ગુજરાત સરકારને મળી રહેલી SGSTની આવકમાં ઘટાડો, આ છે કારણ

PC: khabarchhe.com

 ગુજરાત સરકારને મળી રહેલી SGSTની આવકમાં ઘટાડો થયો છે. વર્ષ 2018ના નાણાકીય વર્ષ દરમિયાન SGSTની રાજ્યને 14,900 કરોડની આવક થઇ હતી જે ઘટીને આ વર્ષે એટલેકે 2019ના નાણાકીય વર્ષની આવક 14,642 કરોડ રહી છે. જે રાજ્યમાં વ્યાવસાયિક મંદીનાં એંધાણ આપી રહી છે. આર્થિક વિશ્લેષકનું આ આવક ઘટવા મુદ્દે કહેવું છે કે જો રાજ્ય સરકારની SGSTની આવકમાં ઘટાડો થાય તો તેને કેન્દ્ર સરકાર ઉપર નિર્ભર રહેવું પડે છે. જે સ્પષ્ટ સંકેત આપે છે કે હવે ગુજરાતે  પણ આ મુદ્દે કેન્દ્ર સરકારની સહાય ઉપર આધારિત રહેવું પડશે. ફક્ત SGSTની વાત સુધી ઘટાડો સીમિત નથી રહ્યો પરંતુ તે વેટ એટલેકે વેલ્યુએડેડ ટેક્સની આવકમાં પણ ભવા ખેંચાય તેવો ઘટાડો થયો છે. જે 2018-19ના નાણાકીય વર્ષમાં વેટની ગુજરાતને 9200 કરોડ રૂપિયાની થઇ હતી જે 2019-20ના નાણાકીય વર્ષમાં ઘટીને 8,827 કરોડની થઇ ગઇ છે.

કરવેરા વિભાગના સૂત્રો દ્વારા મળેલી જાણકારી મૂજબ, ગત વર્ષે SGST અને વેટની આવક જાળવવામાં રાજ્ય સફળ રહ્યું હતું. પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં આ રીતનું થઇ શક્યુ નથી. તેનું કારણ એ આપવામાં આવી રહ્યું છેકે આ વર્ષે વેપારીઓને રિફન્ડ વધુ પ્રમાણમાં આપવામાં આવ્યાં હતાં.કેટલાંક સમયથી પેન્ડિંગ રહેલા રિફન્ડ ચૂકવવાના કારણે પણ આવક જેટલી થવી જોઇએ તેટલી થઇ શકી નથી. સૂત્રો આગળ સ્પષ્ટતા કરતાં જણાવે છે કે ઉત્પાદન કરતાં રાજ્યોમાં SGSTની આવક સતત વધતી રહે છે. ગુજરાત પણ તેમાંનુ એક રાજ્ય છે પરંતુ આવક ઘટી રહી છે. જોકે ફરી આવક વધે તેવી પણ કરવેરા વિભાગ આશા રાખી રહ્યું છે. પરંતુ વિભાગની આશા હાલ પુરતીતો પૂર્ણ થાય તેમ લાગતું નથી,

આ સમગ્ર મામલે આર્થિક વિશ્લેષક હેમંતકુમાર શાહ જણાવે છેકે સ્ટેટ GSTની સતત ઘટી રહેલી આવક રાજ્યમાં મંદીનો માર સૂચવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા રજૂ થયેલા અંદાજપત્રમાં સરકારે દર મહિને SGSTની આવકમાં પાંચસો કરોડનો વધારો દર્શાવ્યો હતો. તો બજેટ રજૂ થયેપાંચ મહિના થયાં છે તો અઢી હજાર કરોડની આવક થાય તેવી ગણતરી મૂકી શકાય.તો આના કરતાં વિરૂધ્ધ થઇ રહ્યું છે કે આવકમાં 256 કરોડનો ઘટાડો થયો છે. તે જ સૂચવે છેકે રાજ્યમાં જે રીતના ધંધા રોજગાર છે અને ઉદ્યોગો છે તે ઠંડા પડી રહ્યાં છે. મોંઘવારીના મારે લોકોની ખરીદ શક્તિ ઘટાડી દેતાં ઉત્પાદનમાં પણ જોરદાર ઘટાડો થયો છે.

 જોકે કરવેરા વિભાગના સૂત્રો જણાવી રહ્યાં છે કે GSTની આવક રાજ્યમાં ચૌદ ટકાના દર પ્રમાણે આવી રહી છે. પરંતુ તેમાં ઘટાડો આવે તો કેન્દ્ર સરકાર સરભર કરી આપે છે. GSTના અમલની જોગવાઇ મુજબ પાંચ વર્ષ સુધી GSTની ખાદ કેન્દ્ર સરકાર આપશે. આ ત્રીજુ વર્ષે છે ત્યારે હવે બે જ વર્ષ બાકી રહે છે  કે જેની ખોટ સરકાર ભરપાઇ કરી આપશે. સૌથી મોટો સવાલએ છેકે બે વર્ષ બાદ શું?

પરંતુ હવે રાજ્ય સરકારે શીખ લઇને ગુજરાતમાં ઉત્પાદન વધે અને વેપારીઓ , ઉદ્યોગકારો  તેમજ વપરાશકારો વચ્ચે સેતુ રચીને ઉત્પાદન વધારવા પર ભાર મૂક્યો સિવાય અન્ય કોઇ વિકલ્પ નજરે ચઢતો નથી. નહીં તો ગુજરાત જેવા રાજ્યને પણ દેવાળિયુ રાજ્ય થતાં વાર નહીં લાગે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp