26th January selfie contest

પેટ્રોલ- ડીઝલના ભાવવધારા સામે કેન્દ્રની સાથે રાજ્યો પણ ચૂપ... ગુજરાત શું કહે છે

PC: mathrubhumi.com

પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવોને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સહમત નથી તેથી નાગરિકોને આ ભાવવધારા સામે ઝઝૂમવા સિવાય કોઇ વિકલ્પ રહ્યો નથી. કેન્દ્રએ લોકોના આક્રોશને શાંત કરવા એવું કહ્યું હતું કે અમે પેટ્રોલિયમ પેદાશોને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં સમાવવા માટે તૈયાર છીએ પરંતુ રાજ્યો સહમત થતાં નથી.

જો કે કેન્દ્ર સરકારનું આ બહાનું છે. લોકોને ભાવવધારામાં રાહત આપવા માટે કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરી શકે છે પરંતુ ખુદ કેન્દ્ર સરકાર એક્સાઇઝ ઘટાડવા માટે તૈયાર નથી અને દોષનો ટોપલો રાજ્ય સરકારો પર ઢોળે છે. હકીકત એ છે કે પેટ્રોલ અને ડીઝલનો ભાવવધારો રોકવા માટે કેન્દ્ર કે રાજ્ય સરકારો તૈયાર નથી, કારણ કે આ ટેક્સ એ સરકારની દૂઝણી ગાય છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી અવાર નવાર એવો ઇન્કાર કરી ચૂક્યાં છે કે ગુજરાતમાં વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) ના દર અન્ય રાજ્યોની સરખામણીએ નીચા છે તેથી વેટમાં ઘટાડો શક્ય નથી. જો કે તેમણે ચોંકાવનારા નિવેદનમાં એવું કહ્યું છે કે અમે પેટ્રોલિયમ પેદાશો પરથી વેટ દૂર કરીને જીએસટી લગાવવા માટે તૈયાર છીએ પરંતુ કેન્દ્ર સરકારે રાજ્યને 50 ટકા નુકશાન વળતર આપવું પડશે.

નીતિન પટેલની દલીલ એવી છે કે વેટની જે આવક થાય છે તે 100 ટકા સરકારી તિજોરીમાં જમા થાય છે. વેટની જગ્યાએ જીએસટી લગાડવામાં આવે તો ગુજરાત સહિતના રાજ્યોને મોટું નુકશાન ભોગવવું પડે તેમ છે. જો કેન્દ્ર સરકાર નુકશાન વળતર આપે તો અમે તૈયાર છીએ.

ઉલ્લેખનીય છે કે પેટ્રોલિયમ પેદાશો પર ગુજરાત સરકાર પ્રતિવર્ષ 12000 થી 14000 રૂપિયાનો વેટ વસૂલ કરે છે, જો આ પેદાશોને જીએસટી હેઠળ લાવવામાં આવે તો ગુજરાત સરકારને વેટની આવકમાં મોટો ફટકો પડે તેમ છે. ગુજરાતની જેમ ભાજપ શાસિત રાજ્યો પણ જીએસટી અંગે સહમત થતાં નથી તેથી કેન્દ્રની અપીલની રાજ્યો પર કોઇ અસર થઇ શકતી નથી.

ગુજરાત સહિતના રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના કારણે નાગરિકો પરેશાન છે. આ બન્ને ઇંધણની કિંમતો પ્રતિદિન બદલાય છે તેથી જીવન આવશ્યક ચીજવસ્તુઓ પણ મોંઘી થતી જાય છે. ડીઝલના ભાવવધારાના કારણે ટ્રાન્પોર્ટેશન મોંઘુ બનતાં મોંઘવારી વધી રહી છે અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો તમાશો જોઇ રહી છે. મોંઘવારીની સૌથી વધુ અસર મધ્યમવર્ગના પરિવારોને થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp