ગુજરાત સરકારના બોર્ડ-નિગમોના ભેદભરમ, કેટલા બચ્યાં, કેટલા નફો, કેટલા ખોટ કરે છે?

PC: newindianexpress.com

ગુજરાતના જાહેર સાહસો એટલે કે બોર્ડ કોર્પોરેશનની સંખ્યા ક્યારેક વધી છે તો ક્યારેક ઘટી છે. ભાજપની સરકાર આવ્યા પછી નાના સાહસોની સંખ્યામાં વધારો થયો છે પરંતુ સાથે સાથે ખોટ કરતાં સાહસો બંધ થયાં છે અથવા તો એક સરખી કામગીરી હોય તેમને મર્જ કરી દેવામાં આવ્યા છે.

સરકારમાં જાહેર સાહસોની સંખ્યા 91 સુધી પહોંચી હતી પરંતુ બિન કાર્યક્ષમ એકમોની સંખ્યામાં વધારો થતાં હવે 87 સાહસો બાકી રહ્યાં છે જે પૈકી 10 વિદ્યુત સબંધિત વ્યાપારમાં રોકાયેલા છે અને તેનો વકરો એક લાખ કરોડ કરતાં વધુ છે. 12 સાહસો ઉત્પાદન સાથે,15 સાહસો નાણાકીય ક્ષેત્રે,22 સાહસો સેવા ક્ષેત્રે,18 સાહસો માળખાકીય ક્ષેત્રે અને 6 સાહસો કૃષિ સાથે સંકળાયેલાં છે. મહત્વની બાબત એવી છે કે સરકારના આ જાહેર સાહસોમાં કુલ 249724 કરોડ રૂપિયાનું રોકાણ થયેલું છે.

ઉદ્યોગ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારની માલિકીના કાર્યરત જાહેર સાહસોની સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે. છેલ્લી સ્થિતિએ રાજ્યમાં સરકારી કંપનીઓની સંખ્યા 67 અને વૈધાનિક નિગમની સંખ્યા ચાર થવા જાય છે, જ્યારે 16 સાહસો બિન કાર્યક્ષમ રહ્યાં છે. છેલ્લે ગુજરાત સરકારે બિન કાર્યક્ષમ એવાં આલ્કોક એશડાઉન લિમિટેડ અને ગુજરાત ઔદ્યોગિક કોરીડોર નિગમને બંધ કર્યું છે.

આજે જે કાર્યક્ષમ એકમો છે તેમાં 1.11 લાખ કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. જે 16 સાહસો બિન કાર્યક્ષમ છે તેમાં સરકારનું 511 કરોડ રૂપિયાના મૂડીરોકાણ સાથે લાંબી મુદ્દતની લોન સલવાઇ ગયેલી છે. ચાર બિન કાર્યક્ષમ એકમો ફડચાની પ્રક્રિયામાં છે પરંતુ આશ્ચર્યની બાબત એવી છે કે 12 સાહસોએ તેમની પ્રવૃત્તિ બંધ કરી દીધી હોવા છતાં તેમને બંધ કરવાની કે ફડચામાં લઇ જવાની પ્રક્રિયા હજી સુધી શરૂ કરવામાં આવી નથી.

ગુજરાતના 61 જાહેર સાહસોમાંથી 44 એવાં છે કે જેમણે છેલ્લા વર્ષમાં 2500 કરોડ રૂપિયાનો નફો કર્યો છે જ્યારે 15 સાહસોએ 2600 કરોડ રૂપિયાની ખોટ કરી છે. બે સાહસોએ નફો કે ખોટ નહીં પણ હિસાબ સરભર કર્યો છે. નફો કરનારા એકમો પૈકી ગુજરાત રાજ્ય પેટ્રોનેટ લિમિટેડ (800 કરોડ), ગુજરાત ગેસ લિમિટેડ (420 કરોડ), ગુજરાત રાજ્ય નાણાંકીય સેવાઓ લિમિટેડ (276 કરોડ) અને ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ નિગમ લિમિટેડ (260 કરોડ) નો સમાવેશ થાય છે.

બીજી તરફ ખોટ કરનારા જાહેર સાહસો પૈકી સૌથી વધુ નર્મદા નિગમ લિમિટેડ (1710 કરોડ), ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ(425 કરોડ), જળસંપત્તિ વિકાસ નિગમ (151 કરોડ) અને રાજ્ય નાણાકીય નિગમ (115) કરોડ) જોવા મળ્યાં છે. છેલ્લા પાંચ વર્ષમાં ખોટ કરતાં જાહેર સાહસોની સંખ્યા 10 થી વધીને 15 થઇ છે જ્યારે નફો કરનારા સાહસોની સંખ્યા 41 થી વધીને 44 થઇ છે. ઉદ્યોગ વિભાગે આપેલા આંકડા દર્શાવે છે કે રાજ્યના કાર્યરત એકમોએ છેલ્લા વર્ષમાં 148500 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે એટલે કે વકરો કર્યો છે.

 

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp