મુંબઇમાં બાગેશ્વર બાબાના દરબારમાં ચોર હાથફેરો કરી ગયા, 36 મહિલાઓના મંગળસૂત્ર ગયા

PC: msn.com

મુંબઇના મીરા રોડ પર શનિવારે બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર લાગેલો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોનો જમાવડો થયો હતો જેમાં મહિલાઓ પણ સામેલ હતી. લોકો બાબાના દરબારમાં વ્યસ્ત હતા ત્યારે ચોરોએ હાથફેરો કરી લીધો હતો. જાણવા મળેલી માહિતી મુજબ 36 મહિલાઓના મંગળસૂત્ર ચોરાઇ ગયા હતા. ઉપરાંત ઘરેણાં રોકડ સહિત કુલ 4.87 લાખની ચોરી થઇ છે.

મધ્ય પ્રદેશમાં આવેલા બાગેશ્વર ધામના જાણીતા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અત્યારે મુંબઇમાં આવેલા મીરા રોડ પર સત્સંગ કાર્યક્રમ માટે ગયા છે.શનિવારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ દરબાર ભર્યો હતો અને હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. શનિવારે સાંજે 5-30 વાગ્યે કાર્યક્રમ શરૂ થયો હતો અને રાત્રે 9 વાગ્યે પુરો થયો હતો. એક તરફ લોકો પોતાના ઘરે જવા રવાના થયા હતા તો 50થી 60 લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

જે લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા તેમાંથી મોટાભાગની મહિલાઓ હતી. આ મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે તેમના ગળામાંથી મંગળ સૂત્ર કે સોનાની ચેઇનની કાર્યક્રમ દરમિયાન ચોરી થઇ ગઇ છે. 36 મહિલાઓએ મંગળસૂત્ર અને ચેઇન ચોરીની ફરિયાદ નોંધાવી છે.

આ મહિલાઓએ પોલીસને ફરિયાદમાં જે પ્રમાણે જાણકારી આપી છે તે મુજબ કુલ 4.87 લાખની ચોરી થઇ છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. મુંબઇના મીરા રોડ પર ધીરેન્દ્ર શાસ્ત્રીના 2 દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લીધી રાજકીય ગરમાટો પણ આવેલો છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં હજારો લોકોની ભીડ ભેગી થવાને ચોરોએ પણ તેનો ફાયદો ઉઠાવી લીધો છે અને કાર્યક્રમમાં ઘુસીને લાખો રૂપિયાની ચોરી કરી લીધી છે. આ તો કેટલાંક લોકોએ ફરિયાદ કરી છે એટલે ખબર પડી છે, પરંતુ અનેક લોકો એવા પણ હશે કે જેમના રૂપિયા, ઘરેણાં કે મોબાઇલની ચોરી થઇ હશે, પરંતુ તેમણે ફરિયાદ નહીં કરી હોય. ઘણા લોકો પોલીસના ચકકરમાં પડવા નથી માંગતા.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ દરબારને સંબોધિત કરતા કહ્યું હતું કે, ભારત હિંદુ રાષ્ટ્ર ત્યારે જ જાહેર થશે જ્યારે હિંદુઓમાં એકતા આવશે. તેમણે કહ્યુ કે, બાકીના ધર્મના લોકો પણ આ જ હિંદુ રાષ્ટ્રમાં રહેશે. આપણો ધર્મ જોડવાનું શિખવાડે છે, તોડવાનું નહીં. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, આપણે એવું કોઇ કામ નહીં કરીએ જેના કારણે સનાતન ધર્મએ નીચું જોવું પડે, પરંતુ આપણે ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવીને જ રહીશું.

તેમણે કહ્યું કે બીજી વાત કે તમારા દરેક ઘરમાંથી એક બાળકને રામ માટે જરૂર ઘરમાંથી બહાર કાઢો, ત્રીજી વાત કે જેમને બાગેશ્વર ધામમાં પાખંડ નજર આવે છે એવા મુર્ખા લોકોએ મારી સામે આવવું જોઇએ. તેમણે કહ્યું કે, મુંબઇના પાગલો તમારે સનાતન હિંદુ ધર્મમાં માટે આગળ આવવું પડશે, આ અમારા માટે નહીં, પરંતુ તમારી આવનારી પેઢી માટે છે જેથી રામના મંદિર પર કોઇ પત્થર ફેંકવાની હિંમત ન કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp