મુંબઇના વાહનચાલકોને પેટ્રોલ દઝાડે છે, 80 રૂપિયે લિટર

PC: hindustantimes.com

ભારતની આર્થિક રાજધાની મુંબઇના વાહનચાલકોને પેટ્રોલના ભાવ દઝાડી રહ્યાં છે. આ મેટ્રોસિટીમાં એક લિટર પેટ્રોલનો ભાવ 80 રૂપિયાની આસપાસ આવ્યો છે જ્યારે ડિઝલના મહત્તમ ભાવ 67 રૂપિયા થયા છે. દેશમાં આજે પેટ્રોલના ભાવે ડિઝલ વેચાઇ રહ્યું છે. બન્ને ઇંધણ વચ્ચે માત્ર ત્રણ રૂપિયાનો ફરક છે.

કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓ પેટ્રોલના ભાવવધારા બાબતે મનમોહનસિંહ પર આકરા ચાબખા મારતા હતા. એ વખતે કોંગ્રેસ કહેતી હતી કે આ ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચાતેલની કિંમતો પર આધારિત હોય છે પરંતુ ભાજપના નેતાઓ માનવા તૈયાર ન હતા. આજે યુપીએ શાસન કરતાં પણ વધુ દામ ચૂકવવા પડે છે. યુપીએ શાસનમાં પેટ્રોલનો ભાવ 80 રૂપિયા કદી થયો નથી.

ગુજરાતમાં સોમવારે પેટ્રોલનો ભાવ 67.96 રૂપિયે લિટર છે, જ્યારે 62.23 રૂપિયે લિટર ડિઝલ મળે છે. આ ભાવ હાલની સ્થિતિએ ઉતરે તેમ લાગતું નથી. પેટ્રોલ અને ડિઝલના ભાવ વધે તો કેન્દ્ર સરકારે વેટના દર ઓછા કરવાની રાજ્યોને સૂચના આપી હોવા છતાં ગુજરાત સરકાર તેનો અમલ કરતું નથી.

સોમવારે આંધ્રપ્રદેશ અને તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ડિઝલનો ભાવ 67.08 રૂપિયા રહ્યો છે. કેરલના ત્રિવેન્દ્રમમાં ડિઝલ 67.05 રૂપિયે મળે છે. મુંબઇમાં પેટ્રોલનો ભાવ 79.06 રૂપિયા છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ 71.06 રૂપિયા અને ડિઝલનો ભાવ 61.74 રૂપિયા ચૂકવવામાં આવે છે.

કાચા તેલની કિંમતો વધતી જ જાય છે. પેટ્રોલની કિંમત ઓક્ટોબરમાં જે સ્થિતિએ હતી તે આવીને પહોંચી છે. કેન્દ્રએ ઓક્ટોબરમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો પરંતુ હાલ એવા કોઇ અણસાર જોવા મળતા નથી.

જીએસટી કાઉન્સિલની 18મીએ મળી રહેલી બેઠકમાં એવું માનવામાં આવે છે કે આ કાઉન્સિલ કેટલાક મહત્વના નિર્ણયો લઇ શકે છે. આ નિર્ણયોમાં પેટ્રોલ અને ડિઝલની વધતી કિંમતોને ધ્યાને રાખી કાઉન્સિલ પેટ્રોલિયમ પેદાશોને જીએસટીમાં લઇ શકે છે.

જો તેમ થાય તો પેટ્રોલ અને ડિઝલ વધારે સસ્તાં થઇ શકે છે. જીએસટીમાં 28 ટકા મહત્તમ ટેક્સ લગાવે તો પણ ભારતમાં પેટ્રોલ અને ડિઝલનો ભાવ હાલની સપાટી પ્રમાણે 50 રૂપિયાથી ઓછો આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp