26th January selfie contest

ગુજરાતનો લોકસભા ચૂંટણીનો ઇતિહાસ જાણો શું કહે છે

PC: khabarchhe.com

આગામી તા.23 એપ્રિલ-2019ના ગુજરાતમાં 16 મી લોકસભાના ચયન માટેની 26 બેઠકોનું મતદાન થવાનું છે. લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણી પર્વમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવાર પસંદ કરતા હોય છે. ગુજરાતની 1960માં અલગ રાજ્ય તરીકે સ્થાપના થઇ ત્યારથી 2014 સુધીની લોકસભા ચૂંટણીઓમાં મતદારોએ પોતાના આ મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને સંસદમાં પ્રતિનિધિત્વ કરવા પોતાના મતક્ષેત્રના ઉમેદવારને ચૂંટીને મોકલ્યા છે. ચૂંટણી આયોગની વેબસાઇટ પર ગુજરાત રાજ્યના અગાઉની ચૂંટણીઓની મતદાનની તવારિખ જોઇયે તો કેટલીક રસપ્રદ હકિકતો સામે આવી છે.

1960માં ગુજરાત દ્વિભાષી મુંબઇ રાજ્યમાંથી અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું તે પછી 1962માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 22 બેઠકો હતી જે 1967માં વધીને 24 થઇ અને 1977થી 26 બેઠકો થઇ છે. 1967માં યોજાયેલી લોકસભા ચૂંટણીઓમાં રાજ્યની 24 બેઠકો માટે 80 ઉમેદવારોએ પોતાનું ભાવિ અજમાવેલું તે વેળાએ રાજ્યના કુલ 1 કરોડ 6 લાખ 92 હજાર 948 મતદારો પૈકી 68 લાખ, 18 હજાર 682 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને સૌથી વધુ 63.77 ટકા મતદાન તે વેળાએ રાજ્યમાં નોંધાયું હતું.

ત્યારબાદ સૌથી વધુ મતદાન 2014ની લોકસભા ચૂંટણીમાં એટલે કે 63.66 ટકા રહ્યું હતું એ વેળાએ રાજ્યના 4 કરોડ 6 લાખ 3 હજાર 104 મતદારોમાંથી 2 કરોડ 57 લાખ 3 હજાર 177 મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરનારા ઉમેદવારોની સંખ્યાની વેબસાઇટમાં જણાવેલી વિગતો પર દ્રષ્ટિપાત કરીયે તો જણાય છે કે, રાજ્યમાં 26 બેઠકો માટે સૌથી વધુ 577 ઉમેદવારોએ 1996ની લોકસભા ચૂંટણીઓમાં ઉમેદવારી કરી હતી.

આ ચૂંટણીઓમાં 2 કરોડ 85 લાખ 29 હજાર 094 મતદારો પૈકીના 1 કરોડ 2 લાખ 48 હજાર 650 એ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને સૌથી ઓછું એટલે કે 35.92 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી આયોગની આ વેબસાઇટમાં દર્શાવેલી રાજ્યમાં લોકસભા ચૂંટણીઓના ઉમેદવારોની વિગતો જોઇયે તો 1962માં 68, 1967માં 80, 1971માં 118, 1977માં 112, 1980માં 169, 1984માં 229, 1989માં 261, 1991માં 420, 1996માં 577, 1998માં 139, 1999માં 159, 2004માં 162, 2009માં 359 અને 2014ની લોકસભા ચૂંટણીઓમાં 334 ઉમેદવારો પોતાનું ભાવિ અજમાવી ચૂકયા છે.

મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાનની પવિત્ર ફરજ અદા કરી શકે તે માટે ચૂંટણીઓના આ પર્વમાં મતદાન મથકો પોલીંગ સ્ટેશન્સ ચૂંટણી આયોગ અને પ્રશાસન દ્વારા ઊભા કરવામાં આવતા હોય છે. આવાં મતદાન મથકોની વિગતો પણ આ અધિકૃત વેબસાઇટમાં આવી છે. તદ્દઅનુસાર, 1962માં 22 બેઠકોની ચૂંટણી માટે 95 લાખ 34 હજાર 974 મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે 10960 મતદાન મથકો હતાં.

મતદારોમાં થતા વધારા સાથોસાથ મતદાન મથકોની સંખ્યામાં પણ વૃધ્ધિ થતી જાય છે અને 2019ની આગામી ચૂંટણીઓના તા. 23 એપ્રિલના થનારા મતદાન માટે રાજ્યમાં 51,709 જેટલા મતદાન મથકો ઊભા કરવામાં આવશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp