26th January selfie contest
BazarBit

દૂધસાગર ડેરીના કૌભાંડમાં 5 વર્ષે વિપુલ ચૌધરી મુશ્કેલીમાં, આ અરમાન અધૂરા રહી જશે

PC: livemint.com

 મહેસાણાના બહૂચર્ચિત દૂધસાગર ડેરી સાગરદાણ કૌભાંડના કેસમાં પાંચ વર્ષના ગાળા બાદ વિપુલ ચૌધરી સામે તહોમતનામું ફરમાવવામાં આવ્યું છે. ચૌધરી સહિત છ આરોપીઓ વિરૂદ્ધ મહેસાણા એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તહોમતનામું ફરમાવવામાં આવ્યું છે. આ તહોમતનામું ફરમાવાતા વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં વધારો થયો છે.

આ અંગે મળતી વિગતો અનુસાર સાગરદાણ કૌભાંડ મામલે છેલ્લાં કેટલાંય સમયથી વિપુલ ચૌધરી સહિત અન્ય આરોપીઓ સામે ગાળિયો કસાતો જતો હતો. ત્યારે મહેસાણા એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા ઈપીકો કલમ 406, 420, 465, 468, 471, 120બી અને 114 મુજબ તહોમતનામું ફરમાવવામાં આવ્યું છે. તહોમતનામામાં વિપુલ ચૌધરીએ એનડીડીબીના ચેરમેન બનવાની રાજકીય લાલસા પૂરી કરવા તેમ જ તત્કાલિન કૃષિપ્રધાનના આશીર્વાદ મેળવવાના બદઈરાદે દાણ મોકલ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તહોમતનામામાં કોઈપણ જાતનો કરાર ન થયેલો ન હોવા છતાં મહારાષ્ટ્ર રાજ્યમાં દુકાળ પડેલ હોવાનું કારણ રજૂ કરી મહાનંદા ડેરીને મહેસાણા તેમજ  જગુદણ કેટલ ફીડ ફેક્ટરી થી 186405903 રૂપિયાના કેટલ ફીડ ના જુદા જુદા બિલ ઉધારી મોકલ્યું હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં જુદા જુદા વાહનો મારફતે 637 ટ્રીપ દ્વારા વાહન ખર્ચ રૂ. 3.86 કરોડ મળી કુલ રૂ. 22.50 કરોડનું દાણ કોઈપણ પ્રકારના સેલ્સ ઓર્ડર કે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની પૂર્વ મંજૂરી લીધા વગર બારોબાર મોકલીને મોટું કૌભાંડ આચર્યું હોવાનો પણ તહોમતનામામાં ઉલ્લેખ કરાયો છે.

સાગરદાણ કૌભાંડ, 30 દિવસમાં રૂ.22 કરોડ ભરો

17 ઓગસ્ટ 2018ના દિવસે ચૌધરીને સાગરદાણ કૌભાંડના મામલામાં રૂ. 22,50,26,628 કરોડોના નુકસાન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય સહકારી મંડળીના રજિસ્ટ્રાર નલિન ઉપાધ્યાય દ્વારા આ હુકમ કરવામાં આવ્યો હતો. સંઘને 30 દિવસમાં નુકસાનીની રકમ પરત કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. ધી મહેસાણા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમિટેડ મહેસાણા સંઘને આર્થિક નુકશાન થાય તે રીતે 13,731 ટન પશુદાણ મહારાષ્ટ્ર રાજ્ય સહકારી દૂધ મહાસંઘ માર્યાદિતનું નુકશાન થયું હતું. મહારાષ્ટ્રમાં થયેલી કુદરતી હોનારતમાં તેમણે શરદ પવારની ટહેલથી દાન આપ્યું હતું.

ચૂંટણીમાં ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ચૂંટણી નહોતા લડી શક્યા.

અગાઉ સહકારી રજીસ્ટ્રારના નિયમને નેવે મુકીને દુધસાગર ડેરીમાં સત્તા હાંસલ કરી હતી. વિપુલ ચૌધરી બળજબરી પૂર્વક ચૂંટણી લડ્યા હતા. વડી અદાલતે ગેરલાયક ઠેરવતાં પોતાની પેનલના મહિલા સભ્યને બોર્ડ ઓફ ડિરેક્ટર બનાવ્યા હતા. સત્તા માટે તોડજોડની રણનીતિમાં વિપુલ ચૌધરી નીતિ નિયમો નેવે મૂકી શકે છે. વિપુલ ચૌધરીએ દૂધસાગર ડેરીના ટ્રસ્ટ દૂરડામાં પણ સત્તા છોડવી પડશે. સાગર ડેરીના ડિરેકટર અશોક ભાઈ ચૌધરી અને રમેશભાઈ ચૌધરીએ ચેરીટીમાં આ મામલે ફરિયાદ કરી હતી. અરજી મામલે વિપુલ ચૌધરીના વિરોધમાં ચુકાદો આવ્યો હતો. એટલે કે વિપુલ ચૌધરી ચૂંટણી લડી ન સકતાં તેમની કારમી હાર થઇ છે. જેથી દૂધ સાગર ડેરી બાદ હવે દુરડાનું ચેરમેન પદ છોડવું પડશે.

કોણ છે વિપુલ ચૌધરી?

વર્ષ 1995માં જ્યારે ભાજપની કેશુભાઈ પટેલની સરકાર સામે શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો હતો ત્યારે વિપુલ ચૌધરી પણ તેમની સાથે હતા. બળવા બાદ વાઘેલાના નેતૃત્વમાં રચાયેલી રાજપા સરકારમાં તેઓ ગૃહ પ્રધાન અને વાહન વ્યવહાર પ્રધાન બન્યા હતા. પછી શંકરસિંહ વાઘેલા સાથે મતભેદો ઊભા થતાં તેમનો સાથ છોડી દીધો હતો. ત્યારબાદ તેઓ સહકારી ક્ષેત્રને સાચવી રાખવા માટે ફરીથી ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન તેઓ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અને દૂધ સાગર ડેરીના ચેરમેન બન્યા હતા. જોકે સમય જતા બન્ને પદ પણ ગુમાવવા પડ્યા હતા.

અનેક કૌભાંડમાં વિપુલ ચૌધરી

દૂધ સાગર ડેરી પહોંચેલા વિપુલ ચૌધરીએ દાવો કર્યો હતો કે મેં કોઇ કૌભાંડ નથી કર્યું. અમે મહારાષ્ટ્રમાં સાગરદાણ આપ્યું હતું. ચૌધરી પર રૂ.1500 કરોડના કૌભાંડનો આરોપ મુકાયો હતો. અગાઉ સાગરદાણ કૌભાંડનો આરોપ થયો હતો. મહેસાણા દૂધ સાગર ડેરીમાં ચેરમેન તરીકેના કાર્યકાળ દરમ્યાન વિપુલ ચૌધરીને સાગરદાણ કૌભાંડ, ખાંડ કૌભાંડ, ખોટી ભરતી, દૂધ સંઘમાં અંગત ખર્ચાઓ અને ખોટા દાન સહિતના મુદ્દે રજીસ્ટ્રારે જવાબદાર ઠેરવ્યા હતા. જેમાં ડિસેમ્બર-2015ની તપાસ કાર્યવાહીના અંતે માર્ચ-2016માં સંઘની ચુંટણી દરમ્યાન સહકારી કાયદાની કલમ 76-બી મુજબ કાર્યવાહી કરી હતી. જેના આધારે રજીસ્ટ્રારે વિપુલ ચૌધરીને દૂધસાગર ડેરીના ચેરમેન પદેથી દૂર કરી આગામી ૩ વર્ષ સુધી કોઈપણ સહકારી સંસ્થામાં ચુંટણી લડવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.

ખાંડ કૌભાંડ

ખાંડની ઊંચા ભાવે ખરીદી અને પશુદાણના ઓછા સ્ટોક વગેરેથી રૂ.41.83 કરોડનું નુકસાન પહોંચાડ્યાના આક્ષેપો અંતર્ગત રાજ્ય રજિસ્ટ્રારે ખરેખર કેટલી રકમનું નુકસાન થયું છે અને તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરીની જવાબદારી અંગે ઝીણવટભરી તપાસ કરવા આદેશ કરતાં મામલો ફરીથી ચર્ચામાં આવ્યો છે. ભાજપની સત્તા ન આવતી હોવાથી તેમના કૌભાંડો જાહેર કરવામાં આવી રહ્યાં છે. પણ અમુલમાં ભાજપના નેતાઓની સત્તા હોવા છતાં ત્યાં દૂધ સાગર ડેરી કરતાં વધારે કૌભાંડ થયા હોતા છતાં કોઈ તપાસ કરવામાં આવતી નથી કે પગલાં ભરવામાં આવતાં નથી. મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (દૂધસાગર ડેરી)ના ખાસ ઓડિટરના અહેવાલમાં કેટલીક અનિયમિતતાઓ બહાર આવી હતી. નોટિસો અને કોર્ટનાં કેસ  બાદ છેવટે ફરીથી ચૂંટાયેલા વિપુલ ચૌધરીને સસ્પેન્ડ પણ કરાયા હતા. પશુદાણ મહારાષ્ટ્રમાં આપવાથી અંદાજિત રૂ.22.50 કરોડનું નુકસાન. સંઘના જગુદણ નજીકના સાગરદાણના કારખાનાના કાચા માલના ગોડાઉનમાં ઓછા સ્ટોકના કારણે અંદાજિત રૂ.2.07 કરોડની કાયમી ઉચાપત થયાનું જણાય છે. માન્ય પ્રક્રિયા અનૂસર્યા સિવાય ઊંચા ભાવે ખાંડની ખરીદીથી અંદાજિત રૂ.17.26 કરોડનું નુકસાન, ગેરરીતિ, ઉચાપત થઈ હોવાનો આરોપ મુકાયો હતો.

ડેરી પર સતત કબજો રહ્યો

29 નવેમ્બર 2015માં મહેસાણા દૂધ સાગર ડેરીમાં વિપુલ ચૌધરીની પેનલનો 13 બેઠકો પર વિજેતા બન્યા હતા. નિયામક મંડળની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ સમર્પિત પરિવર્તન પેનલને કારમી હાર આપીને 13 બેઠકો ઉપર વિજેતા થઇને વિપુલ ચૌધરીએ ડેરી પર ફરીથી કબજો મેળવ્યો હતો. જે અગાઉ ભ્રષ્ટાચારના મુદ્દે રાજ્ય સરકાર દ્વારા મહેસાણાની દૂધ સાગરડેરીના ચેરમેનના હોદ્દા ઉપરથી હટાવી ડેરીમાં કસ્ટોડીયન કમિટીની નિમણુંક કરી હતી. ત્યાર બાદ ડેરી અને સાગર દાણ સંદર્ભે ડેરીના પૂર્વ નિયામક મંડળ સામે ચાર પોલીસ કેસો પણ નોંધાવવામાં આવ્યા હતા. અહીં ભાજપની પેનલ સતત હાર પામતી રહી હોવાથી ડેરીમાં સતત વિવાદ ચાલુ રાખીને અને કાયદાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિપુલ ચૌધરીએ કરેલી ગેરરીતિ બદલ તેમને 6 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘનો વહીવટ સરકારે નિમેલા એડમિનિસ્ટ્રેટરના હાથમાં સોંપાયો હતો. કાયદા મુજબ આ એડમિનિસ્ટ્રેટર બે વર્ષ સુધી વહીવટ કર્યા બાદ સંઘના હોદ્દેદારોની નવી ચૂંટણી થઈ હતી.

મોલાસીસમાં રૂ.36 કરોડના ગોટાળા

મહેસાણાની દૂધસાગર ડેરીએ 2 ઓગસ્ટ 2018ના દિવસે જાહેર ખૂલાસો કર્યો હતો કે, 2015માં કિંજલ કેમિકલ નામની કંપની પાસેથી ટને રૂ.1400થી રૂ.2500ના ઊંચા ભાવે 15,000 ટન મોલાસીસની ખરીદી કરી તેમાં રૂ.35.96 કરોડની ખોટ ગઈ છે. કસ્ટોડિયન સમિતિના સમયમાં 16 ડિસેમ્બર 2015માં કરવા નક્કી કરાયું હતું. તે અંગે દૂધસાગરે ફરીયાદ નોંધાવી છતાં તે અંગે આજ સુધી કોઈ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામા આવી નથી. મહેસાણા દૂધસાગર ડેરીના એકજ્યુક્યુટિવ ડિરેક્ટર એન. પી. સંચેતી અને જગુદણ સાગર દાણ ફેકટરી ના મેનેજર મનોજ ગોસ્વામી સામે રૂ.1.10 કરોડની ઉચાપત સામે ફરિયાદ મહેસાણા જિલ્લા રજીસ્ટાર મહેસાણામાં ફરિયાદ નોંધાવી હતી. કસ્ટોડિયન કમિટીએ રૂ.32 કરોડની ગેરરિતી કરી છે, એમાં અમે દાવો કર્યો છે, એમાં પોલીસ પકડવા જતી નથી.

દિલ્હીની કંપનીને રૂ.57 લાખના ચેક અપાયો

કસ્ટોડિયનકમિટીની બેઠકમાં દૂધસાગર ડેરીએ દિલ્હીની એક કન્સલ્ટીંગ કંપનીને રૂ.57 લાખનો આપેલો ચેક કયા કામસર, કોના કહેવાથી આપ્યો તેની કાર્યવાહી થઈ હતી.

અમુલમાં કેમ પગલાં નહીં

અમૂલ ડેરીનાં ચેરમેન ભાજપના ધારાસભ્ય રામસિંહ પરમાર હોવાથી તેના કરોડોના કૌભાંડોમાં બચાવ થઈ રહ્યો હોવાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે. 2014માં કે. રત્નમ મેનેજિંગ ડિરેક્ટર બન્યા હતા. એમડી બન્યા બાદ તેમણે તુરંત કેરળની મિલ્કી મિક્સ કંપની પાસેથી રૂ.265 કરોડની 8700 મેટ્રિક ટન ચીઝની ખરીદી કિલોએ રૂ.40થી 50 વધુ આપીને ત્રણ વર્ષમાં કરી હતી. કે. રત્નમે પોતાની માનીતી કંપનીને ચીઝને ફોર્મ્યુલા આપી દીધી હતી. અમુલના 1200 ટનના પ્લાન્ટ હોવા છતાં અને  કો-ઓપરેટિવ સંસ્થાઓ પાસેથી ચીજ ખરીદવાના બદલે ટેન્ડર બહાર પાડ્યા વગર કેરળની મિલ્કી મિક્સ પાસેથી ચીજ ખરીદ કહ્યું હતું. મિલ્ક માર્કેટિંગ ફેડરેશન હેઠળના મોગર ખાતે ચોકલેટ પ્લાન્ટ બનાવવા માટે રૂ.185 કરોડ ખર્ચ થઈ ચૂક્યો હોવા છતાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની કોઈ મંજૂરી લેવામાં આવી નથી. કે. રત્નમે રાજીનામું આપવાની ફરજ પડી હતી. કે. રત્નમની નિમણૂક માટે સ્પેશિયલ કેસમાં પેટા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. કે. રત્નમની 2014માં મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક થઈ હતી. 2012થી 2016 સુધીના પાંચ વર્ષમાં રૂ.800 કરોડના ડેરીના કામ સરકારની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર થયા હતા. છતાં આજ સુધી સરકારે કોઈ પગલાં ભર્યા નથી. કારણ કે અમૂલ ડેરી પર ભાજપનો કબજો છે. જ્યારે વિરોધી એવા વિપુલ ચૌધરીને મહારાષ્ટ્રને દાનમાં આપેલાં ખાણ દાણ અંગે પરેશાન કરી મૂકવામાં આવ્યા છે. આમ ભાજપ સરકાર પોતાનાને છાવરે છે અને વિરોધીઓની સામે પગલાં ભરે છે. 

 
 
 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp