26th January selfie contest

સંસદમાં શપથ ગ્રહણના પહેલા દિવસે જ બતાવી દીધું કે આગામી 5 વર્ષ કેવી ધમાલ રહેશે

PC: youtube.com

સત્તરમી લોકસભાની શરૂઆત થઇ ગઇ છે. પહેલા બે દિવસ શપથ ગ્રહણના રહ્યા. આ બન્ને દિવસોએ લોકસભામાં બંધારણ કે ભારત માતા કરતા ભગવાન અને અલ્લાહના નારા વધુ લાગ્યા. આ બતાવે છે કે આગામી પાંચ વર્ષ સંસદમાં કેવા રહેશે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ જય શ્રી રામના નારા લગાવ્યા તો ઔવેશી અને બીજા સાંસદોએ અલ્લા હુ અકબરના નારા લગાવ્યા. આ ઉપરાંત પણ જુદા જુદા પ્રકારની નારાઓ સાંભળવા મળ્યા. જાણકારો કહે છે કે આવું પહેલીવાર બન્યું છે.

શપથ લેવા માટે કોઇ પણ સાંસદ આવતા ત્યારે ભાજપના સાસંદો જય શ્રી રામના નારા લગાવતા હતા. દરમિયાનમાં બારી સંભલથી જીતીને આવેલા સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર્રહમાન બર્કનો વારો આવ્યો તો ભાજપના સાંસદોએ જય શ્રી રામ અને વંદેમાતરમના નારા વધુ જોરથી લગાવવાની શરૂઆત કરી દીધી. શપથ લીધા પછી બર્કે કહ્યું કે ભારતનું બંધારણ જિંદાબાદ. તેમણે કહ્યું કે વંદેમાતરમ ઇસ્લામની વિરૂદ્ધ છે. ત્યારે ભાજપ સાંસદોએ શેમ શેમના નારા લગાવ્યા.

સૌથી વધુ હા હો ત્યારે થઇ જ્યારે એઆઇએમઆઇએમના અસદ્ઉદ્દીન ઔવેશી શપથ લેવા આવ્યા. તેઓ જેમ જ વેલમાં આવ્યા કે ભાજપના નેતાઓએ જય શ્રી રામ, વંદેમાતરમ અને ભારત માતા કી જયના નારા લગાવવાના શરૂ કરી દીધા. ઔવેશીએ શપથ ગ્રહણ પછી જય ભીમ, જય મીમ અને અલ્લાહ હુ અકબર અને જય હિંદના નારા લગાવ્યા. જ્યારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદથી જીતીને આવેલા સાંસદ અબૂ તાહિર ખાન ચૌધરીએ પણ જયશ્રી રામની સામે ઇંશાઅલ્લાહ, જયહિન્દ, જય બંગલા, ખુદા હાફિઝ અને અલ્લાહ હૂ અકબરના નારા લગાવ્યા.
આ ઉપરાંત હેમામાલિનીએ શપથ લીધા પછી રાધે રાધે અને કૃષ્ણમ વંદે જગતગુરૂના નારા લગાવ્યા. ઉત્તરપ્રદેશ ના સલેમપુરથી ભાજપ સાંસદ રવીન્દ્ર કુશવાહાએ તો જય યોગી, જય મોદીના નારા લગાવ્યા. તો બસપાના સાસંદોએ જય ભીમ અને સપા સાંસદોએ જય સમાજવાદના નારા લગાવ્યા.

સાધ્વી પ્રજ્ઞાસિંગે તેમના નામથી સાથે સ્વામી પૂર્ણ ચેતનાનંદ અવધેશાનંદગિરીનું નામ જોડતા વિપક્ષી સાંસદોએ વિરોધ કર્યો. પરંતુ તેમણે કહ્યું કે તેમના ચૂંટણી ફોર્મમાં પણ આ જ નામ લખ્યું છે. પંજાબના સંગરૂર લોકસભાના સાંસદ ભગવંત માને ઇન્કલાબ જિન્દાબાદના નારા લગાવ્યા. તો ડીએમકેના સાંસદે પેરિયાર, એમ કરૂણાનિધિ અને મહાત્મા ગાંધી તથા બી.આર.આંબેડકરનું નામ લીધુ. બંગાળથી આવેલા સાંસદોએ જય બાંગલા ઉપરાતં જય કાલી અને જય દુર્ગાના નારા પણ લગાવ્યા.
સોનિયા ગાંધીએ હિન્દીમાં શપથ લીધા

શપથ લેતી વખતે દેશની જુદી જુદી ભાષાઓની વિવિધતાના દર્શન થયા હતા. પીએમ મોદી ઉપરાંત અમિત શાહ અને રાજનાથસિંહે હિન્દીમાં શપથ લીધા. તો હર્ષ વર્ધન, શ્રીપાદ નાઇક, અશ્વિની ચૌબે અને પ્રતાપ સારંગી અને પ્રજ્ઞા ઠાકરે અને સી.આર. પાટિલે સંસ્કૃતમાં શપથ લીધા. આ ઉપરાંત કન્નડ, પંજાબી, મરાઠી, ડોગરી, આસામીસ, બાંગ્લા, તેલુગુ  મૈથિલીમાં શપથ લીધા. પરંતુ જ્યારે મહારાજગંજના સાંસદ જનાર્દન સિંગ સિગરીવાલે ભોજપુરીમાં શપથ લેવાની વાત કરી તો તેમને ના પાડી દેવામાં આવી કારણ કે આ ભાષા બંધારમની આઠમી સૂચીમાં શામેલ નથી. શપથ ગ્રહણમાં એક ચોંકાવનારી ઘટનાએ બની કે રાહુલ ગાંધીએ અંગ્રેજીમાં શપથ લીધા તો સોનિયા ગાંધીએ હિન્દીમાં શપથ લેતા ભાજપના સાંસદોએ પણ વખાણ કરવા પડ્યા.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp