26th January selfie contest

પત્રકારે કર્યો એવો સવાલ કે પહેલી જ પત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરે ઉકળી પડ્યા

PC: wp.com

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ ગુરુવારે પ્રથમ કેબિનેટ બેઠક યોજી હતી. બેઠક બાદ ઉદ્ધવ ઠાકરેએ મંત્રીઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી સરકારના નિર્ણયોની જાહેરાત કરી હતી. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેને એક પત્રકાર દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે શું શિવસેના બિનસાંપ્રદાયિક બની છે. આ પ્રશ્ન સાંભળીને ઉદ્ધવ ઠાકરે ગુસ્સે થયા હતા. તેમણે કહ્યું કે સેક્યુલરનો અર્થ શું છે? ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે બંધારણમાં જે લખ્યું છે તે ધર્મનિરપેક્ષતા છે. આ દરમિયાન NCP નેતા છગન ભુજબલે પણ ઉદ્ધવ ઠાકરે વતી જવાબ આપ્યો હતો.

કેબિનેટની બેઠકમાં લીધેલા નિર્ણય અંગે બોલતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આ સરકાર સામાન્ય લોકો માટે કામ કરશે. તેમણે રાયગઢમાં શિવાજીનો કિલ્લો શણગારવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે શિવાજી કિલ્લા માટે 20 કરોડનું ફંડ જાહેર કરવામાં આવશે.

બેઠકમાં ખેડૂતોની ચર્ચા પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યું કે, મુખ્ય સચિવ પાસે ખેડૂતો વિશે માહિતી માગવામાં આવી છે. તેમણે કહ્યું કે અમારી સરકાર ખેડૂતોની સમૃદ્ધિ માટે કામ કરશે. પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હું તમને બધાને જણાવવામાં ખુશ છું કે આ કેબિનેટ દ્વારા પ્રથમ નિર્ણય લેવામાં આવ્યો છે તે છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની રાયગઢના વિકાસ માટે 20 કરોડ રૂપિયાની મંજૂરી આપવાનો છે.

ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ઉદ્ધવ ઠાકરેએ શિવાજી મહારાજને નમન કરી મરાઠી ભાષામાં શપથ લીધા હતા. ઠાકરે પરિવારના તેઓ પહેલા મુખ્યમંત્રી છે. સાંજે 6.40 વાગ્યે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમને પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવ્યા હતા. ઉદ્ધવ ઠાકરે પછી મંત્રીમંડળના અન્ય મંત્રીઓએ શપથ લીધા હતા.

કાર્યક્રમ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કેસરી રંગનો કુર્તા પહેર્યો હતો, જે તેમના પક્ષનો રંગ પણ છે. ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી તરત જ નમ્રતા દર્શાવતા, ઠાકરે સ્ટેજની સામે ઉતર્યા અને સન્માન બદલ મહારાષ્ટ્રની જનતાનો આભાર માન્યો અને તેમના ઘૂંટણ પર બેસી ગયા હતા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp