બિટકનેક્ટ કૌભાંડઃ રાકેશ સવાણી પકડાયો, મર્સિડિઝ, લેમ્બોર્ગિની, ફરારી કોની પાસે?

PC: khabarchhe.com

બીટકોઈનના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનારી ટોળકીના એક વર્ષથી ફરાર સાગરીતની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે. બીટકનેકટ કંપનીના એશિયન રિજીયનના મેનેજર રાકેશ સવાણીની ધરપકડ કરી છે.

ઈ.સ. 2018ના જુલાઈ મહિનામાં બીટકોઈનના નામે કરાયેલા કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવતા સીઆઈડી ક્રાઈમે ફરિયાદ નોંધી હતી. બીટકનેકટ કંપનીના નામે જુદીજુદી વેબસાઈટ થકી માલિક સતિષ કુંભાણી, દિવ્યેશ દરજી, સુરેશ ગોરસીયા અને ધવલ માવાણીએ અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હતી.

અત્યાર સુધીની તપાસમાં કુલ 12 કરોડ 69 લાખ 85 હજાર રૂપિયાની છેતરપિંડીનો આંકડો સામે આવ્યો છે. સીઆઈડી ક્રાઈમ બ્રાંચ છેતરપિંડીના ગુનામાં બીટકનેકટ કંપનીના ચાર માલિકો પૈકી સતિષ, દિવ્યેશ અને સુરેશની ધરપકડ કરી ચૂકી છે. જ્યારે ધવલ માવાણી હજુપણ ફરાર છે.

આરોપીઓએ છેતરપિંડીની રકમથી ખરીદ કરેલી મિલકતોની તપાસ દરમિયાન સુરતમાં આવેલી 3.23 કરોડના મૂલ્યની જમીન, 15 કરોડની કિંમતની દુકાનો તેમજ સતિષ કુંભાણી પાસેથી 7 લાખની કિંમતનો એક બીટકોઈન એવા 270 બીટકોઈન (રૂપિયા 19.60 કરોડ) ટાંચમાં લીધા છે.

ક્રિપ્ટો કરન્સી બીટકોઈન કૌભાંડમાં એકાદ વર્ષથી બીટકનેકટ કંપનીના સંચાલકો-પ્રમોટર સતીષ કુરજી કુંભાણી (રે.હંસ સોસાયટી,મોટા વરાછા) તથા સુરેશ ગોરધન ગોરસીયા (રે.સિધ્ધીપાર્ક સોસાયટી,વરાછા)એ કોર્ટમાં સરન્ડર કર્યું હતું.

બીટકનેકેટ કંપનીનું લંડન કંપની હાઉસમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સહ આરોપી દિવ્યેશ દરજી ઉપરાંત અન્ય આરોપીઓના રિમાન્ડના મુદ્દા પર જ હાલના આરોપીના રિમાન્ડ મગાયા છે. કંપનીના કોમ્પ્યુટર્સ, લેપ્ટોપના ડેટા એડમીન આઈડી, રોકાણકારોની વિગતો તપાસ અધિકારીએ અગાઉ મેળવી છે.

બીટકોઈન કૌભાંડમાં સંડોવાયેલા આરોપી સંચાલક સતીષ કુંભાણીએ નવેમ્બર-૨૦૧૭માં બીટકનેકટ કંપનીની ઓફિસ ગોવામાં શિફ્ટ કરી હતી. જ્યાંથી બીટકનેક્ટ તથા બીટકનેકટ એક્ષ કંપનીની વેબસાઈટ, આઈપીઓ પિરીયડ ઓપરેટ કર્યા હોઈ સીઆઈડી ક્રાઈમ ગોવામાં પણ તપાસ કરશે. રોકાણકારોને પટાયા બેંગ્કોક ખાતેની ઈવેન્ટમાં જુદા જુદા દેશોના પ્રમોટર્સને રિવોર્ડ તરીકે આપેલી પોર્શે, એસ્ટોન માર્ટીન, મર્સિડીઝ જીટીએસ, લેમ્બોર્ધીની ફેરારી જેવી મોંઘીદાટ કાર આપી છે. જે કાર હાલમાં કોના કબજામાં છે તેની તપાસ હાથ ધરાશે.

અદાલતના આદેશ બાદ કબ્જે લેવાયેલી મિલ્કતો અને બીટકોઈનની હરાજી કરી તેમજ તેનું રોકડમાં રૂપાંતર કરી છેતરપિંડીનો ભોગ બનનારા લોકોને કોમ્પીટન્ટ ઓથોરીટી થકી રકમ ચૂકવવામાં આવશે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp