રિસોર્ટ માટે BJP MLAએ કરાવ્યું આશ્રમના રસ્તામાં ખોદકામ, સાધુએ કરી આત્મહત્યા

PC: amarujala.com

રાજસ્થાનના ભરતપુર બાદ હવે જાલોર જિલ્લામાં એક સાધુએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. આશ્રમની જમીનને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાધુએ આ પગલું લીધુ છે. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી છે. આ નોટમાં જમીનને લઈને BJP ધારાસભ્ય પૂરારામ ચૌધરી પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. જસવંતપુરા પોલીસે આ મામલામાં ધારાસભ્ય સહિત ત્રણ લોકો વિરુદ્ધ FIR દાખલ કરી છે. જોકે, હજુ સુધી સમર્થકોએ સાધુના શવને અંતિમ સંસ્કાર માટે ઝાડ પરથી નથી ઉતાર્યો.

પોલીસ અધિકારી મનીષ સોનીએ જણાવ્યું કે, જિલ્લાના રાનીવાડા ઉપખંડ સ્થિત રાજપુરા ગામનો આ મામલો છે. ગુરુવારની મધ્ય રાત્રિએ સુંધામાતા તળેટી પાસે બાલા હનુમાન આશ્રમના સંત રવિનાથ (60)એ ઝાડ પર ફાંસી લગાવી લીધી હતી. આશ્રમની પાછળ ભીનમાલ ધારાસભ્ય પૂરારામ ચૌધરી સહિત કેટલાક લોકોની જમીન છે, પરંતુ રસ્તો નહોતો. તેના પર સાધુના આશ્રમમાંથી રસ્તો લેવાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. ત્રણ દિવસ પહેલા ધારાસભ્ય પૂરારામે પોતાના લોકોને આશ્રમમાં ખીણ ખોદવા મોકલ્યા હતા. તેમણે આશ્રમની પાસે આ ખાઈ ખોદી હતી. આ વિવાદને પગલે સાધુ રવિનાથે ઝાડ પર ફાંસીના ફંદા પર લટકીને આત્મહત્યા કરી લીધી.

જણાવવામાં આવ્યું કે, મોડી રાત્રે ધારાસભ્ય પૂરારામ પોતાના પાંચ માણસો સાથે આશ્રમમાં જ સૂતા હતા. સવારે સૌથી પહેલા ઉઠીને તેમણે જ સાધુને લટકતા જોયા. પછી પોલીસને સૂચના આપી. ઘટના બાદ આક્રોશિત લોકો અને સાધુ-સંતોની ભીડ એકત્ર થઈ ગઈ. લોકોનો આક્રોશ જોતા જસવંતપુરા, રાનીવાડા અને ભીનમાલ પોલીસ ટીમને ઘટના સ્થળે તહેનાત કરી દેવામાં આવી.

સૂચના બાદ એડીએમ રાજેન્દ્ર સિંહ, સાંચોર DSP રૂપ સિંહ ઈંદા સહિત પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા. પોલીસે સાધુની સુસાઈડ નોટ જપ્ત કરી લીધી. તેને કોઈને પણ બતાવવામાં નથી આવી, જેને કારણે લોકોમાં આક્રોશ છે. ગુસ્સે ભરાયેલા લોકોએ અંતિમ સંસ્કાર કરતા પહેલા આ સુસાઈડ નોટનો ખુલાસો કરવાની માંગ કરી છે. સાથે જ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાયા બાદ જ અંતિમ સંસ્કાર કરવાની વાત કરી. હવે પોલીસે ધારાસભ્ય સહિત ત્રણ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે. જોકે, હજુ પણ સમર્થક સાધુના શવને ઝાડ પરથી ઉતારવા માટે તૈયાર નથી.

આ મામલામાં ભીનમાલ ધારાસભ્ય પૂરારામ ચૌધરીએ કહ્યું, તેમની ખાતેદારી જમીન સુંધા માતા તળેટી પાસે હનુમાન આશ્રમની પાસે છે, જેને તેમણે 30 વર્ષ પહેલા ખરીદી હતી. તે જમીન પર રિસોર્ટ બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. તાલુકાપંચાયત પાસેથી પરવાનગી લઈને ગુરુવારે જમીનની માપણી કરાવવામાં આવી. ધારાસભ્યએ કહ્યું કે, હનુમાન આશ્રમમાં રસ્તા માટે તેમણે જ ખાતેદારીથી જમીન છોડી છે. ધારાસભ્યએ કહ્યું કે, આત્મહત્યા મામલાની તપાસ થવી જોઈએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી થવુ જોઈએ. સાધુ સાથે ન્યાય થવો જોઈએ. મને તો તેમા હત્યાનો મામલો લાગી રહ્યો છે. અમે તો બે દિવસથી સાધુની સાથે રાજીખુશીથી ખેતરને મપાવી રહ્યા હતા. અમારી વચ્ચે કોઈ વિવાદ નહોતો. તેમના કહેવા પર જ મેં મારી ખાતેદારીમાંથી રસ્તા માટે જગ્યા છોડી.

SP હર્ષવર્ધને જણાવ્યું કે, સાધુના અંતિમસંસ્કાર માટે આશ્રમના સંતો અને લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. સુસાઈડ નોટમાં શું છે, તેનો ખુલાસો કરી શકાય તેમ નથી. તપાસ પ્રભાવિત થઈ શકે છે. રિપોર્ટ આવવા પર મામલો દાખલ કરી તેમા ન્યાય અપાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને જુલાઈમાં જ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ડીગ વિસ્તારમાં આત્મહત્યાનો પ્રયાસ કરનારા સાધુ વિજય દાસનું દિલ્હીમાં મોત થયુ હતું. ડીગ વિસ્તારમાં ખનન ગતિવિધિઓને બંધ કરવાની માંગને લઈને પસોપામાં સાધુ-સંતોનું આંદોલન ચાલી રહ્યું હતું. આ આંદોલનની વચ્ચે સાધુ વિજય દાસે આત્મદાહનો પ્રયાસ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp