સુરતીઓ સૂતા હતાને રાત્રે 2.30 વાગ્યે શહેરનું 6130 કરોડનું બજેટ મંજૂર કરાયું

PC: wordpress.com

મહાપાલિકામાં બજેટ પર મળેલી સામાન્ય સભામાં ત્રણ દિવસ મેરેથોન ચર્ચા બાદ મધ્ય રાત્રિએ અઢી વાગ્યાની આસપાસ સર્વાનુમતે રૂ. 6130 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. વિપક્ષના તમામ સભ્યોએ આપેલા કેટલાક સુધારાઓ પર કામ કરવાની મેયર અને કમિશનરી હૈયાધરપત બાદ આ બજેટ મંજૂર કરાયું હતું.

સુરતના ઈતિહાસમાં આ બીજીવારની ઘટના છે કે જેના પર મધરાત સુધ ચર્ચા ચાલી હોય. આ વખતે મેયર ડો. જગદીશ પટેલ અને કમિશનર બચ્છાનિધિ પાનીએ ચર્ચા માટે આપેલા વધુ સમયને કારણે વિપક્ષ સહિત બધા જ સભ્યો મોકળા મનથી પોતાની વાત મૂકી શક્યા. વિપક્ષના સુધારા તેમજ સૂચનનો અમલ કરવાની ખાતરી મેયર તેમજ કમિશનરે આપતા બજેટ મંજૂર કરાયું હતું.

સ્થાયી સમિતિ અધ્યક્ષ અનિલ ગોપલાણીએ બજેટને જન-જનનું બજેટ ગણાવ્યું હતું. સ્થાયી સમિતીએ અઠવા ઝોનમાં રિવર ફ્રન્ટ પર કાર્નિવલ સ્ટ્રીટ બનાવવા સહિત પ્રવાસન અને હેરિટેજ માટે વિશિષ્ટ સ્થળોની માહિતી આપતી એપ બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. ગવિયર, વાંટા અને ડુમસ લેકને ડેવલપ કરી બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવશે.સાથે જ ડુમસને બીચ સ્પોટ્‌ર્સ તરીકે વિકસાવવાનું આયોજન બનાવવામાં આવ્યું છે. સ્મીમેર હોસ્પિટલમાં નવું આઇસીયું શરૂ કરવામાં આવશે.અનિંદ્રાને કારણે થતા રોગ મટે સ્લીપ લેબ સ્મીમેર હોસ્પિટલમાં બનાવવામાં આવશે. બર્ન્સ વોર્ડને આધુનિક બનાવવામાં આવશે.મસ્કતી હોસ્પિટલના બંધ પડેલા બર્ન્સ વોર્ડને ફરી શરૂ કરવામાં આવશે. એર ક્વાલોટી મોનીટરીંગ સિસ્ટમ દરેક ઝોનમાં મુકવામાં આવશે.

શહેરમાં એસ્કેલેટરવાળા ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે.ફાયર વિભાગને તમામ સાધનોથી સજ્જ કરવામાં આવશે.નવા સાધનો વસાવવામાં આવશે અને ફાયરના જવાનોને તેની તાલીમ આપવામાં આવશે.શહેરમાં બાળ સ્મશાન ગૃહ માટે રાજ્ય સરકાર સાથે સંકલન કરી પ્લોટ ફાળવવામાં આવશે. બજેટની સામાન્ય સભામાં સળંગ ત્રણ દિવસ વ્યાપક ચર્ચા અને રજૂઆત બાદ ગઇ કાલે મધ્ય રાત્રિએ 2.25 મિનિટે સુરત મહાનગર પાલિકાનું તથા શાળા સમીક્ષાનું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.

 . પ્રા. શિક્ષણ સમિતિના બજેટમાં 18.34 કરોડનો ઘટાડો કરાયો, વિપક્ષે ભારે માછલા ધોયા

સુરત મનપાની સ્થાયી સમિતી દ્વારા બજેટમાં સુધારા વધારા કરવામાં આવ્યાં છે. જેમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતીના 601.45 કરોડના બજેટમાં 18.34 કરોડનો ઘટાડો કરીને 583.11 કરોડનું બજેટ નક્કી કરાયું છે. જોકે, આ વખતે શિક્ષણ સમિતિના વહીવટ સામે ભારે માછલા વિપક્ષે ધોયા હતા. વિપક્ષી સભ્યોએ એક સૂરે સમિતિમાં ખૂબ જ ગાજેલા બુટ-મોજા, કેસરી રંગના યુનિફોર્મ, શિક્ષકોની ઘટ સહિતના અનેક મુદ્દે સમિતિના ત્રણ સભ્યો દ્વારા અનેક ફરિયાદો છતા તેને ગણકારવામાં આવતી નથી.

જો ટ્રસ્ટો એડોપ્ટ કરીને સારી રીતે શાળા ચલાવી શકતા હોય તો 337 શાળાઓને કેમ આપણે સારી રીતે નથી ચલાવી શકતા? તેવો સવાલ વિપક્ષ નેતા પ્રફુલ્લ તોગડિયાએ કર્યો હતો. સાત માધ્યમની શાળા આપણે ચલાવીએ છીએ ત્યારે અમે જ ભણાવીએ છીએ તેવી વાતો ન કરો. ગરીબ અને મધ્યમવર્ગીય બાળકોને ભણાવવાની જવાબદારી આપણી જ છીએ અને તેમાં ક્રેડિટ ન લેવાય. મોરબી હોનારત બાદ મોરબી તો જ ઊભુ થઈ શકશે તેમ કહીં માધવસિંહ સોલંકીએ વિપક્ષી સભ્ય બાબુભાઈ પટેલને કમિટીના સભ્ય બનાવીને લોકશાહીનુ ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું હતું તેવી જ રીતે શિક્ષણ સમિતિના ચેરમેન હસમુખ પટેલ પણ વિપક્ષને માન આપીને વર્તે તેવી નસીહત બોર્ડમાં મધરાત્રે તોગડિયાએ તેઓને આપી હતી.

વિજય પાનસેરિયાએ પણ શિક્ષણ સમિતિને ગુજરાત સરકાર તરફથી 70 ટકા ગ્રાંટને વધારીને 80 ટકા કરવાની માંગ કરી હતી અને અગાઉ મળેલ ગ્રાંટ પણ ખોટી જગ્યાએ વપરાતી હોવાની અને કેટલીક ગ્રાંટ પડી રહેતી હોવાનો મુદ્દો ઉપાડ્યો હતો. સાથોસાથ એક મોડલ સ્કૂલ બનાવીને શિક્ષણમાં કોઈ પણ બાંધછોડ ન કરવા રજૂઆત કરી હતી. આ પહેલા પણ બે દિવસની ચર્ચામાં અનેક સભ્યોએ શિક્ષણ સમિતિના વહીવટ પર પસ્તાળ પાડી હતી.

  • વરાછાનું બજેટ 45 કરોડ અને એક રોડ પાછળ 51 કરોડનો ખર્ચ કેમ?   
  • વિપક્ષી સભ્યોએ એક જ અવાજમાં 260 કરોડના પાંચ સીસી રોડના બનાવવાનો વિરોધ કરતા કહ્યું હતું કે, વરાછા ઝોનનું આખા વર્ષનું બજેટ 45 કરોડ છે અને શાસકો એક જ સીસી રોડ (વીઆઈપી રોડથી અબ્રામા જકાતનાકા વચ્ચે) બનાવવા પાછળ 51 કરોડ ખર્ચે તે કેટલું યોગ્ય. હાલ મનપાની આર્થિક સ્થિતિ પાતળી છે ત્યારે આવા અભરખા છોડવા જોઈએ.
  • પપન તોગડિયાએ પ્રોપર્ટી ટેક્સમાં એક જેવા ટેક્સને બદલે અમદાવાદની તર્જ પર આગળ વધવા સુધારો મુક્યો હતો અને કહ્યું હતું કે જેટલી મિલકત તે રીતે વેરાનો સ્લેબ કરવો જોઈએ.
  • એકના એક પ્રોજેક્ટ રીપીટ કરવાની વાત પર પ્રહાર કરતા વિપક્ષે કહ્યું કે મનપાનું નવું ભવન સીએમ આનંદીબેનના સમયમાં ખાતમુર્હુત કરાયું પણ તેઓ રાજ્યપાલ બની ગયા ત્યાં સુધી પાયો નંખાયો નથી. એ જ રીત મોડલ રેલવે સ્ટેશનમાં માત્ર 3 ટકા રકમ મનપાએ આપવાની છે છતા તે દેખાડાય રહ્યો છે. આવા અનેક પ્રોજેક્ટ માત્ર મુકી દેવાય છે. એટલે કે હાથીના દાંત જેવી બાબતો બજેટમાં સમાવવી ન જોઈએ.
  • - ચોવીસ કલાક મીટરથી પાણીના સ્લેબનો વિપક્ષ એક જ અવાજથી વિરોધ કર્યો હતો. જેમાં મેયરે પ્રતિ ફ્લેટ 20 હજાર લીટર પાણી આપવાની હૈયાધરપત આપી હતી.
  • . વિપક્ષી સભ્ય દિનેશ કાછડિયાના સિટી બસમાં ગેરરિતી પકડવાના મુદ્દે તેઓની કમિશનર તેમજ મેયરે જાહેર મંચથી તારીફ કરી હતી. કાછડિયાએ અશ્વનીકુમાર સ્મશાન ભૂમિમાં બાળકોને દફનાવવા માટે આ સ્માર્ટ સિટીમાં માત્ર 300-400 વારની જગ્યા અને તે પણ મોબાઈલ લાઈટમાં રાત્રિ દફન કરવાનો ગંભીર મુદ્દો ઉપાડ્યો હતો. ઉપરાંત રોજ વપરાતા 5 લાખ રૂપિયાના ડિઝલમાં ગોબાચારી થતી હોવાના પુરાવા સાથે રજૂઆત કરી હતી.
  • વિજય પાનસેરિયાએ કેપિટલ ખર્ચ પર બધા સભ્યોની જેમ વાત કરવાને બદલે રેવન્યુ અને-ખર્ચ પર વાત કરી અને કહ્યું કે મનપા આશરે 3200 કરોડ જેટલો ખર્ચ રેવન્યુ ખર્ચ કરે છે. તમામ કર્મચારી-અધિકારીઓને ટ્રેનિંગ આપી IQ સાથે EQ પણ balance કરવો, administrative ethics,morality develop કરવી યોગ્ય ગણાશે. ખર્ચ ઘટાડવા માટે પીએમસી અને થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન પર આધાર રાખવાને બદલે કર્મચારીઓના ટેલેન્ટનો ઉપયોગ કરાય. ઉપરાંત તેમણે બીઆરટીએસ સ્વીંગગેટ, રોડ વિભાગમાં થતો ભ્રષ્ટાચાર, પર્યાવરણ વગેરે મુદ્દા ઉઠાવ્યા હતા
  • સુરત માટે શું કરી શકાય તે માટે અમે રેકોર્ડબ્રેક ચર્ચા કરી: મેયર

મેયર ડો. જગદીશ પટેલે કહ્યું કે, સદને કરવેરામાં કોઈ વધારા વગરના સુરતના સુદ્રઢ વિકાસને વેગ આપતા અને જનતાની સુખાકારીના બજેટને પક્ષપ્રતિપક્ષે સર્વાનુમતે મંજૂર કર્યું. ખૂબ હળવા અને સકારાત્મક વાતાવરણમાં સભ્યોએ સુરત માટે શું થઈ શકે અને શું કરવું જોઈએ તેની ચર્ચા અને મંતવ્યો રજૂ કર્યાં. રેકોર્ડરૂપ કહીં શકાય એવી સાડા ત્રણ દિવસ ચર્ચા ચાલી એ આવકારનીય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp