26th January selfie contest

જેનો રાજા વેપારી... 5 વર્ષમાં પેટ્રોલ-ડીઝલના ઊંચા ટેક્સ રાજ્યને આટલી કમાણી આપી

PC: youtube.com
મહાઅમાત્ય ચાણક્યએ સફળ શાસનના સૂત્રો આપતાં કહ્યું હતું કે જેનો રાજા વેપારી હોય તેની પ્રજા ભિખારી હોય છે... આ ઉક્તિ આજે  પણ સાચી પડે છે. કોરોના વાયરસના પગલે ક્રુડઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. અત્યારે બેરલદીઠ ભાવ 30 ડોલરની અંદર આવી ચૂક્યાં છે ત્યારે લોકોને સસ્તું પેટ્રોલ અને ડીઝલ મળી શકે તેમ છે પરંતુ કેન્દ્રની મોદી સરકારે પેટ્રોલિયમ પેદાશો પર ત્રણ રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી નાંખી દીધી છે. વૈશ્વિક બજારમાં ક્રુડના ભાવ જોતાં પેટ્રોલ 35 રૂપિયે અને ડીઝલ 30 રૂપિયે લીટર મળી શકે છે.

સરકાર સામે લોકોએ ટ્વિટર પર આક્રોશ ઠાલવ્યો છે અને કહ્યું છે કે સરકારને મોંઘવારી દૂર થાય તેમાં રસ નથી. ગુજરાતમાં વેલ્યુએડેડ ટેક્સ હોવાથી સરકારને પેટ્રોલ અને ડીઝલના કારણે પ્રતિવર્ષ 15000 કરોડ રૂપિયાનો ફાયદો થાય છે. એટલે કે આટલા બઘાં રૂપિયા વાહનચાલકોના ખિસ્સામાંથી સરકાર હળવા કરે છે.

વિધાનસભામાં આપવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત સરકારે લોકોના ખિસ્સામાંથી પેટ્રોલ અને ડીઝલ પરના ઉંચા વેટને કારણે 75000 કરોડ રૂપિયા લીધા છે. મોદી સરકારે ત્રણ રૂપિયા એક્સાઇઝ વધારતાં તેમની સરકારને 2000 કરોડ રૂપિયાનો ફાયદો થશે. ગુજરાત સરકારને પણ મોટો ફાયદો થવાનો છે. કોરોનાની મહામારી તેમજ વૈશ્વિક મંદીના સમયમાં પણ સરકાર કમાઇ લેવાની તક છોડતી નથી. આ સમયમાં તો સરકારે હોમ લોન સહિતની તમામ લોન સસ્તી કરવી જોઇએ પરંતુ ભારતીય રીઝર્વ બેન્ક તેમ કરવા તૈયાર નથી.

ગુજરાતમાં મગફળીનો બમ્પર પાક થયો હોવા છતાં તેલના ડબ્બાનો ભાવ 2100 રૂપિયા સુધી પહોંચી ચૂક્યો છે. તેલિયા રાજાઓને કમાણી કરવાના બઘાં દરવાજા રૂપાણી સરકારે ખોલી આપ્યાં છે. નાના લોનધારકોને બેન્કો હપ્તા ભરવા મજબૂર કરે છે પરંતુ મોટા હાથી બેન્કોને ડૂબાડીને વિદેશ જતા રહે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ સસ્તાં થાય તો જીવનજરૂરિયાતની ચીજવસ્તુ સસ્તી થાય પરંતુ સરકારને મધ્યમવર્ગની ફિકર નથી.

 
 
 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp