મુકેશ અંબાણીએ ખરીદી આ શાનદાર હોટેલ, જ્યાં એક નાઇટનું ભાડું છે 10 લાખથી વધુ

PC: twitter.com

થોડા મહિના પહેલા એવા વાવડ સામે આવ્યા હતા કે, મુકેશ અંબાણી ફેશન અને લાઈફસ્ટાઈલ સેગમેન્ટમાં કોઈ મોટું રોકાણ કરવાના છે. આ માટે તેમણે જાણીતા ડીઝાઈનર્સ સાથે મુલાકાત પણ કરી છે. પણ હવે હોટેલ સેગમેન્ટમાં રીલાયન્સે એક મોટો સોદો કર્યો હોવાના રીપોર્ટ મળી રહ્યા છે. મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વધુ એક મોટી બિઝનેસ ડીલ કરી છે. RIL એ શનિવારે રૂ.729 કરોડ ($981 મિલિયન)માં ન્યૂયોર્કની આઇકોનિક લક્ઝરી હોટેલ મેન્ડરીન ઓરિએન્ટલને હસ્તગત કરવાની જાહેરાત કરી હતી.

કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી હતી. વર્ષ 2003 માં તૈયાર થયેલી મેન્ડરીન ઓરિએન્ટલ એક પ્રતિષ્ઠિત હોટેલ છે. જે અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં 80 કોલંબસ સર્કલ ખાતે આવેલી છે. જે સેન્ટ્રલ પાર્ક અને કોલંબસ સર્કલની બરાબર બાજુમાં છે. શેર માર્કેટને આપેલી માહિતીમાં, કંપનીએ જણાવ્યું હતું કે, “રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ RIL ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ હોલ્ડિંગ્સ લિમિટેડ RIIHL એ લગભગ $9.81 કરોડ ડૉલરમાં કોલંબસ સેન્ટર કોર્પોરેશન (કેમેન) ની સંપૂર્ણ જારી શેર મૂડી હસ્તગત કરી છે. આ માટે એક સમજુતી કરાર કરવામાં આવ્યા છે.

તે કેમેન આઈલેન્ડમાં સામિલ કંપની છે અને મેન્ડરીન ઓરિએન્ટલ ન્યૂયોર્કમાં 73.37 ટકા હિસ્સાની પરોક્ષ માલિક ધરાવે છે. આ હોટેલમાં સૌથી સૌથી રૂમના એક નાઇટનું ભાડું 745 અમેરિકન ડોલર છે, જ્યારે આ હોટેલના ORIENTAL SUITEનું એક નાઇટનું ભાડું 14000 ડોલર છે, જે ભારતીય ચલણમાં 10 લાખ રૂપિયાથી પણ વધુ થાય છે.

મેન્ડરીન ઓરિએન્ટલ એ ન્યૂયોર્ક સિટીની પ્રતિષ્ઠિત લક્ઝરી હોટેલ્સમાંની એક છે. આ અધિગ્રહણ RILની તેના ગ્રાહક અને હોસ્પિટાલિટી બિઝનેસને વિસ્તારવા માટેની વ્યૂહરચનાનો એક ભાગ છે. ગ્રૂપનું EIH (ઓબેરોય હોટેલ્સ) માં પણ મોટું રોકાણ છે. કંપનીએ બકિંગહામશાયરમાં 300-એકર સ્ટોક પાર્ક કન્ટ્રી ક્લબ હસ્તગત કરી છે. RIL મુંબઈમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં કન્વેન્શન સેન્ટર, હોટલ અને રેસિડન્સી પણ તૈયાર કરી રહી છે.

મેન્ડરીન ઓરિએન્ટલ ન્યૂયોર્ક 80 કોલંબસ સર્કલ પર આવેલી વૈભવી હોટેલ છે. જે સેન્ટ્રલ પાર્ક અને કોલંબસ સર્કલની બાજુમાં છે. તેની આવક વર્ષ 2018માં $115 મિલિયન (રૂ. 854 કરોડ), વર્ષ 2019માં $113 મિલિયન (રૂ. 840 કરોડ) અને 2020માં $15 મિલિયન (રૂ. 111 કરોડ) હતી. રિલાયન્સે કહ્યું કે માર્ચ 2022ના અંત સુધીમાં ટ્રાન્ઝેક્શન ફાઇનલ થવાની અપેક્ષા છે. હોટેલના અન્ય માલિકો પણ આ ડીલમાં તેમનો હિસ્સો વેચશે. બાકીના 26.63% પણ RIIHL દ્વારા હસ્તગત કરવામાં આવશે. બાકીનો સોદો પણ એ જ વેલ્યુએશન પર થશે, જેમાં 73.37% હિસ્સો હસ્તગત કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp