26th January selfie contest

હાલ એક જ વસ્તુનો સતત વિકાસ થઇ રહ્યો છે અને તે છે મોંઘવારી, છતા પાર્ટીઓ કેમ ચૂપ

PC: livemint.com

લોકશાહીમાં પરિવર્તન આવી રહ્યું છે. રાજનીતિના આયામ અને દિશા બદલાઇ ચૂકી છે. દેશમાં કોઇપણ ચૂંટણી આવે, હવે મોંઘવારી અને બેકારી ચૂંટણી મુદ્દા રહ્યા નથી. આજે રાજ્ય અને દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ બેકાબૂ બની રહ્યાં છે. ગુજરાતમાં સિંગતેલ અને કપાસિયા તેલનો ભાવ 2500ને ક્રોસ કરી ગયો છે. કોરોના સંક્રમણના કારણે યુવાનોમાં બેરોજગારીની સમસ્યાએ માઝા મૂકી છે ત્યારે શાસક પક્ષ કે વિપક્ષના પેટનું પાણી પણ હાલતું નથી.

વકરેલી મોંઘવારી નજર સામે આવતી નથી. રાજનીતિ એટલે રાજકીય કાદવ ઉછાળ પ્રવૃત્તિ અને જ્ઞાતિવાદને પ્રોત્સાહન. લોકોની યાતનાને વાચા આપવાનું વિપક્ષ પણ વિસરી ચૂક્યું છે. આયારામ ગયારામની નીતિના કારણે એક રાજકીય નેતા આજે કોંગ્રેસમાં હોય છે અને કાલે ભાજપનો પાલવ પકડે છે. હવે રાજનીતિમાં વિકાસનો મુદ્દો ઉમેરાયો છે. જે પાર્ટી કે સરકાર વિકાસના કામો કરશે તેને મત મળશે.

સત્તા અને સંપત્તિ વચ્ચે રાજનીતિનુ વિભાજન થયું છે. લોકોની આર્થિક સમસ્યા સાથે પાર્ટી કે સરકારને કોઇ લેવાદેવા નથી. કોરોના સંક્રમણના સમયમાં મધ્યમવર્ગીય લાખો પરિવારો ગરીબીની રેખા હેઠળ આવી ચૂક્યાં છે. દેશમાં સંપત્તિવાન અને ગરીબ એમ બે વર્ગ દેખાઇ રહ્યાં છે. મધ્યમવર્ગનો એકડો નિકળી રહ્યો છે. ભૂખમરો અને ખેડૂતોના પ્રશ્નો પણ સમાપ્ત થઇ ચૂક્યાં છે.

એક અર્થશાસ્ત્રીએ લખ્યું હતું કે આપણે ત્યાં દુબઇ જેવું ફ્રી ટ્રેડ ઝોન નથી. જેટલું કમાઇએ તેટલું ખર્ચી શકતા નથી. દેશનું પ્રત્યેક પરિવારનો મોભી સવારે ઉઠે છે અને સાંજે સુએ છે ત્યાં સુધી તે પ્રતિદિન સરેરાશ 1000 રૂપિયાના ટેક્સ અને દેવાં ભરી રહ્યો છે.

વન નેશન વન ટેક્સની ફોર્મ્યુલા દેશ અને રાજ્યોમાં કામ કરતી નથી. ગુજરાતની સ્થિતિ અત્યંત કફોડી બની ચૂકી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના કારણે જનતા પરેશાન છે. ઘણી જગ્યાએ પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘું મળે છે. આજે જે કરિયાણું લીધું છે તેમાં બીજા મહિને પાંચ થી દસ ટકા દામ વધી ચૂક્યાં હોય છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓ પાસે મોંઘવારી અને બેકારી નહીં પણ જ્ઞાતિવાદી અને શક્તિશાળી ઉમેદવારોનો જમાનો આવ્યો છે. જે પાર્ટીમાં શક્તિશાળી ઉમેદવાર હશે તેને લોભ, લાલચ અને ડરથી પોતાના કરી લેવાની હોડ મચી છે.

એક સમય હતો જ્યારે કોંગ્રેસના શાસન વખતે ગુજરાતમાં સિંગતેલના ભાવમાં એક રૂપિયાનો વધારો થતો હતો ત્યારે ભાજપના સિનિયર નેતા અશોક ભટ્ટ તેલિયા રાજા અને સરકારની સાંઠગાંઠના આરોપ મૂકીને ખાડિયા બંધનું એલાન આપતા હતા. ભાજપ વિપક્ષમાં હતો ત્યારે સિંગતેલમાં ભાવવધારાના મુદ્દે ખાડીયાના માર્ગ પર જાહેરમાં પાણીમાં પૂરી તળાતી હતી. આજે મગફળી અને કપાસના વિક્રમ વાવેતર છતાં ખાદ્યતેલના ભાવ 2500ની સપાટી ક્રોસ કરી ગયા છે છતાં શાસક કે વિપક્ષને આ મુદ્દો લાગતો નથી.

વાહનમાં એક લીટર પેટ્રોલ પુરાવો કે એક કિલો સફરજન ખાવ તે સરખું છે. ખાદ્યતેલમાં સિંગતેલ ખાવ કે કપાસિયા --- એક જ ભાવે મળે છે. પેટ્રોલની ગાડી હોય કે ડીઝલની કાર – ભાવ સરખા છે. પ્રાઇવેટ નોકરીઓમાં લોકોના પગાર વધતા નથી પરંતુ મોંઘવારી વધે છે.

પેટ્રોલિયમ પેદાશોમાં ભાવવધારાના કારણે ઘરના બજેટ છિન્નભિન્ન થયાં છે. નવી નોકરીએ લાગેલા એક યુવાનને મળતા 15000 રૂપિયાના પગારમાંથી તે ઘરખર્ચ માટે માત્ર 5000 રૂપિયા બચાવી શકે છે, બાકીની રકમ ઇંધણ અને વિવિધ પ્રકારના ટેક્સમાં જતી રહે છે. કોરોના પછી લોકોના આરોગ્ય બીલ મોટા બન્યાં છે પરંતુ તેમના પગાર સ્થિર રહ્યાં છે. મોંઘવારી ભથ્થું માત્ર સરકારી કર્મચારીઓને જ મળે છે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) આવ્યો ત્યારે કહેવામાં આવ્યું કે એક દેશમાં એક જ ટેક્સની આ ફોર્મ્યુલા છે, પરંતુ લોકો 25 જાતના ટેક્સ ભરી રહ્યાં છે. 2014માં જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે બેન્ક ટ્રાન્ઝેક્શન ટેક્સની મોટા ઉપાડે વાતો થઇ હતી અને કહેવાતું હતું કે નવી સરકાર ઇન્કમટેક્સ નાબૂદ કરશે પરંતુ તેવું થયું નથી.

ચૂંટણી સમયે આપવામાં આવેલા વચનો વિસરાઇ ચૂક્યાં છે. આજે પેટ્રોલિયમ પેદાશો પર કેન્દ્રમાં એક્સાઇઝ, સેસ અને રાજ્યોમાં વેલ્યુ એડેડ ટેક્સ અને અન્ય સેસ ઉઘરાવાઇ રહ્યો છે, જેના કારણે 100 રૂપિયાના પેટ્રોલ અને ડીઝલમાં 72 રૂપિયા તો ટેક્સમાં જતા રહે છે. ગેસ સિલિંડર મોંઘા બન્યાં છે.

જનતા પરેશાન નથી તેથી રાજકીય પાર્ટીઓને પણ જલસા છે. લોક આંદોલનનો જુવાળ એ ભૂતકાળ બની ચૂક્યો છે. ઘરની પાસે કચરો છે તો તે ઉપાડીને બીજાના ઘર પાસે કેમ નાંખવો તેવી યુક્તિ અજમાવાઇ રહી છે. મોંઘવારી અને બેકારીમાં ખરેખર દેશની જનતાના ધૈર્યની કસોટી થઇ રહી છે. દેશમાં કોંગ્રેસનું શાસન હોય કે ભાજપનું શાસન હોય—મોંઘવારીના મુદ્દે બન્ને પાર્ટીઓ ચૂપ રહી છે.

રાજનીતિમાં એક નવો મુદ્દો ઉમેરાયો છે અને તે રાષ્ટ્ર અને રાજ્યનો વિકાસ છે. રાજકીય નેતાઓ આ મુદ્દાને વિકાસશીલ રાજનીતિ તરીકે મૂલવે છે. વધતી જતા મોંઘવારીને આસાનીથી વિકાસની રાજનીતિ કહેવામાં આવી રહી છે. માર્ગો સુધરી રહ્યાં છે. સરકારી કચેરીઓ કોર્પોરેટ કલ્ચર ધારણ કરી રહી છે. ખોટ કરતી સરકારી અસ્ક્યામતોનું ખાનગીકરણ થઇ રહ્યું છે. જો કે જનતા પણ કહી રહી છે કે સરકાર ટેક્સ લઇને લોકોને સુખાકારી આપી રહી છે.

ખેડૂતોના પ્રશ્નો તો નિરંતર ચાલ્યા જ કરવાના છે પરંતુ એક વાત ઉડીને આંખે વળગે તેવી એ છે કે ત્રણ કે પાંચ રૂપિયે કિલો ટામેટાં ખેડૂતો રસ્તામાં ફેંદી દેતા હોય છે પરંતુ શાકભાજીના બજારમાં તે આજે પણ 60 થી 70 રૂપિયે કિલોના ભાવે વેચાય છે. ખેડૂતોને તો પોષણક્ષમ ભાવો મળતા નથી. વેપારીઓ અને દલાલોને ઘી-કેળાં થઇ રહ્યાં છે. નફાખોરી અને સંગ્રહાખોરીના કારણે વ્યાપારીઓ તેમની નૈતિકતા ગુમાવી ચૂક્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp