બાવો મંદિરમાં છાપતો હતો 2 હજારની નકલી નોટો, 1 કરોડ 26 હજારની પકડાઇ

PC: Khabarchhe.com

રૂ. બે હજારની ડુપ્લિકેટ ચલણી નોટના એક મોટા ષડ્યંત્રનો પર્દાફાશ કરવામાં સુરત ક્રાઇમ બ્રાંચને સફળતા સાંપડી હતી. પોલીસે સ્વામીનારાયણ મંદિરના એક સ્વામી (બાવા) સહિત પાંચને પકડી પાડ્યા હતા. જેની પાસેથી પોલીસે રૂ. બે હજારની બનાવટી ચલણી નોટ 5,013 કબજે કરી હતી. જેની બજાર કિંમત રૂ. એક કરોડ છવીસ હજાર જેટલી થવા જાય છે. જોકે, પોલીસે કબજે કર્યા પછી તેની બજાર કિંમત શૂન્ય થઈ જાય છે.

ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ કુલદીપ ગઢવી અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે શનિવારે રાત્રે કામરેજથી કઠોદરા જતા રસ્તા પરથી પ્રતીક દિલીપ ચોડવડિયા (ઉ.વ. 19, રહેઃ સહજાનંદ સોસાયટી, કોસમાડા ગામ, તા. કામરેજ)ને પકડી પાડ્યો હતો. જેની પાસેથી રૂ. 4.06 લાખની બનાવટી ચલણી નોટ પોલીસને હાથ લાગી હતી. આ યુવાનની આગવી ઢબે આકરી પૂછપરછ કરતા તેમાં ખેડા જિલ્લાના અંબાવ ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિરના રાધારમણ નામના બાવાની સંડોવણી હોવાની વાત જાણવા મળી હતી. જેના કારણે થોડી ક્ષણો માટે તો પોલીસ પણ ચોંકી ગઈ હતી. આખરે આ મંદિર પર તપાસ કરી તો ત્યાં મંદિર પરિસરના એક ઓડામાં નકલી નોટ છાપવાની સાધન સમાગ્રી પોલીસને હાથ લાગી હતી. એ સાથે જ રાધારમણના ઓરડામાંથી રૂ. 50 લાખની કિંમતની નકલી નોટ હાથ લાગી હતી.

ક્રાઇમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનર આર.આર. સરવૈયાના જણાવ્યા અનુસાર અલગ અલગ ટીમોએ આ કૌભાંડમાં સંડોવાયેલા પ્રવીણ જેરામ ચોપડા, કાળુ પ્રવીણ ચોપડા (બન્ને રહેઃ આનંદવાટિકા સોસાયટી, કામરેજ), મોહન માધવ વાધુરડે (રહેઃ ક્રિષ્નાપાર્ક સોસાયટી, માંડવારોડ, અંદાડા, અંકલેશ્વર અને રાધારમણ સ્વામી (રહેઃ સ્વામીનારાયણ મંદિર, અંબાવ, જિ. ખેડા)ને પકડી પાડ્યા હતા. જે તમામ પાસેથી રૂ. 1,00,26,000ની કિંમતની 5,013 નકલી નોટ પોલીસને હાથ લાગી હતી. આ તમામ છેલ્લા કેટલા વખતથી રૂ. બે હજારના દરની નકલી નોટ છાપતા હતા, અત્યાર સુધીમાં કેટલી નોટ માર્કેટમાં ઘૂસાડી દીધી, મુખ્ય સૂત્રધાર કોણ છે, કેવી રીતે માર્કેટમાં નકલી નોટ ઘૂસાડતા હતા વગેરે મુદ્દે હાલ તપાસ ચાલી રહી છે. આટલી મોટી માત્રામાં મંદિર પરિસરમાંથી રૂ. બે હજારના દરની બનાવટી ચલણી નોટ હાથ લાગી હોય તેવો સંભવતઃ આ પ્રથમ કિસ્સો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp