ભાજપે અદાણીને ફાયદો કરાવતા 2,00,00,00,00,000નું નુકસાન, 1 લાખ લોકો નોકરી ગુમાવશે

PC: adani.com

દેશના શિપિંગ કાયદામાં ફેરફાર કરીને ગુજરાત અને કેન્દ્ર સરકારના ખાસ ઉદ્યોગપતિ અદાણી કુટુંબને મોટાપાયે લાભ પહોંચાડવામાં આવ્‍યો હોવાનો આરોપ મૂકીને કોંગ્રેસે જણાવ્યું હતું કે, શિપિંગ કાયદામાં ફેરફાર કરવાથી દેશના એક લાખથી વધુ લોકોનો રોજગાર છીનવાશે અને દેશની તિજોરીને રૂ. 20,000 કરોડ કરતાં વધુનું નુકશાન થશે. દેશના ભાજપે સત્તામાં આવતાની સાથે જ માનીતા ઉદ્યોગ ગૃહોને ચાર વર્ષમાં રૂ. 2,72,558 કરોડનું દેવું માફ કર્યું.

નવી સરકાર નવો દાવ

કેન્‍દ્રની ભાજપ સરકાર સત્તામાં આવતાની સાથે પોતાના મળતીયા ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાનો લાભ જુદી-જુદી રીતે આપવામાં આવી રહ્યો છે. દેશની 21 સરકારી બેંકોની લોન પરત ન મળે એવી વર્ષ 2013-14મા રૂ. 2,63,000 કરોડ હતી. તેમાં 450નો જંગી વધારો કરીને 2017-17મા રૂ. 10,30,000 કરોડ પહોંચી ગયું છે. દેશમાં લોકસભાની ચૂંટણી પહેલાં ઉદ્યોગપતિઓના માધ્‍યમથી કરોડો રૂપિયાની પ્રસિદ્ધિ કરાવનાર ભાજપે સત્તામાં આવતાની સાથે જ માનીતા ઉદ્યોગ ગૃહોને ચાર વર્ષમાં રૂ. 2,72,558 કરોડનું દેવું માફ કર્યું છે. સાથોસાથ નિયમો-કાયદા-કાનૂનમાં ફેરફાર કરીને ખાસ ઉદ્યોગપતિઓને લાભાર્થી બનાવ્‍યા છે. આ જ રીતે દેશના શિપિંગ કાયદામાં ફેરફાર કરીને કેન્દ્ર સરકારના ખાસ ઉદ્યોગપતિ અદાણીને મોટાપાયે લાભ પહોંચાડવામાં આવ્‍યો છે. શિપિંગ કાયદામાં ફેરફાર કરવાથી દેશના એક લાખથી વધુ લોકોની રોજગાર છીનવાશે અને દેશને રૂ. 20,000 કરોડ કરતાં વધુનું નુકસાન થશે. તેનાથી ગંભીર એ છે કે લોકો નોકરી ગુમાવશે. જેનાથી દેશમાં બેકારીમાં વધારો થશે. તેથી શિપિંગ કાયદામાં કરેલો ફેરફાર રદ કરવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા માંગણી કરવામાં આવી છે.

વિદેશ કંપનીને છૂટ આપતા દેશના લોકો રોજગારી ગુમાવશે

કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્‍યું હતું કે કેન્‍દ્રમાં ભાજપ સરકારે 21 મે 2018થી દેશના બંદરો પર આંતરીક શિપિંગ કારોબારમાં વિદેશી કંપનીને કામ કરવાની ચૂપચાપ છૂટછાટ આપી દીધી છે. આ નિર્ણયથી ભાજપ સરકારના નજીકના મનાતા અદાણી ઉદ્યોગગૃહને બે ગણો ફાયદો થશે કારણ કે આ કારોબારમાં કામ કરી રહેલ વિદેશી કંપનીઓ સાથે અદાણી ઉદ્યોગગૃહને ભાગીદારી છે. દેશમાં શિપિંગ કાયદા મુજબ કોઈ પણ દેશનું જહાજ વસ્‍તુ લઈને આવે તો દરેક રાજ્યના બંદર પર સામાન પહોંચાડાવાનું શક્ય હોતું નથી તેના માટે ભારત દેશની શિપિંગ કંપનીના નાના જહાજ આ કામ કરતાં હોય છે. જેના કારણે દેશમાં નાની શિપિંગ કંપનીઓ સાથે સંકળાયેલા લાખો લોકોને

રોજગારી મળે છે અને દેશના અર્થતંત્રને ફાયદો થાય છે.

પણ અદાણી ઉપર વિવિધ બેંકોનું એક લાખ કરોડનું દેવું છે તેવા સમયે અદાણીગૃપને ફાયદો કરાવવા કાર્ગો સરકારી બંદર પર ઉતરવાના બદલે ખાનગી બંદર પર હવે ઉતરશે અને ખાનગી બંદરની માલિકી અદાણી જેવા ખાનગી ગૃહોની છે. અગાઉ વિદેશી કંપનીઓ ભારતના આંતરિક બંદરો પર સામાન લઈ જવાની મનાઈ હતી. એ અધિકાર ભારતીય શિપિંગ કંપનીઓનો હતો. જ્યારે ભારતીય કંપની એક બંદરથી બીજા બંદર સામાન પહોંચાડવા ઉપલબ્‍ધ ન હોય તો જ વિદેશી કંપનીઓને મંજૂરી મળતી હતી અને તેના માટે ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ અને ઈન્‍ડીયન નેશનલ શીપ ઓનર્સ એસોશિએશનની મંજૂરી લેવી ફરજિયાત હતી. વિદેશી કંપનીઓ માટે આ પ્રકારના શિપિંગ કાયદામાં જોગવાઈથી દેશના નાનાપાયે કામ કરતાં લોકોને તક મળી શકે.

રૂ. 20 હજાર કરોડ સરકાર ગુમાવશે

વિશ્વના દરિયા કાંઠાના 90 દેશોમાં સ્‍થાનિક નાગરીકો શિપિંગ વ્‍યવસાયના હિતમાં આ પ્રકારનો નિયમ છે. પુંજીવાદી અમેરિકા અને સામ્યવાદી ચીનમાં પણ આ પ્રકારનો નિયમ છે. પણ ભાજપ સરકારે દેશના નાગરીકોના ભોગે અને પોતાના મતળતિયા ઉદ્યોગગૃહના ફાયદા માટે આ નિયમ બદલી દીધો છે. દેશમાં ૩૦ હજાર નાના જહાજો કામ કરે છે. જેમાં એક લાખથી વધુ લોકોને રોજગાર મળે છે. અત્‍યાર સુધી જુદાં-જુદાં દેશમાંથી આવતા જહાજો જવાહરલાલ નેહરુ પોર્ટ પર આવે છે. આ નિયમ બદલવાથી અદાણીગૃહના ખાનગી પોર્ટ પર આ વેપર થશે જેના લીધે દેશના સરકારી ખજાનાને રૂ.20,000 કરોડથી વધુનું વાર્ષિક નુકશાન થશે.

ગુજરાતને સૌથી વધારે અસર

દેશમાં 7,517 કિ.મી.ના દરિયા કિનારામાં 12 મુખ્‍ય બંદરો અને 200થી વધુ નાના બંદરો, જેટી અને હાર્બર છે. ગુજરાતમાં 1600 કિ.મી.ના દરિયા કિનારામાં એક મુખ્‍ય કંડલા પોર્ટ અને 48 નાના બંદરો, જેટી અને હાર્બર છે. સમગ્ર દેશમાં પ્રથમ વખત કોંગ્રેસના શાસનમાં વર્ષ 1982મા ગુજરાતમાં મેરીટાઈમ બોર્ડની સ્‍થાપના થઈ હતી. 1978માં કેપ્‍ટીવ જેટી પોલીસી અને 1995મા પોર્ટ પોલીસી પણ કોંગ્રેસના શાસનમાં દાખલ કરવામાં આવી. દેશનાં દરિયાઈ માર્ગે વહન થતાં કુલ કાર્ગોમાંથી 32% કાર્ગો ગુજરાતના બંદરો પરથી વહન થાય છે. દેશના નોન મેજર પોર્ટના ટ્રાફિક પૈકીનો 73% ટ્રાફિક ગુજરાતના નોન મેજર પોર્ટમાંથી વહન થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp