સરકાર ન સાંભળી તો આદિવાસીઓએ 3 અઠવાડિયામાં જાતે જ બનાવી દીધો 7 કિમી લાંબો રસ્તો

PC: google.co.in

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ વિસ્તારમાં રાજ્ય સરકારની ઉપેક્ષાથી કંટાળીને આદિવાસીઓના એક વર્ગે 3 અઠવાડિયાની મહેનતથી 7 કિમી લાંબો કાચો રસ્તો બનાવી નાંખ્યો હતો. રસ્તો ન હોવાના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહેલા આદિવાસી વિસ્તારના 4 યુવકોએ આ કામ માટે લોકોને પ્રેરિત કર્યા હતા. ત્યારબાદ 3 અઠવડિયા સુધી દરરોજ 100 લોકોની ટીમ રસ્તો બનાવવાના કામમાં જોડાઇ ગઇ હતી.

આદિવાસીઓએ ગયા મહિનાની 23 જાન્યુઆરીથી રસ્તો બનાવવાનું ચાલું કર્યું હતું અને 3 અઠવાડિયાની મહેનત બાદ તેમણે 7 કિમી લાંબા કાચા રસ્તાનું નિર્માણ કરી દીધું હતું. આ દરમિયાન તેમણે દરરોજ સરેરાશ અઢી કિમી રસ્તો બનાવ્યો હતો. આ રસ્તો બની ગયા બાદ વિસ્તારના 250 આદિવાસી પરિવારના આશરે 1500 લોકોને તેની સુવિધા મળી રહેશે.

કહેવાય છે કે રસ્તો બનાવવા માટે આ લોકોએ સરકારને ઘણીવાર રજૂઆત કરી હતી, પરંતુ એ બાબતે સરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. રસ્તો ન હોવાના કારણે અસુવિધાઓ વેઠી રહેલા આ વિસ્તારના 4 યુવાનોએ અંતમાં સ્થાનિક લોકોની મદદથી જ રસ્તો બનાવવાનું કામ શરૂ કરવાનો નિર્ણય લીધો. તેમણે તે માટે 9 ગામના સેંકડો લોકોને આ કામમાં જોડાવાની અપીલ કરી હતી. રસ્તો બનાવ્યા બાદ અહીંના સભ્ય પુદુવુલા બુચન્નાએ જણાવ્યું હતું કે, ‘અમે વિસ્તારના 9 ગામોના સેંકડો આદિવાસીને જાતે રસ્તો બનાવવા માટે પ્રેરિત કર્યા હતા. અમે ખુશ છીએ કે, અમારી મહેનતનું પરિણામ દેખાઇ રહ્યું છે.

રસ્તો બનાવવાના આ અભિયાન દરમિયાન મોટાભાગે એકબીજાથી દૂર-દૂર રહેતા આદિવાસીઓના ત્રણ સમુદાયના લોકો એક સાથે કામ કરતા નજરે પડ્યા હતા. આ સમુદાયોમાં મુકા ડોરા, કોન્ડા ડોરા અને કોન્ડુ આદિવાસીઓ સામેલ છે. આંધ્ર પ્રદેશના આ વિસ્તારના લોકો રસ્તા સિવાય બીજી પણ મૂળભૂત જરૂરિતોના અભાવમાં જીવન જીવી રહ્યાં છે. કહેવામાં આવે છે કે આ વિસ્તારમાં ન તો વીજળીની સુવિધા છે કે નહીં મેડિકલ સેવાની સુવિધા ઉપલબ્ધ છે.

આશ્ચર્યજનક વાત છે કે રાજ્ય સરકારે આ વિસ્તારમાં રસ્તો બનાવવા માટે વર્ષ 2018-19માં 40 લાખ રૂપિયા ફાળવ્યા હતા. હવે આદિવાસીઓ દ્વારા રસ્તો બનાવવાની ખબર સામે આવ્યા બાદ અધિકારીઓએ તેમના કામના વખાણ કર્યા છે. સાથે જ આ કામમાં જોડાયેલા લોકોને મહેનતાણું આપવાની વાત કહી હતી. એક અધિકારીએ કહ્યું હતું કે, આ રસ્તો પ્રોજેક્ટ NREGS યોજના અંતર્ગત હતો. એવામાં લોકો પણ રસ્તાના નિર્માણમાં લાગ્યા હતા તેમને મહેનતાણું આપવામાં આવશે. અધિકારીઓએ આદિવાસીઓના વખાણ કરતા કહ્યું હતું કે, આ એક ખુબ સારો પ્રયાસ છે પરંતુ એ પૂરતું નથી. વરસાદના સમયે રસ્તો કાદવથી ભરાઇ જશે. એવામાં અમે પાકો રસ્તો બનાવવા પર કામ કરી રહ્યાં છીએ. તમને જણાવી દઇએ કે, સ્થાનિક લોકો વર્ષ 2011થી જ આ રસ્તો બનવાની રાહ જોતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp