ટ્રમ્પ આવશે ત્યારે રીવરફ્રન્ટમાં નર્મદાનું પાણી છોડવામાં આવશે, વાંચો આખો પ્લાન

PC: dainikbhaskar.com

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ના સ્વાગત માટે અમદાવાદ જ નહીં આખું ગુજરાત થનગની રહ્યું છે. અમદાવાદના મોટેરા સ્ટેડીયમમાં 1.25 લાખ જનમેદની વચ્ચે ટ્રમ્પનું સ્વાગત થવાનું છે ત્યારે આ વિસ્તારમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સજાવટને આખરી ઓપ આપી રહ્યાં છે.

મહત્વની બાબત એવી છે કે 24 અને 25મી ફેબ્રુઆરીએ આવી રહેલા પ્રેસિડેન્ટના સ્વાગત માટે માર્ગો પર વિવિધ કલરના મૂલ્યવાન ફુલોની ચાદર બિછાવવામાં આવશે. આ ફુલોની કિંમત 3.70 કરોડ રૂપિયા થશે. આ ફુલોની સજાવટ ચીમનભાઇ પટેલ ઓવરબ્રીજ, સાબરમતી થી મોટેરા સુધી કરવામાં આવશે. આ રકમ બે ભાગમાં ખર્ચાશે. પહેલા ભાગમાં 1.73 કરોડ અને બીજા ભાગમાં 1.97 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. મેટ્રોમાર્ગને પણ રંગબેરંગી ફુલોથી સજાવી દેવામાં આવશે.

અમેરિકાના પ્રેસિડેન્ટનું અમદાવાદમાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરવાનું છે. અમેરિકાના કોઇપણ પ્રમુખની ગુજરાતમાં આ પહેલી મુલાકાત છે. સાબરમતી વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીઓને દિવાલ બનાવીને ઢાંકી દેવામાં આવી છે. સમગ્ર મોટેરા વિસ્તારના માર્ગોનું નવિનીકરણ કરવામાં આવ્યું છે. રોશનીથી સજાવટ પણ કરવામાં આવશે. ટ્રમ્પની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય કેબિનેટના સભ્યો, ગુજરાતના મુખ્યમંત્રી અને તેમની કેબિનેટના સભ્યો સહિત ભાજપના વરીષ્ઠ નેતાઓ આમંત્રિત તરીકે રહેશે.

અમદાવાદના આંતરરાષ્ટ્રીય હવાઇ મથકે રખડતાં કૂતરાં અને વાંદરા ભગાડવા માટેની ટીમો કાર્ય કરી રહી છે. હવાઇમથક થી મોટેરા સુધીના માર્ગો પર સજાવટ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના મોટાભાગના માર્ગોનું નવીનિકરણ ચાલી રહ્યું છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને પણ સજાવવામાં આવ્યું છે. આ સ્થળે હાઉડી ટ્રમ્પ – કેમ છો ટ્રમ્પ નો કાર્યક્રમ યોજાવાનો છે એટલે અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ સક્રિય બની ચૂકી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાની ફર્સ્ટ લેડી અમદાવાદના ગાંધીઆશ્રમની મુલાકાત લેવાના હોવાથી સાબરમતી આશ્રમને પણ સજાવવામાં આવ્યો છે. મોટેરા સ્ટેડીયમ અને સાબરમતી આશ્રમને મચ્છરોથી મુક્ત કરવા માટે ફોગિંગ મશીનો મૂકવામાં આવ્યા છે. સાબરમતી રીવરફ્રન્ટમાં નર્મદાનું પાણી છોડવામાં આવશે, કારણ કે ટ્રમ્પનો એક કાર્યક્રમ રીવરફ્રન્ટ પર રાખવામાં આવ્યો છે.

ગુજરાત માટે ગૌરવ એ બાબતનું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટેરામાં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમનું ઉદ્ધધાટન કરવાના છે. આ સ્ટેડિયમની કેપેસિટી 1.25 લાખ દર્શકોની છે. કેમ છો ટ્રમ્પ કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં પ્રેક્ષકોને એકત્ર કરવામાં આવી રહ્યાં છે.

મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોએ કહ્યું હતું કે ટ્રમ્પની સાથે તેમના પત્ની મેલાનિયા જોડાવાના છે. બન્ને મહાનુભાવો ભારત આવવા ઉત્સાહી છે. ટ્રમ્પ ભારતમાં આવતા પહેલાં સૌ પ્રથમ અમદાવાદમાં ઉતરશે અને ત્યાંથી દિલ્હી જશે. નરેન્દ્ર મોદી અમદાવાદના હવાઇમથકે ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કરશે. સ્વાગત પછી મહાનુભાવો ગાંધીઆશ્રમ જશે અને ત્યાંથી મોટેરા સ્ટેડીયમના કાર્યક્રમમાં પહોંચશે. આશ્રમની યાત્રા દરમ્યાન ગાંધીજીના મનપસંદ ભજન વૈશ્વવ જન તો તેને રે કહીએ...ની ઘૂન વગાડવામાં આવશે. ટ્રમ્પ ચરખામાં ખાદી કાંતશે અને આશ્રમની વિઝિટર બુકમાં તેમની નોંધ પણ લખશે.

 અમદાવાદમાં ટ્રમ્પનો કાર્યક્રમ અમેરિકામાં હાઉડી મોદીના કાર્યક્રમ જેવો રહેશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમની યાત્રા દરમ્યાન નરેન્દ્ર મોદીએ હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ રાખ્યો હતો જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં 50,000 લોકો ઉપસ્થિત રહ્યાં હતા, જ્યારે કેમ છો ટ્રમ્પના સત્કાર માટે અમદાવાદના સ્ટેડિયમમાં તેનાથી બમણાં લોકો ઉપસ્થિત રહેશે. મોટેરા સ્ટેડિયમમાં 1.10 લાખ લોકો એકસાથે બેસી શકે છે જ્યારે 15,000 લોકોને જમીન પર બેસાડવામાં આવશે. આમ કુલ 1.25 લાખ લોકોને ઉપસ્થિત રહેવાના આમંત્રણ આપવામાં આવ્યા છે.

વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, જાપાનના વડાપ્રધાન શિંજો અબે અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ગુજરાતની મુલાકાતે લઇ આવ્યા હતા. આ ત્રણેય નેતાઓના કાર્યક્રમો અમદાવાદમાં રાખવામાં આવ્યા હતા. હવે વિશ્વના ટોચના નેતા અને ગુજરાતના ચોથા નેતા તરીકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યાં છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp