PMએ રૂ.75નો સિક્કો બહાર પાડ્યો, જાણો કોના સન્માનમાં આજે સિક્કો જારી થયો

PC: PIB

PMએ આ કોઇન લોન્ચ કરતા જણાવ્યું હતું કે, કેન્દ્રિય મંત્રી મંડળના મારા સહયોગી નરેન્દ્ર સિંહ તોમર, સ્મૃતિ ઈરાની, પુરૂષોત્તમ રૂપાલા, કૈલાશ ચૌધરી, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિ સમુદાય, અન્ય મહાનુભવો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો, વર્લ્ડ ફૂડ ડે પ્રસંગે આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવુ છું. સમગ્ર દુનિયામાં જે લોકો કુપોષણને દૂર કરવા માટે સતત કામ કરી રહ્યા છે તે તમામને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવુ છું.

ભારતના આપણાં ખેડૂત સાથીદારો, આપણાં અન્ન દાતા, આપણાં કૃષિ વૈજ્ઞાનિક, આપણાં આંગણવાડી અને આશા કાર્યકરો, કુપોષણ વિરૂધ્ધના આંદોલનના આપણાં ખૂબ-ખૂબ મજબૂત કિલ્લા સમાન છે, મજબૂત આધાર છે. તેમના ખુદના પરિશ્રમને કારણે ભારતના અન્ન ભંડાર ભરેલા પડ્યા છે. તે આપણને દૂર દૂરના ગરીબ સુધી પહોંચવામાં સરકારને મદદ કરી રહ્યા છે. આ તમામના પ્રયાસો વડે જ ભારત કોરોનાના સંકટકાળમાં પણ કુપોષણ વિરૂધ્ધ મજબૂત લડાઈ લડી રહ્યુ છે.

સાથીઓ, આજે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના માટે ખૂબ મહત્વનો દિવસ છે. આજે આ મહત્વના સંગઠનને 75 વર્ષ પૂરાં થયાં છે. આ વિતેલાં વર્ષોમાં ભારત સહિત પૂરી દુનિયામાં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને ભૂખમરો દૂર કરવામાં, ઉત્પાદન વધારવામાં તથા પોષણમાં વધારો કરવા માટે મોટી ભૂમિકા નિભાવી છે. આજે રૂ.75નો જે સિક્કો જારી કરવામાં આવ્યો છે, તે ભારતની 130 કરોડની જનતા જનાર્દન તરફથી તમારી સેવા ભાવનાનું સન્માન છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને આ વર્ષે નોબલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે તે પણ એક મોટી સિધ્ધિ છે, અને ભારતને એ બાબતે આનંદ છે કે તેમાં ભારતની ભાગીદારી અને ભારતનો સંબંધ ખૂબ જ ઐતિહાસિક રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે ડો. વિનય રંજન સેન જ્યારે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના ભારતના ડાયરેકટર જનરલ હતા ત્યારે તેમના નેતૃત્વ હેઠળ જ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. ડો. સેને ભૂખમરા અને દુષ્કાળનુ દર્દ ખૂબ નજીકથી અનુભવ્યુ હતું. નીતિ ઘડવૈયા બન્યા પછી, તેમણે જે વ્યાપકતા સાથે કામ કર્યુ હતું તે આજે સમગ્ર દુનિયા માટે મદદરૂપ બની રહ્યુ છે. જે બીજ વાવવામાં આવ્યુ હતું તેની યાત્રા આજે નોબેલ પારિતોષક સુધી પહોંચી છે.

સાથીઓ, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને વિતેલા દાયકાઓમાં કુપોષણ વિરૂધ્ધ ભારતની લડાઈને ખૂબ નજીકથી જોઈ છે. દેશમાં અલગ અલગ સ્તર ઉપર કેટલાક વિભાગો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે. પરંતુ તેનો વ્યાપ સિમિત હતો અથવા તે પ્રયાસો ટૂકડાઓમાં વહેચાયેલા હતા. આપણે જાણીએ છીએ કે નાની ઉંમરે ગર્ભધારણ કરવો, શિક્ષણની ઊણપ હોવી, જાણકારીનો અભાવ હોવો, પીવા માટેના શુધ્ધ પાણીની પૂરતી સુવિધા ના હોવી અને સ્વચ્છતાનો અભાવ જેવા અનેક કારણોથી આપણને કુપોષણ સામેની લડતમાં જે અપેક્ષિત પરિણામો મળવા જોઈએ તે મળી રહ્યા ન હતા. હું જ્યારે ગુજરાતનો મુખ્ય મંત્રી હતો ત્યારે આ હકિકતોને ધ્યાનમાં રાખીને ત્યાં અનેક નવી યોજનાઓ ઉપર કામ શરૂ કરવામાં આવ્યું હતું. આખરે તકલીફ ક્યાં છે ? પરિણામો કેમ મળતા નથી? અને પરિણામો કેવી રીતે મળે તેનો એક મોટો અનુભવ મને ગુજરાતમાં થયો. આ અનુભવના આધારે વર્ષ 2014મા જ્યારે મને દેશની સેવા કરવાની તક મળી ત્યારે હું નવેસરથી કેટલાક પ્રયાસ કરવામાં લાગી ગયો છું.

આપણે સુસંકલિત અભિગમ લઈને આગળ વધીએ, સમગ્રલક્ષી અભિગમ સાથે આગળ વધીએ તો તમામ અવરોધોનો દૂર કરીને આપણે એક બહુમુખી રણનીતિ પર કામ શરૂ કર્યું છે. એક તરફ નેશનલ ન્યુટ્રીશ્યન મિશન શરૂ કરવામા આવ્યું છે તો એવા દરેક પરિબળ પર કામ કરવામાં આવી રહ્યું છે કે જે કુપોષણ વધવાનું કારણ હતું. ખૂબ મોટા પાયે પરિવાર અને સમાજના વ્યવહારમાં પરિવર્તન લાવવા માટે કામ કરવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ ભારતમાં 11 કરોડ કરતાં વધુ શૌચાલયો બનાવવામાં આવ્યા છે. દૂર દૂર આવેલા વિસ્તારોમાં શૌચાલય બનવાને કારણે ત્યાં સ્વચ્છતા આવી છે. જ્યાં ઝાડા જેવી અનેક બિમારીઓ કોઈને કોઈ સમયે જોવા મળતી હતી તેવા સ્થળોએ મિશન ઈન્દ્રધનુષ હેઠળ ગર્ભવતી માતાઓ અને બાળકોને રસીકરણના વ્યાપમાં ઝડપભેર આવરી લેવામાં આવ્યા છે. એમાં ભારતમાં જ તૈયાર થયેલો રોટોવાયરસ જેવી નવી રસીને પણ જોડી દેવામાં આવી છે. ગર્ભવતી માતાઓ અને બાળકોના રસીકરણનો વ્યાપ પણ ઝડપભેર વધારવામાં આવ્યો છે. અને નવજાત શિશુના પ્રથમ 1000 દિવસને ધ્યાનમાં રાખીને મા અને બાળક બંનેને પોષણ અને કાળજી મળી રહે તે માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જલ જીવન મિશન હેઠળ ગામડાંના દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી ઝડપભેર હાથ ધરવામાં આવી છે.

આજે દેશની ગરીબ બહેનો અને દિકરીઓને રૂ.1માં સેનિટેશન પેડ્ઝ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. આ બધા પ્રયાસોની એક અસર એવી પણ ઉભી થઈ છે કે દેશમાં કન્યાઓનો શાળામાં દાખલ થવાનો એકંદર ગુણોત્તર વધ્યો છે અને શાળાઓમાં દિકરાઓ કરતાં પણ દિકરીઓ વધારે છે. દિકરીઓના લગ્ન કરવાની યોગ્ય ઉંમર કઈ છે તે નક્કી કરવા માટેની પણ યોગ્ય ચર્ચા ચાલી રહી છે. સમગ્ર દેશમાંથી એવી જાગૃત દિકરીઓ તરફથી મને પત્રો મળતા રહ્યા છે કે જલ્દીથી આ બાબતે નિર્ણય કરો. સમિતિનો રિપોર્ટ હજુ સુધી આવ્યો કેમ નથી ? મેં આ તમામ દિકરીઓને આશ્વાસન આપ્યું છે કે ખૂબ જ જલ્દી, રિપોર્ટ આવ્યા પછી તેની ઉપર સરકાર પોતાની કાર્યવાહી કરશે.

સાથીઓ, કુપોષણ દૂર કરવા માટે વધુ એક મહત્વની દિશામાં કામ થઈ રહ્યું છે. હવે દેશમાં એવા પાકને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે કે જેમાં પ્રોટીન, લોહતત્વ, ઝીંક જેવા પૌષ્ટીક પદાર્થો વધુ પ્રમાણમાં હોય. જાડા અનાજ જેવા કે રાગી, જુવાર, બાજરી, કોડો, ઝંગોરા, બાર્રી, કોટકી જેવા અનાજનું ઉત્પાદન વધે અને લોકો પોતાના ભોજનમાં તેનો સમાવેશ કરે તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે હું ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનનને વિશેષ ધન્યવાદ આપતાં જણાવું છે કે તેમણે વર્ષ 2023ને ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ જાહેર કર્યું છે. ભારતે આ પ્રસ્તાવને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.

સાથીઓ, ભારતમાં પોષણ અભિયાનને બળ મળે તેવું એક મહત્વનું કદમ આજે લેવામાં આવ્યું છે. આજે ઘઉં અને અન્ય ધાન સહિત અનેક પાકના નવા બીજની વેરાયટી ખેડૂતોને ઉપલબ્ધ કરવામાં આવી છે. આપણે ત્યાં ઘણી વખત જોવા મળે છે કે કેટલાક પાકની સામાન્ય વેરાયટીમાં કોઈને કોઈ પૌષ્ટીક પદાર્થ અથવા તો માઈક્રો ન્યુટ્રીન્ટની ઊણપ રહેતી હોય છે. આ પાકની સારી જાતો, બાયો -ફોર્ટીફાઈડ વેરાયટીમાં કોઈને કોઈ પૌષ્ટીક પદાર્થની ઊણપ રહેતી હતી તે આ નવી વેરાયટીઓ મારફતે દૂર થશે. આ પ્રકારના બિયારણના સંશોધન અને વિકાસમાં પણ ખૂબ જ પ્રશંસનિય કામ થયું છે. તેના માટે હું તમામ વૈજ્ઞાનિકો, કૃષિ વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. વર્ષ 2014 અગાઉ જ્યાં એક પ્રકારની માત્ર એક જ વેરાયટી ખેડૂતો સુધી પહોંચતી હતી ત્યાં આજે અલગ અલગ પાકની 70 બાયો- ફોર્ટીફાઈડ વેરાયટી ખેડૂતોને ઉપલબ્ધ થઈ છે. મને એ બાબતે આનંદ છે કે તેમાંની કેટલીક બાયો- ફોર્ટીફાઈડ વેરાયટીઓ સ્થાનિક અને પરંપરાગત પાકની મદદથી વિકસીત કરવામાં આવી છે.

સાથીઓ વિતેલા થોડાંક મહિનાઓમાં સમગ્ર દુનિયામાં કોરોનાના સંકટ સમયે અનેક પ્રકારની અલગ અલગ ચર્ચાઓ થઈ રહી હતી. મોટા મોટા નિષ્ણાંતો ચિંતા કરી રહ્યા હતા કે શું થશે, કેવી રીતે થશે ? આ બધી ચિંતાઓની વચ્ચે ભારતે વિતેલા 7 થી 8 માસ દરમ્યાન આશરે 80 કરોડ ગરીબોને મફત અનાજ ઉપલબ્ધ કરાવ્યું છે. આ ગાળા દરમ્યાન ભારતે આશરે રૂ. દોઢ લાખ કરોડનું અનાજ ગરીબોને મફત આપ્યું છે અને મને યાદ છે કે જ્યારે આ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું હતું ત્યારે એ બાબતનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે ચોખા અને ઘઉંની સાથે સાથે દાળ પણ મફતમાં આપવામાં આવે.

આજે ગરીબો પ્રત્યે, આહાર સુરક્ષા પ્રત્યે કામ કરવાની ભારતની કટિબધ્ધતા છે. આંતરરાષ્ટ્રીય દુનિયામાં પણ તેની ચર્ચા ઓછી થાય છે, પરંતુ આજે ભારતે જેટલા પોતાના નાગરીકોને મફત અનાજ આપ્યું છે તેની સંખ્યા સમગ્ર યુરોપિયન યુનિયન અને અમેરિકાના કુલ સંખ્યા કરતાં પણ વધારે છે, પરંતુ ઘણીવાર આપણે રોજે રોજ જીવનની એક મોટી તરાહ ચૂકી જતા હોઈએ છીએ. આહાર સુરક્ષા બાબતે ભારતે જે કામગીરી કરી છે તે બાબતે પણ કંઈક આવું જ થયું છે. મારા કેટલાક સવાલો છે કે જેટલા પણ આપણાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો છે તેમણે અનુભવ્યું હશે કે ભારતે આ દિશામાં જે સિધ્ધિ હાંસલ કરી છે તેની સામે વર્ષ 2014 સુધી માત્ર 11 રાજ્યોમાં ફૂડ સિક્યોરિટી એક્ટ લાગુ કરાયો હતો. તે પછી હાલ સમગ્ર દેશમાં અસરકારક રીતે લાગુ કરી દેવાયો છે !

શું આપ જાણો છો કે કોરોના કારણે જ્યારે સમગ્ર દુનિયા સંઘર્ષ કરી રહી છે ત્યારે ભારતના ખેડૂતોએ આ વર્ષે ગયા વર્ષના વિક્રમ ઉત્પાદનનો રેકર્ડ પણ તોડી નાંખ્યો છે ? શું તમે જાણો છો કે સરકારે ઘઉં, અન્ય ધાન્ય અને દાળના તમામ પ્રકારના ખાદ્યાન્નની ખરીદીના તમામ જૂના રેકર્ડ તોડી નાંખ્યા છે ? શું તમને એ ખબર છે કે ગયા વર્ષે 6 માસના આ ગાળા દરમ્યાન આવશ્યક કૃષિ ચીજવસ્તુઓની નિકાસમાં 40 ટકા કરતાં પણ વધુની વૃધ્ધિ થઈ છે ? શું તમને ખબર છે કે દેશના 28 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આહાર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ‘વન નેશન, વન રેશન કાર્ડ’ ની યોજના લાગુ કરવામાં આવી છે ?

સાથીઓ, આજે ભારતમાં એક પછી એક સતત એવા સુધારા કરવામાં આવી રહ્યા છે કે જે વૈશ્વિક આહાર સુરક્ષા તરફ ભારતની કટિબધ્ધતા દર્શાવે છે. ખેતી અને ખેડૂતને સશક્ત કરવા માટે ભારતમાં જાહેર વિતરણ વ્યવસ્થા સુધીના એક પછી એક સુધારા કરવામાં આવ્યા છે. હાલમાં જે ત્રણ મોટા ખેત સુધારા કરવામાં આવ્યા છે તે દેશના કૃષિ ક્ષેત્રનો વિસ્તાર કરવામાં, ખેડૂતોની આવકમાં વધારો કરવાનું એક ખૂબ મહત્વનું પગલું છે. સાથીઓ, આપણે ત્યાં ખેત પેદાશ માર્કેટીંગ કમિટીઓની વ્યવસ્થા ઘણાં સમયથી ચાલી આવી રહી હતી, જેની પોતાની પણ એક ઓળખ છે. તેમની પોતાની એક તાકાત છે. વિતેલા 6 વર્ષથી દેશની આ કૃષિ બજારોમાં શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ ઉભી કરવા માટે રૂ.અઢી હજાર કરોડ કરતાં વધુ રકમનું મૂડી રોકાણ કરવામાં આવી ચૂક્યું છે. આ બજારોમાં આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે સેંકડો કરોડ રૂપિયાથી વધુ રકમનો ખર્ચ થઈ ચૂક્યો છે. આ બજારોને હવે ઈ-નામ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ સાથે પણ જોડવામાં આવી રહી છે. ખેત બજાર માર્કેટીંગ સમિતિઓના કાયદામાં જે સુધારા કરવામાં આવ્યા છે તેનું લક્ષ એપીએમસીને વધુ સ્પર્ધાત્મક બનાવવાનું છે. ખેડૂતોને તેમના પડતર ખર્ચની તુલનામાં દોઢ ગણી કિંમતો લઘુતમ ટેકાના ભાવ મળી રહે તેના માટે અનેક પગલાં ઉઠાવવામાં આવ્યા છે.

સાથીઓ, લઘુતમ ટેકાના ભાવ અને સરકારી ખરીદી દેશની આહાર સુરક્ષાનો એક મહત્વનો હિસ્સો છે. એટલા માટે તેનું વૈજ્ઞાનિક પધ્ધતિથી સારામાં સારી વ્યવસ્થા સાથે, સારામાં સારૂ વ્યવસ્થાન પણ થાય અને તે કામ આગળ જતાં પણ ચાલુ રહે તે ખૂબ જ આવશ્યક છે. અને અમે તેના માટે કટિબધ્ધ છીએ. નવા વિકલ્પોથી એવુ જરૂર બનશે કે દેશના જે નાના ખેડૂતો મંડીઓ સુધી પહોંચી શકતા ન હતા અને એ કારણે મજબૂરીને કારણે પોતાની ઉપજ અગાઉથી જ વચેટિયાઓને વેચી દેતા હતા. હવે જ્યારે ખુદ બજાર નાના નાના ખેડૂતોના દરવાજા સુધી પહોંચવાનું છે તેના કારણે ખેડૂતોને વધુ કિંમત તો મળશે જ, પણ સાથે-સાથે વચેટિયાઓ દૂર થવાના કારણે ખેડૂતોને રાહત પણ પ્રાપ્ત થશે અને સામાન્ય ગ્રાહકોને પણ તેનો લાભ થવાનો છે. અને એટલું જ નહીં, આપણો જે યુવા સમુદાય છે તે કૃષિ સ્ટાર્ટ-અપ સ્વરૂપે ખેડૂતો માટે આધુનિક વ્યવસ્થાઓ ઉભી કરે તે માટેના અનેક રસ્તા ખૂલી જવાના છે.

સાથીઓ, નાના ખેડૂતોને તાકાત પૂરી પાડવા માટે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન એટલે કે એફપીઓનું એક ખૂબ મોટું નેટવર્ક દેશમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે. દેશમાં એવા 10,000 કૃષિ ઉત્પાદક સંઘ તૈયાર કરવાનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે. નાના ખેડૂતો તરફથી તે સંગઠન બજાર સાથે મળી પાકની કિંમત નક્કી કરી શકશે. ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન આ રીતે નાના ખેડૂતોનું જીવન બદલી નાંખશે, જે રીતે દૂધ અથવા ખાંડના ક્ષેત્રે સહકારી ચળવળને કારણે તથા ગામડાંઓમાં મહિલાઓની સ્વ-સહાય ચળવળને કારણે જે સાર્થક પરિવર્તન આવ્યું છે તે નોંધપાત્ર છે.

ભારતમાં અનાજની બરબાદી હંમેશા એક મોટી સમસ્યા બની રહી છે. હવે જ્યારે આવશ્યક ચીજવસ્તુ ધારામાં સુધારો કરવામાં આવ્યો છે તેનાથી ખેતીમાં પરિવર્તન આવશે. હવે ગામડાંમાં શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ ઉભી કરવા માટે સરકારની સાથે-સાથે અન્ય લોકોને પણ તક મળશે. તેમાં આપણાં ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનની ભૂમિકા ખૂબ જ મહત્વની બની રહેવાની છે. સરકારે હજુ હમણાં જ રૂ.1 લાખ કરોડનું માળખાગત સુવિધા ફંડ શરૂ કર્યું છે. આ ફંડમાંથી ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનને પણ સપ્લાય ચેઈન અને વેલ્યુ એડીશન માટે ક્ષમતા ઉભી કરવામાં સહાય થશે.

સાથીઓ, જે ત્રીજો કાયદો બનાવવામાં આવ્યો છે તેનાથી ખેડૂતોને પાકની કિંમતમાં થતાં ઉતાર-ચઢાવમાં પણ રાહત પ્રાપ્ત થશે અને ખેતીમાં નવી ટેકનોલોજીને પણ વેગ મળશે. આ કાયદા હેઠળ ખેડૂતને વધુ વિકલ્પો પૂરા પાડવાની સાથે સાથે તેને કાનૂનના માધ્યમથી સંરક્ષણ આપવાનું કામ પણ કરવામાં આવ્યું છે. ખેડૂત જ્યારે કોઈ પ્રાઈવેટ એજન્સી કે ઉદ્યોગ સાથે સમજૂતી કરશે તો વાવણીની પહેલા જ ઉપજની કિંમત નક્કી કરવામાં આવશે. તેના માટે બિયારણ, ફર્ટિલાઈઝર, મશીનરી વગેરે માટેના નાણાં સમજૂતી કરનાર સંસ્થા જ આપશે.

વધુ એક મહત્વની બાબત એ છે કે ખેડૂત જો કોઈ કારણથી સમજૂતી તોડવા માંગશે તો તેને કોઈ દંડ ચૂકવવો નહીં પડે, પરંતુ સમજૂતી કરનાર સંસ્થા જો સમજૂતી તોડશે તો તેણે દંડ ભરવો પડશે. અને અમે એ બાબતે ધ્યાન રાખ્યું છે કે સમજૂતી માત્ર ઉપજ બાબતે જ કરવામાં આવશે. ખેડૂતની જમીન માટે કોઈ પણ પ્રકારે સંકટ ઉભુ નહીં થાય. આનો અર્થ એ થયો કે ખેડૂતની દરેક પ્રકારની સુરક્ષા આ સુધારાના માધ્યમથી સુનિશ્ચિત કરવામાં આવી છે. જ્યારે ભારતનો ખેડૂત સશક્ત થશે, તેની આવકમાં વધારો થશે તો કુપોષણ સામેના અભિયાનને પણ એટલું જ બળ પ્રાપ્ત થશે. મને વિશ્વાસ છે કે ભારત અને એફએઓની વચ્ચે વધતો જતો તાલમેલ આ અભિયાનને વધુ ગતિ પૂરી પાડશે.

વધુ એક વખત હું આપ સૌને એફએઓના 75 વર્ષ પૂરા થવા બદલ ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવું છું. તમારી પ્રગતિ થાય અને વિશ્વનો ગરીબમાં ગરીબ નાગરિક તેની રોજબરોજની જીંદગીમાં આ બધા સંકટોમાંથી મુક્તિ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા સાથે, નાગરીક તેની રોજબરોજની જીંદગીમાં આ સંકટોમાંથી મુક્તિ મેળવે તેવી શુભેચ્છા સાથે, પૂરી શક્તિ સાથે હું વિશ્વ સમુદાય સાથે કામ કરવાના અમારા સંકલ્પને પુનરાવર્તિત કરીને વધુ એક વખત ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp