હીરા અને કાપડ ઉદ્યોગ ફરી શરૂ કરવા અંગે જાણો પાલિકા કમિશનરે શું કહ્યું

PC: google.com

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બુધવારે બપોરે 12.00 કલાકે કોવિડ– 19 અને પ્રવર્તમાન પરિસ્થિતિમાં ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ માર્કેટ ખોલવા અંગે સુરત શહેરના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સાથે વિશેષ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મનપા કમિશનરે કહ્યું હતું કે ટેક્સટાઈલ માર્કેટ અને હીરાબજાર બંને હોટસ્પોટ વિસ્તારમાં આવે છે જેથી, ત્યાં કેસ વધી શકે છે. આર્થિક પ્રવૃતિને વેગ આપવું જરૂરી છે પણ તકેદારી રાખવી પણ જરૂરી છે. આપણે ઝીરો કેસ સુધી પહોંચવાનું છે.

- પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવા સહિત અનેક માંગણી

ચેમ્બરના પ્રમુખ કેતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, સુરતમાં આશરે 25 લાખ જેટલા શ્રમિકો જુદા–જુદા રાજ્યોમાંથી આવીને વસ્યા છે ત્યારે કન્ટેનમેન્ટ એરિયામાં છેલ્લાં બે મહિનાથી બંધ ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ માર્કેટને ખોલવા તેમજ રાજમાર્ગ ઉપર આવેલી રીટેલની જવેલરી શો રૂમ સહિતની દુકાનોને ખોલી આર્થિક પ્રવૃત્તિઓને ફરીથી ધમધમતી કરવા માટે અનુરોધ કર્યો હતો. તદુપરાંત મહાપાલિકાને વર્ષના પ્રોપર્ટી ટેક્ષમાં રાહત આપવા, ઇન્ડસ્ટ્રી તથા ઓફિસ–દુકાનોમાં સેનીટાઇઝેશન માટે સહાય કરવા તેમજ કન્ટેનમેન્ટ વિસ્તારમાં બંધ બેંકો અને એટીએમને લોકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ખોલવા માટે અનુરોધ કર્યો હતો. બેંકોમાં પ્રોપર્ટી લીઝ કરીએ ત્યારે રીયલ એસ્ટેટના અગ્રણીઓને મહાપાલિકાનો ટેક્ષ ઘણો વધારે લાગતો હોવાથી તેમાં પણ ઘટતું કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

ચેમ્બરના ઉપપ્રમુખ  દિનેશ નાવડીયાએ વરાછા અને મહિધરપુરાની ડાયમંડ માર્કેટમાં એસોટીંગના કામ માટે ઓફિસો શરૂ કરવા માટે પરવાનગી આપવા મ્યુનિસિપલ કમિશનરને અનુરોધ કર્યો હતો. ડાયમંડ માર્કેટમાં વધારે ભીડ જમા ન તેની તકેદારી રાખવા માટે તેમણે કમિશનરને આશ્વાસન પણ આપ્યુ હતુ.

-આર્થિક પ્રવૃતિને વેગ જરૂરી પણ ટેક્સટાઈલ માર્કેટ, હીરા બજાર બંને હોટસ્પોટ, ચેપ વધી શકે: મનપા કમિશનર

ટેક્ષ્ટાઇલ માર્કેટ અને ડાયમંડ માર્કેટ ખોલવા અંગે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યુ હતુ કે,  આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવાનું અમે પણ ઇચ્છીએ છીએ. ટેક્ષ્ટાઇલ માર્કેટ સુરતના સેન્ટ્રલ અને લિંબાયત ઝોનમાં આવે છે ત્યારે લિંબાયત ઝોન કોરોના માટે હોટસ્પોટ હોવાથી વધારે લોકોને તેનો ચેપ લાગવાની શકયતા રહેલી છે. વરાછા અને મહિધરપુરા હીરાબજારમાં પણ ખૂબ જ ભીડ જોવા મળે છે. આથી ભવિષ્યમાં તંત્રને મેનેજ કરવુ અઘરુ થઇ શકે છે. આથી પોઝીટીવ કેસવાળા વિસ્તારોને રિવિઝીટ કરી એકયુટ રિસ્પેરીટી ઇન્ફેક્‌શનના કેસ ન આવતા હોય તો કન્ટેન્મેન્ટ એરીયા વિશે વિચાર કરીશું. આ અંગે મહાપાલિકામાં એક આંતરીક મિટીંગ કરીને કન્ટેનમેન્ટ એરિયામાં ભવિષ્યમાં કઇ રીતે પ્લાનીંગ કરવું તેના વિશે વિસ્તૃતપણે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.

ચેમ્બર અથવા અન્ય સંસ્થાઓ વ્હીકલની વ્યવસ્થા કરશે તો મહાપાલિકા તેઓને સેનીટાઇઝેશન માટે વિનામૂલ્યે સોડીયમ હાઇપોક્‌લોરાઇટ આપશે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, અત્યારે સુરતમાં બેલેન્સીંગ એકટીવિટી થઇ શકે તેમ છે, પરંતુ 80 ટકા લોકો લક્ષણ વગરના આવે છે. ઘણી મોટી સંસ્થાઓમાં પણ ચેપ લાગ્યો છે. મહાપાલિકા, પોલીસ, ડોકટર અને કલેકટર ઓફિસના કર્મચારીઓ પણ પોઝીટીવ થયા છે. સુરતમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ સિવાય કોઇ વ્યવસ્થા નથી. ખાનગી હોસ્પિટલને અત્યારે ડિસ્ટર્બ કરવી નથી પણ ભવિષ્યમાં સ્થિતિને જોઇને નિર્ણય લેવામાં આવશે.

વધુમાં નોન કન્ટેનમેન્ટ એરિયામાં છુટછાટ આપી છે ત્યારે ઓફિસ જતા કર્મચારીઓને એક મોટરસાયકલ ઉપર બે જણાને મંજૂરી આપવા તેમજ તે અંગે લોકોને ખોટી હેરાનગતિ ન થાય એના માટે પોલીસ વિભાગ સાથે સંકલન સાધવા માટે પણ કમિશનરને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લઇશું તેમ તેમણે જણાવ્યુ હતુ.

-સુરતમાં ઈકોનોમી ચાલશે પણ પ્રોટોકોલ નક્કી કરવો પડશે

તેમણે વધુમાં કહયુ હતુ કે, અત્યારે રિવર્સ માઇગ્રેશન થઇ રહયું છે. રાજસ્થાન અને સૌરાષ્ટ્રમાંથી લોકો સુરતમાં પાછા આવી રહયાં છે. સુરતની ઇકોનોમી ચાલશે પણ તેના પહેલા પ્રોટોકલ નકકી કરવો પડશે. જેથી કરીને કોઇને ચેપ ન લાગે. વર્કપ્લેસ ઉપર શુ કાળજી રાખવાની છે તે અંગે મહાપાલિકાએ માર્ગદર્શિકા આપી છે. કોવિડ માટે સિવિલ હોસ્પિટલ અને નોન કોવિડ માટે સ્મીમેર હોસ્પિટલમાં વ્યવસ્થા ઉભી કરી છે. રોબો થકી સિવિલ અને સ્મીમેરમાં દર્દીઓ સુધી મેડીસીન અને ફૂડ પહોંચાડવાની વ્યવસ્થા ઉભી કરાઇ છે. પબ્લીક હેલ્થમાં ઇન્ફેકશનને કન્ટ્રોલ કરવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કર્યો છે. એના કારણે આપણે સારુ પરિણામ મેળવી શકયા છીએ.

-ચાઈના, સિંગોપોર, સાઉથ કોરિયામાં ફરી લોકડાઉનની વાત કરી ચેતવ્યા 

પાનીએ વધુમાં જણાવ્યુ હતુ કે ચાઇના, સાઉથ કોરીયા અને સિંગાપોર જેવા ઘણા દેશોમાં લોકડાઉનમાં રાહત આપ્યા બાદ ફરીથી લોકડાઉન કરવામાં આવ્યુ છે. કોરોનાની કોઇ મેડીસીન નથી પણ ભૂખમારીની દવા ઇન્ડસ્ટ્રી અને ઇકોનોમિક એકટીવિટી છે. લોકોને ફૂડ મળી રહે તે માટે ઇન્ડસ્ટ્રી ચાલુ કરવી પડશે. પણ એના માટે પૂરતી કાળજી રાખવી પડશે. લોકડાઉન 4.0માં કેન્દ્ર અને રાજ્ય સરકારે કેટલીક છુટછાટ આપી છે ત્યારે ઇન્ડસ્ટ્રી અને ઇકોનોમિક એકટીવિટીઝ માટે ખૂબ જ તકેદારી રાખવી પડશે. માસ્ક તો પહેરવુ જ પડશે, પરંતુ માસ્કને હાથ અડાડવાથી અને હાથ ચહેરા પર લગાવવાથી પણ કોરોનાનો ચેપ લાગવાની શકયતા રહે છે. ખાસ કરીને પાનના ગલ્લે સોશિયલ ડિસ્ટન્સીંગ બાબતે ખૂબ જ ગંભીર બેદરકારી જોવા મળી હતી.

-કોરોનાના મળેલા કેસો પૈકી 80 ટકા અન્ય બીમારીવાળા

સુરતમાં કોરોનાના જેટલા કેસો મળ્યા એમાંથી 80 ટકા લોકોને ડાયાબિટીઝ, હાયપર ટેન્શન, હૃદય અને કિડનીની તકલીફ હતી. એવા કેસોમાં ખૂબ જ કાળજી રાખવી પડતી હોય છે. જેટલા લોકો પોઝીટીવ થાય છે તેઓના નજીકના લોકો જેવા કે પરિવાર, મિત્ર વર્તુળ વિગેરે ઇન્ફેકટ થવાની શકયતા વધી જાય છે. એના માટે સુરતમાં વીસ લાખ પરિવારોને હોમિયોપેથી દવા આપી છે. જેનાથી તેઓની રોગપ્રતિકારક શકિત વધી શકે. હાર્ટ રિલેટેડ અને રેટીનોપથીના પ્રશ્ન હોય એ સિવાયના લોકો હાઇરીસ્ક કોન્ટેકટ હોય તો આ લોકો હોમિયોપેથી દવાની લઇ શકે છે. ફૂટબેઇઝ્‌ડ હેન્ડ વોશીંગ મશીનનો ઉપયોગ કર્યો છે. ફુટબેઇઝ્‌ડ હેન્ડ સેનીટાઇઝર મશીન આવી ગયુ છે. ઘણુ બધુ ઇનોવેશન સુરતમાં થયુ છે. સોડીયમ હાઇપોક્‌લોરાઇટ સુરતને મળી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp