પિતાને 1100 કિલોમીટર સાઇકલ પર બેસાડી વતન જનારી જ્યોતિની કિસ્મત ખૂલી

PC: newindianexpress.com

થોડા દિવસ પહેલા જ એક ન્યૂઝ દરેક પ્લેટફોર્મ પર ચર્ચાનો વિષય બની હતી. જ્યાં લોકડાઉનમાં પોતાના પિતાને સાઇકલ પર બેસાડી 1000 કિમીથી વધારે અંતર કાપી 8 દિવસમાં જ્યોતિ તેના પિતા મોહસન પાસવાનને લઈને ગુરુગ્રામથી બિહારના દરભંગા પહોંચી હતી. જ્યોતિએ રોજ 100થી 150 કિમી સાઇકલ ચલાવી.

ભારતીય સાઈકલિંગ મહાસંઘના ડિરેક્ટર વીએન સિંહે કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં પોતોના પિતાને સાઇકલ પર બેસાડી ગુરુગ્રામથી બિહારના દરભંગા પહોંચેલ જ્યોતિને ક્ષમતાવાન જણાવતા કહ્યું કે, સાઇકલિંગ ફેડરેશન તેને ટ્રાયલની તક આપશે અને જો તે CFIના માપદંડો પર થોડી પણ ખરી ઉતરે છે તો તેને વિશેષ તાલીમ અને કોચિંગ પૂરી પાડવામાં આવશે.

તેમણે કહ્યું કે, અમે આ રીતના પ્રતિભાશાળી ખેલાડીઓની શોધમાં હોઈએ છીએ અને જો કિશોરીમાં આ રીતની ક્ષમતા છે તો અમે જરૂર તેને તક આપીશું. આગળ તેને તાલીમ અને કોચિંગ કેમ્પમાં દાખલ કરાવી શકીએ છીએ. જોકે, તે પહેલા અમે તેને પારખીશું. જો તે અમારા માપદંડો પર ખરી ઉતરી તો તેની સંપૂર્ણ રીતે મદદ કરવામાં આવશે. વિદેશથી આયાત કરવામાં આવેલા સાઇકલ પર તેને તાલીમ આપીશું.

લોકડાઉન પછી જ્યોતિને ટ્રાયલની તક આપવા બાબતે પૂછવા પર તેમણે કહ્યું કે, મેં તેની સાથે વાત કરી હતી કે લોકડાઉન ખતમ થયા પછી જ્યારે પણ અવસર મળશે તો તે દિલ્હી આવે અને ઈંદિરા ગાંધી સ્ટેડિયમમાં અમે તેની નાની ટેસ્ટ લેશું. અમારી પાસે વાટબાઈક હોય છે, જે સ્થિર હોય છે. જેના પર બાળકને બેસાડીને 4-5 મિનિટની ટેસ્ટ લેવામાં આવે છે. તેનાથી ખબર પડી જાય છે કે ખેલાડી અને તેના પગમાં કેટલી ક્ષમતા છે. જો તે આટલા દૂર સુધી સાઇકલ ચલાવીને ગઈ છે તો નિશ્ચિતપણે તેનામાં ક્ષમતા છે.

વીએનસિંહે સ્વીકાર્યું કે, 15 વર્ષની જ્યોતિ માટે રોજ 100-150 કિમી સાઇકલ ચલાવવી સરળ વાત નથી. હું મીડિયામાં જે રીતની ખબર આવી છે તેના આધારે જ બોલી રહ્યો છું. જો તેણે ખરેખર આવું કર્યું છે તો તે ઘણી સક્ષમ છે.

જણાવી દઈએ કે, 15 વર્ષીય જ્યોતિના પિતા ગુરુગ્રામમાં રિક્ષા ચલાવવાનું કામ કરતા હતા અને તેમનો અકસ્માત થયા પછી તે પોતાની માતા અને જીજા સાથે ગુરુગ્રામ આવી હતી અને પછી પિતાની સંભાળ માટે ત્યાં જ રોકાઈ ગઈ. તેની વચ્ચે કોરોનાને કારણે લોકડાઉનની જાહેરાત થઈ અને જ્યોતિના પિતાનું કામ ઠપ થઈ ગયું. એવામાં જ્યોતિએ પિતાની સાથે સાઇકલ પર પોતાના ગામ પાછા ફરવાનું નક્કી કર્યું.

જ્યોતિએ કહ્યું કે, સાઇકલિંગ ફેડરેશનનો તેના પર ફોન આવ્યો હતો અને તેને ટ્રાયલ વિશે જાણ કરી. હાલમાં તે થાકી ગઈ છે. પણ લોકડાઉન પછી જો તેને તક મળશે તો તે ટ્રાયલમાં જરૂર ભાગ લેશે. તે કહે છે, જો હું સફળ રહું છું તો સાઇકલિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીશ અને જો ફરી તક મળશે તો ભણવા પણ માગુ છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp