રિલાયન્સ આ બિઝનેસનો પાંચમો હિસ્સો 1500 કરોડ ડોલરમાં વેચવા પ્રયાસ કરી રહી છે

PC: indiatvnews.com

દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ શુક્રવારે સ્વચ્છ અને પોસાય તેવી ઊર્જાના ઉપયોગ પર ભાર મૂકતાં કહ્યું હતું કે, કાર્બન ઉત્સર્જનને નિયંત્રણમાં લેવા માટે કાર્બનનું સંતુલન પુનઃસ્થાપિત કરી શકે તેવી કાર્બન રિસાયકલ કરનારી ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જરૂરી બન્યો છે. વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઇલ એક્સપોર્ટર દેશ સાઉદ અરેબિયાના ઊર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલઅઝીઝ બિન સલમાન અલ-સઉદ મુકેશ અંબાણીને સાંભળી રહ્યા હતા તે સમયે તેમણે કહ્યું હતું કે કાર્યક્ષમ, સ્વચ્છ અને પોસાય તેવી ઊર્જા આપવી એ અત્યારના સમયની તાતી જરૂરિયાત છે.

FII ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની કોન્ફરન્સને સંબોધતાં પોતાની વીડિયો લિંકમાં તેમણે એમ પણ કહ્યું હતું કે, હું જે રીતે જો રહ્યો છું એ મુજબ ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન માનવજાતે જે વિકાસ સાધ્યો છે તેમાં આપણે કાર્બન ઉત્સર્જનની સાયકલને છિન્નભિન્ન કરી છે અને હવે એવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે... જેનાથી સંતુલન જળવાય અને કાર્બન સાયકલ પુનઃ વ્યવસ્થિત થાય. આ તબક્કે તેમણે એવી ટેક્નોલોજીની હિમાયત પણ કરી હતી કે જે કાર્બન ડાયોક્સાઇડને રિસાયકલ કરી શકે.

ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર દ્વારા કરવામાં આવેલું આ નિવેદન એટલા માટે પણ અત્યંત મહત્વનું બની જાય છે કારણ કે તેમની કંપની ગુજરાતના જામનગરમાં વિશ્વનું સૌથી મોટું ક્રૂડ ઓઇલ રિફાઇનિંગ કોમ્પ્લેક્સ ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, હું માનું છું કે, અત્યારે આપણે જ્યાં છીએ ત્યાં જો આપણે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીશું તો આપણે ઘણા મોરચે સુરક્ષિત રહીશું અને એનાથી ઊર્જાનું ચક્ર છે તે પૂર્ણ થશે, આપણે કાર્બન ડાયોક્સાઇડને ખભે પડેલી જવાબદારી બનાવીએ તેના કરતાં બાયોકેમિકલ ફોટોસિન્થેસિસ (જૈવરસાયણ પ્રકાશસંશ્લેષણ) જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઈએ - આપણે કાર્બનને રો મટિરિયલ બનાવી શકીએ છીએ.

આપણે માત્ર કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ શૂન્ય સુધી જ નથી પહોંચાડવાનું, પરંતુ હું માનું છું કે આપણે કાર્બનને રિસાયકલ કરવાની પદ્ધતિ અપનાવવી જોઈએ. મુકેશ અંબાણીએ કહ્યું કે, જે લોકો એનર્જી બિઝનેસ સાથે સંકળાયેલા છે તેમના માટે કાર્બન સર્જન-ઉત્સર્જનને બંધ કરવું જ બધું નથી, પરંતુ કાર્બનનું ઉત્સર્જન શૂન્ય સુધી લાવીને તેની સાયકલ પૂર્ણ કરવાનું તેમનું મૂળ કામ છે. તેમણે કહ્યું હતું કે, પૃથ્વી પર રહેતા 800 કરોડ લોકો માટે ઊર્જા પાયાની જરૂરિયાત છે. એટલા માટે જ કાર્યક્ષમ, સ્વચ્છ અને પોસાય તેવી ઊર્જાનો ઉપયોગ જરૂરી છે. અને આ કામ આપણે ખૂબ જ જવાબદારીપૂર્વક કરવાનું છે. આ જ વેપાર છે. આપણે સ્વચ્છ અને અસ્વચ્છ વચ્ચે જરાય મૂંઝવણ અનુભવવાની નથી.

ઓઇલથી ટેલિકોમ સુધી પોતાનો વેપાર વિસ્તારનારી કંપનીના વડાએ એમ પણ કહ્યું હતું કે, કોઈ એક ઉકેલ બધા માટે યથાયોગ્ય નહીં હોય. તેમણે કહ્યું હતું કે, ઊર્જાની સમાન વહેંચણી પણ એક અગત્યનો મુદ્દો છે. એનો મતલબ એ થયો કે, દરેકને પોતાની જિંદગીની યોગ્ય ગુણવત્તા મળી રહે તે માટે સ્વચ્છ અને ઊર્જા પોસાય તેવા ભાવથી દરેકને મળવી જોઈએ.

મુકેશ અંબાણીની કંપની તેના જામનગર ખાતે આવેલા રિફાઇનરી કોમ્પ્લેક્સમાં પ્રોસેસિંગ માટે સાઉદી અરેબિયા પાસેથી નોંધપાત્ર જથ્થામાં ક્રૂડ ઓઇલ ખરીદે છે. રિલાયન્સ તેના ઓઇલ ટુ કેમિકલ બિઝનેસનો પાંચમો હિસ્સો 15 અબજ અમેરિકી ડોલરમાં સાઉદી અરામકોને વેચવા માટે વાટાઘાટો કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, પોસાય તેવી કિંમતે ઊર્જાનો પુરવઠો પૂરો પાડવો એ આપણી પૃથ્વીની સમૃદ્ધિ માટે જરૂરી છે. અને એ પછી જ કંપનીઓ અને તેના શેરધારકો બંને માટે સમૃદ્ધિનો માર્ગ ખુલવો શક્ય બને છે. અને હું માનું છું કે આજે આપણે જ્યાં છીએ ત્યાંથી આવનારા દાયકાઓમાં આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી, પરંતુ કાર્બન સાયકલને પૂર્ણ કરવી એ જ આપણા પડકારો બની રહ્યા છે.

અશ્મિજન્ય (ફોસિલ) કે પુનઃપ્રાપ્ય (રિન્યૂએબલ) અથવા પવનઊર્જા કે અન્ય કોઈ વિકલ્પો વિશે વિચારતાં રહેવાના બદલે આપણા ગ્રાહકોની ઊર્જાની જરૂરિયાતને પૂર્ણ કરવા પર ભાર મૂકવો જરૂરી છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે સાઉદી સોવેરિન વેલ્થ ફંડ PIFએ અંબાણીની ડિજિટલ કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડમાં 2.3 ટકાનો હિસ્સો ખરીદ્યો છે.

મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, અમારા માટે, ખાસ કરીને ભારતમાં, અમે ઝડપથી વિકાસ સાધી રહ્યા છીએ અને ઊર્જા પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે ગ્રાહકોને સાથે રાખીને કામ કરવાનું છે. કાર્બનનું ઉત્સર્જન ઓછું રાખવાની માનસિકતાના ફાયદા દરેકને સમજાવવામાં એક વાયરસને કારણે ઊભી થયેલી પરિસ્થિતિએ ઘણી મદદ કરી છે. કાર્બન સાયકલના પુનઃ સ્થાપન માટે સમુદાય સાથે ગાઢ સંપર્ક રાખવો, પાયાના સ્તરે સમુદાયની સમજ તથા વિવિધ ક્ષેત્રો વિશેની સમજ કેળવવી અને ઊર્જાની ચળવળમાં તેમને સક્રિય રીતે સામેલ કરવા અત્યંત જરૂરી છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp