યા પર નિયમ ભંગ કરવા બદલ દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના ફેમસ ફરવા લાયક સ્થળોને પણ બંધ કરવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર સુરતનું ફેમસ કહેવાતું ડુંમસ બીચ અને સુવાલી બીચ સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. ડુંમસ બીચના વેપારીઓનું કહેવું છે કે, સુરત મહાનગરપાલિકા દ્વારા તેમને દુકાનો શનિવાર અને રવિવાર માટે બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત સોમવારે વિચારણા પછી દુકાનો ખોલવી કે, નહીં તે બાબતે અધિકારીઓ દ્વારા આદેશ કરવામાં આવશે. સુરતનું ડુંમસ બીચ આજથી ત્રણ દિવસ સુધી સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યું છે.

મહત્ત્વની વાત છે કે, ડુંમસના દરિયા કિનારે સહેલાણીઓ રજાના દિવસોમાં મોટી સંખ્યામાં એકઠા થતા હોય છે. તેથી કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તંત્રએ આ નિર્ણય કર્યો છે. જો કે, સોમવારે ડુંમસનું બીચ સહેલાણીઓ માટે ખોલવામાં આવશે કે, નહીં તે બાબતે અધિકારીઓની બેઠક પછી આદેશ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉનમાં પણ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે ડુંમસનું બીચ સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. અનલોકમાં 6 સપ્ટેમ્બરના રોજ તંત્રએ ડુંમસ બીચને ખુલ્લું મુકવાનો નિર્ણય કર્યો હતો અને હવે ફરીથી કોરોનાનું સંક્રમણ વધતા બીચ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ડુંમસ બીચ પર ધંધો કરી રહેલા વેપારીઓનું કહેવું છે કે, લોકડાઉન બાદ જ્યારે લોકો ડુંમસ બીચ પર રજાના દિવસોમાં એકઠા થતા ત્યારે અધિકારીઓ દ્વારા સાયરન વગાડીને તમામ લોકોને ભગાડી મૂકવામાં આવે છે.

ડુંમસ બીચ સહેલાણીઓ માટે બંધ કરવામાં આવતા ભજીયા અને મેગી સહીત ખાણીપીણીના સ્ટોલ ધરાવતા લોકોને રોજગાર ગુમાવવો પડી રહ્યો છે. આ ઉપરાંત બાઈક ભાડે આપતા અને લોકોને ઊંટ અને ઘોડાની સવારી કરાવતા સ્થાનિક લોકોને પણ રોજગાર મળતો નથી. તેથી તંત્ર દ્વારા વારંવાર બીચ બંધ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોજગારીને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. તેથી તંત્રની સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp