મોપેડમાં ઘૂસ્યો સાંપ, અઢી કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ આ રીતે નીકળ્યો બહાર

PC: intoday.in

ચોમાસાની ઋતુમાં વરસાદ પડવાને કારણે વિવિધ જીવ-જંતુઓ તેમજ સરીસૃપોના દર પુરાઈ જતા હોય છે. આથી આ જીવ-જંતુઓ અને સરીસૃપો શ્વાસ લેવા માટે બહાર નીકળતા હોય છે જેને કારણે ઘરની આસપાસ, ખેતરોમાં કે ખુલ્લી જગ્યાઓમાં તમે સાંપ નીકળતા તો ઘણીવાર જોયા જ હશે, પરંતુ જો તે સાંપ તમારા વાહનની અંદર ઘૂસી જાય તો? જોકે, વાહનોમાં સાંપ ઘૂસી જવાના કિસ્સા ખૂબ જ ઓછાં જોવા મળે છે. આવો જ એક કિસ્સો રાજસ્થાનના પુષ્કરમાં સામે આવ્યો છે, જ્યાં એક મોપેડની અંદર સાંપ ઘૂસી ગયો હતો. જેને બહાર કાઢતા-કાઢતા લોકોનો દમ નીકળી ગયો હતો. રિપોર્ટ અનુસાર, પુષ્કરના ભગવાન દાસ ગુલાબ દાસ આશ્રમમાં પાર્ક કરેલી એક મોપેડની અંદર સાંપ ઘૂસ્યો તો તેને જોવા માટે ત્યાં લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી. આ આશ્રમમાં દહેશતનો માહોલ ઊભો થઈ ગયો હતો.

સાંપ મોપેડમાં ઘૂસી જવાની માહિતી મળતા જ પ્રાણી પ્રેમીઓ ઘટના સ્થળ પર સાંપ પકડવા માટે પહોંચી ગયા હતા. પરંતુ તેઓ પણ સાંપને પકડવામાં નિષ્ફળ રહ્યા કારણ કે સાંપ નીચેથી મોપેડની અંદરના પાર્ટ્સમાં ઘૂસી ગયો હતો. મોપેડમાંથી સાંપ કાઢવા માટે સ્કૂટીને નીચે પાડી દેવામાં આવી અને પાણી નાંખીને તેમાંથી સાંપને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આ રીતે સાંપ તો ના નીકળ્યો, આથી પછી ટુ-વ્હિલર મિકેનિકને બોલાવવામાં આવ્યો. મિકેનિકે સાવધાનીપૂર્વક સ્કૂટીના પાર્ટ્સ ખોલવાના શરૂ કરી દીધા. આ રીતે આશરે અઢી કલાકની મહેનત બાદ સાંપને કોઈકને રીતે બહાર કાઢવામાં આવ્યો. બાદમાં સાંપને પકડીને જંગલમાં છોડી દેવામાં આવ્યો. ત્યારબાદ તે અંગે વન વિભાગને સૂચિત કરી દેવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં બે દિવસોમાં રાજસ્થાનમાં અલગ-અલગ જગ્યાઓ પરથી 7 સાંપોનું રેસ્ક્યૂ કરીને તેમને જંગલમાં છોડવામાં આવ્યા છે. જેમાં પાંચ કોબ્રા ઘરોમાંથી નીકળ્યા હતા જ્યારે બે સાંપને સપેરા પાસેથી છોડાવવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp