CIBIL સ્કોર શું છે, કઈ રીતે બેંક નક્કી કરે છે કે તમને લોન મળશે કે નહીં?

PC: wp.com

ક્યારેક-ક્યારેક બેંક એવા લોકોને પણ લોન અથવા તો પછી ક્રેડિટ કાર્ડ આપવાની ના પાડી દે છે, જેમની સેલરી ઘણી વધારે હોય કે પછી તેમનો સારોએવો બિઝનેસ હોય. પછી જ્યારે બેંકને કારણ પૂછવામાં આવે તો જવાબ મળે છે કે, તમારો CIBIL સ્કોર સારો નથી અથવા તો પછી નેગેટિવ છે. ડિજિટલ લેણ-દેણની આ દુનિયામાં દરેક પ્રકારની સુવિધાઓ હવે ઓનલાઈન ઉપલબ્ધ છે. તમે જે બેંકમાંથી લેણ-દેણ કરતા હો તે બધું જ લોન આપતી વખતે જોવામાં આવે છે. મોટાભાગે બેંક ગ્રાહકોને ક્રેડિટ સ્કોરના આધાર પર જ લોન ઓફર કરે છે. જો તમારો CIBIL સ્કોર સારો હશે, તો બેંક તમને લોન આપવામાં અચકાશે નહીં. જ્યારે તમે બેંકોમાં લોન લેવા માટે અપ્લાઈ કરો, તો બેંક તમારી ક્રેડિટ હિસ્ટ્રી ચેક કરે છે કે, તમે પહેલા ક્યારેય લોન લીધી છે કે નહીં, જો લોન લીધી હતી તો તેનું પેમેન્ટ સમયસર કર્યું છે કે નહીં. બેંકને CIBIL સ્કોર દ્વારા જાણકારી મળી જાય છે કે, તમે ભૂતકાળમાં કોઈ ગડબડ કરી છે કે નહીં, તો જ બેંક તમને લોન આપવાની ના પાડે છે.

શું છે CIBIL સ્કોર?

Credit Information Bureau India Limited (CIBIL) એક કંપની છે, જે દરેક લોનના એક રેકોર્ડને મેન્ટેઈન કરે છે એટલે કે તેની બધી જ માહિતી રાખે છે. ક્રેડિટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (CIR)ના આધારે CIBILને આંકવામાં આવે છે. આ રિપોર્ટમાં તમારા તરફથી અત્યારસુધીમાં લેવામાં આવેલી લોન અને ક્રેડિટ કાર્ડ્સની સંપૂર્ણ જાણકારી હોય છે. લોનના EMI અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ અને તેના બિલોની ચુકવણી તમે કઈ રીતે કરો છો. તે આધાર પર ક્રેડિટ સ્કોર જનરેટ થાય છે.

CIBIL સ્કોર ખરાબ થવાનું કારણ?

મોટાભાગના લોકો લોન લઈને યોગ્ય સમયે તેનું પેમેન્ટ નથી કરતા હોતા. મોડેથી EMI ભરવા, ક્રેડિટ કાર્ડની યોગ્ય સમયે ચુકવણી ના કરવી, આવા કારણે CIBIL સ્કોર પર પ્રતિકૂળ અસર પડે છે. આ ઉપરાંત, લોનના વિષયમાં વધુ પડતી પૂછપરછ કરવાથી પણ CIBIL સ્કોર પર નકારાત્મક અસર પડે છે, કારણ કે તમે જેટલી બેંકો સાથે સંપર્ક કરશો તમામ બેંક CIBIL સ્કોર ચેક કરશે. સતત CIBIL ચેક થવાને કારણે તેના પર નેગેટિવ અસર પડે છે.

કઈ રીતે સુધારશો CIBIL સ્કોર?

એક લાઈનમાં કહીએ તો કોઈપણ પ્રકારની લોનની ચુકવણી સમયસર કરો. હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં બેલેન્સ જાળવી રાખો. કોઈ એકરીતે ક્રેડિટ કાર્ડ પર વધુ પડતી નિર્ભરતાથી તમારો સ્કોર ખરાબ થઈ શકે છે.

ક્રેડિટ સ્કોર અથવા CIBIL સ્કોર 3 આંકડાનો એક નંબર હોય છે. તે 300થી 900ની વચ્ચે હોઈ શકે છે. તમારો CIBIL સ્કોર જેટલો 900ની નજીક હશે, તેટલો સારો માનવામાં આવે છે. એટલે કે જેટલો વધુ CIBIL સ્કોર હોય તેટલું સારું. તે આધાર પર જ બેંક તમને કેટલી લોન આપવી જોઈએ તે નક્કી કરે છે. આશરે 79 ટકા લોન 750 કરતા વધુના CIBIL સ્કોરને જોઈને આપવામાં આવે છે.

રેટિંગનું મહત્ત્વ

જો કોઈ ગ્રાહકનો 300થી 550ની વચ્ચે CIBIL સ્કોર હોય તો તેને ખરાબ માનવામાં આવે છે અને બેંક એવા ગ્રાહકોને લોન આપવાની ડાયરેક્ટ ના પાડી દે છે. જો CIBIL સ્કોર 550થી 650ની વચ્ચે હોય, તો તેને સરેરાશ માનવામાં આવે છે. એવામાં બેંક વધુ વ્યાજદર સાથે લોન આપે અથવા તો પછી તમને લોન આપવાની ના પાડી શકે છે. જો તમારો CIBIL સ્કોર 650થી 750ની વચ્ચે હોય તો તેને સારો માનવામાં આવે છે અને બેંક લોનને કન્સીડર કરી લેશે. જ્યારે જે ગ્રાહકોનો CIBIL સ્કોર 750-900ની વચ્ચે હોય છે, તો પછી બેંક જરા પણ વિલંબ કર્યા વિના સૌથી ઓછાં વ્યાજ દર પર તમને લોન ઓફર કરી દેશે. જેટલો સારો તમારો ક્રેડિટ સ્કોર હશે. બેંકો તરફથી તમને લોન મળવાની એટલી જ વધુ સંભાવના રહેશે. આથી, પ્રયત્ન કરવો જોઈએ કે તમારો CIBIL સ્કોર 750થી નીચે ના હોય.

કઈ રીતે જાણશો તમારો CIBIL સ્કોર?

તમારો ક્રેડિટ સ્કોર શું છે. તે તમે સરળતાથી થોડી જ સેકન્ડમાં જાણી શકો છો. તેમાં તમે ભારતીય સ્ટેટ બેંકની મદદ લઈ શકો છો. તેના માટે તમારે https://homeloans.sbi/getcibil પર જવાનું રહેશે. અહીં પર પર્સનલ ડિટેલ એન્ટર કરવાની રહેશે. પાનકાર્ડ નંબર અથવા તો પછી કોઈપણ ઓળખ પત્રની ડિટેલ અહીં આપવી પડશે. મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પણ તમારે અહીં એન્ટર કરવું પડશે. જેવી તમે આ બધી ડિટેલ એન્ટર કરી દેશો, એટલે તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે. આ OTPને એન્ટર કર્યા બાદ તમારી સામે તમારો ક્રેડિટ સ્કોર દેખાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp