26th January selfie contest

મહારાષ્ટ્રના CM પદેથી દેવેન્દ્ર ફડણવીસનું રાજીનામું, જાણો રાજીનામા બાદ શું કહ્યુ

PC: twitter.com

મહારાષ્ટ્રમાં રાજકારણ ફૂલ ગરમાયેલું છે, ત્યારે વિધાનસભાનો કાર્યકાળ શનિવારના રોજ પૂરો થઇ રહ્યો છે, જેને કારણે આજે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે મહારાષ્ટ્રના ગવર્નરને રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું હતું કે, મારી પાસે સારી ખબર છે. મારું રાજીનામું સ્વીકાર કરી લેવામાં આવ્યું છે. મને મહારાષ્ટ્રની સેવા કરવાની તક મળી. હું મહારાષ્ટ્ર, PM મોદી, નડ્ડા અને અમારા તમામ નેતાઓનો આભારી છું. પ્રેસ કોન્ફરન્સમાં શિવસેનાનું નામ લીધા વગર દેવેન્દ્ર ફડણવીસે હસીને કહ્યું હતું કે, સહયોગીનો આભાર.

ફડણવીસે કહ્યું કે, તેમણે પોતે ફોન કરી ઉદ્ધવ ઠાકરે જોડે વાત કરી હતી. ઉદ્ધવ ઠાકરેના નજદીકના લોકો કારણ વિના નિવેદનો આપી રહ્યા છે. જ્યારે ચૂંટણી સાથે મળીને લડેલા તો પછી NCP જોડે ચર્ચા શા માટે થઈ રહી છે.

તેમણે કહ્યું., દોઢ-દોઢ વર્ષના મુખ્યમંત્રીને લઈને કોઈ વાયદો આપવામાં આવ્યો નહોતો. મારી સામે ક્યારેય પણ દોઢ વર્ષના CM પદને લઈને ચર્ચા થઈ જ નથી. ઉદ્ધવે સરકાર બનાવવાને લઈને વાત કરી હતી. મહારાષ્ટ્રમાં જનાદેશ ગઠબંધનને મળ્યો હતો.

મહારાષ્ટ્રએ અમને લોકસભા ચૂંટણી દરમિયાન એક મોટો જનાદેશ આપ્યો અને ત્યાં સુધી કે વિધાનસભામાં પણ અમને સહયોગીના રૂપે ચૂંટણીનો સામનો કરવો પડ્યો. મહાગઠબંધનને સ્પષ્ટ જનાદેશ મળ્યો, અમે 160થી વધુ સીટો જીતવામાં સફળ રહ્યા. BJP 105 સીટો સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી.

વધુમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, મેં ઉદ્ધવ ઠાકરે સાથે કેટલાય મુદ્દાઓ પર કામ કર્યું છે. પરંતુ આ વખતે મેં ઉદ્ધવ ઠાકરેનો ફોન કર્યો તો તેમણે મારી સાથે વાત ન કરી. શિવસેના અને BJP વચ્ચે CM પદને લઇને 50-50 પર મારી સામે કોઇ નિર્ણય નથી થયો. મેં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, નિતિન ગડકરીને પણ આ વિશે પૂછ્યું, પરંતુ તેમણે પણ CM પર 50-50 ફોર્મ્યૂલા પર કોઇપણ પ્રકારનો નિર્ણય લેવાનો ઇનકાર કર્યો હતો.

શિવસેના બાદ કોંગ્રેસ નેતાએ BJP પર હોર્સ ટ્રેડિંગ કરવાનો લગાવ્યો આરોપ

મહારાષ્ટ્રમાં BJP અને શિવસેનાના વચ્ચે ચાલી રહેલી રાજકીય ઝઘડા વચ્ચે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતા નીતિન રાઉતે દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં BJPના નેતાઓએ પૈસાની મદદથી કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. આ અગાઉ શિવસેનાએ આરોપ લગાવ્યો હતો કે, BJP પૈસાના આધારે શિવસેનાના ધારાસભ્યો ખરીદવાનો પ્રયાસ કરી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતા નીતિન રાઉતે કહ્યું કે એવા અહેવાલો છે કે BJPના કેટલાક નેતાઓ પૈસા સાથે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોનો સંપર્ક કરી રહ્યા છે. ગઈકાલે અમારા એક-બે ધારાસભ્યોને આશરે 25 કરોડની ઓફર કરવામાં આવી હતી. કર્ણાટકમાં જે પ્રકારનું હોર્સ ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે તેનાથી બચવા માટે અમે તમામ પ્રયાસ કરીશું.

કોંગ્રેસના એક અન્ય નેતા વિજય વડેટ્ટીવારે શુક્રવારે આક્ષેપ કર્યો હતો કે, ધારાસભ્યોને મહારાષ્ટ્રમાં પાર્ટી બદલવા માટે 25થી 50 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસના ધારાસભ્યોનો પણ આવી દરખાસ્તો સાથે ફોન ઉપર સંપર્ક કરવામાં આવ્યો છે. વિધાનસભાના વિપક્ષી નેતાએ કહ્યું કે શિવસેનાએ દાવો કર્યો છે કે તેમના એક ધારાસભ્યને પાર્ટી બદલવા માટે 50 કરોડની ઓફર કરવામાં આવી છે. તેમણે પત્રકારોને કહ્યું, અમારા ધારાસભ્યોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. 25 થી 50 કરોડની ઓફર કરીને ધારાસભ્યોને ખુશ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp