કલામંદિર સામે મોરચો ખોલનાર ભાજપના નેતાને ત્યાં આઇટી દરોડા પહેલા તેમને ધમકી મળી!

PC: youtube.com

સુરત શહેરના ઘોડદોડ રોડ પર આવેલી જવેલર્સ કલામંદિર દ્વારા નોટબંધી દરમિયાન સોના વેચાણના નામે મની લોન્ડરિંગ કર્યું હોવાના આક્ષેપોને કારણે પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્માને ત્યાં આઈડીના દરોડા પડ્યા છે. ત્યારે પીવીએસ શર્મા પીપલોદ ખાતે પોતાના ફ્લેટની નીચે જ ધરણા પર બેઠા છે. તેમણે આ સમગ્ર કૌભાંડની ગોઠવણ પાછળ એક રાજકીય નેતાનો પુત્ર સામેલ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. જોકે, બીજી બાજુ તેમણે 21 ઓક્ટોબરે સાંજે કરેલી ટ્વિટ પર દાવો કર્યો છે કે તેમને કોઇ ધમકી મળી હતી.  

પીવીએસ શર્મા દ્વારા નોટબંધી દરમિયાન સોનુ ઉંચા ભાવે વેચી કરોડો રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા પછી કરોડોની ટેક્સ ચોરી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. માજી ઇન્કમટેક્સ અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્મા દ્વારા ટ્વીટર પર કરાયેલા આ આક્ષેપમાં શર્માએ લખ્યું છે કે, નોટબંધીના સમયમાં ઘોડદોડ રોડના કાલમંદિર જવેલર્સે સોનું વેચી 110 કરોડ રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા હતા. 33 ટકા લેખે ટેક્સ ભરવાને બદલે માત્ર 80 લાખ ટેક્સ ભરવા પાત્ર થાય છે, એવી અરજી સેટલમેન્ટ કમિશનમાં કરી અને આયકર વિભાગે આ અરજી સ્વીકારી પણ લીધી હતી. આ ગંભીર પ્રકારનો ભ્રષ્ટાચાર હોય શકે તે પ્રકારે અરજી સ્વીકારવામાં આવી છે. તેમણે આ પ્રકારમાં થયેલા સેટલમેન્ટ અંગેની તપાસ ઈડી અને સીબીઆઈ પાસે કરાવવા પણ માંગ કરી છે.

ત્યારે હવે આક્ષેપો કર્યા બાદ તેમના ઘરે જ આઈટીના દરોડા પડ્યા છે. પીવીએસ શર્મા શહેર ભાજપના ઉપાધ્યક્ષ પણ છે. આઈટીના દરોડા પડતા તેઓ પોતાના ફ્લેટની નીચે જ ધરણા પર બેસી ગયા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ત્રણ પ્રકારે 2 હજાર કરોડનું મની લોન્ડરિંગ થયું છે. આખા કૌભાંડની ગોઠવણ NCPના નેતાના પુત્રએ કરી છે. જ્યારે આ અંગે કલામંદિર જવેલર્સના મિલન શાહ દ્વારા ખુલાસો કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી બહુચર્ચિત પૂર્વ ઇન્કમટેક્સ અધિકારીએ અધૂરી માહિતી આપી અને વડાપ્રધાન સહિત મીડિયાને ગેરમાર્ગે દોર્યા છે. આરઓસી(રજીસ્ટ્રાર ઓફ કંપની) ની વેબસાઇટ પર અમારી તમામ માહિતી છે.

જોકે, આ બધી ઘટનાઓ વચ્ચે 21 ઓક્ટોબરે સાંજે જ પીપીએસ શર્માએ કરેલી એક ટ્વિટ ધ્યાન ખેંચે તેવી છે. તેમની સાથે જ્યારે અમે વાત કરી ત્યારે તેમણે કહ્યું જ હતું કે તેમની ઉપર દરોડા પડી શકે છે. ત્યારે જ તેમણે એવી ટ્વિટ પણ કરી હતી કે -હું કોરોનામાંથી બચીને બહાર આવ્યો છું. મારા નેતાઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહની શુભેચ્છાઓ મારી સાથે છે. આ મારી બીજી જિંદગી છે અને તે હું લોકોની સેવા માટે સમર્પિત કરવા માગું છું. છેલ્લે તેમણે લખ્યું છે કે જે બધા મારી ‘ચિંતા’ કરે છે તેમને કહેવા માગુ છું કે મને ડરાવવાની કોશિશ ન કરે.

અહીં સવાલ એ છે કે તેમને કોણ ડરાવવા માગે છે. તેમના ટ્વિટ પછી રાતે લગભગ 10 વાગ્યે તેમને ત્યાં ઇન્કમટેક્સના દરોડા પડ્યા. ત્યારપછી તેઓ ધરણા પર બેસી ગયા છે. ચર્ચા તો એવી પણ છે કે ભાજપના આંતરિક રાજકારણને કારણે આ મુદ્દો ઉઠ્યો છે પરંતુ તેનો ફાયદો કોંગ્રેસ લઇ રહી છે. કોંગ્રેસે આ મુદ્દાને રાષ્ટ્રીય બનાવી દીધો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp