બાબરી ગુંબજ પર ભગવો લઇ ચઢેલા બે સગા ભાઇઓ પોલીસની ગોળીથી મૃત્યુ પામ્યા હતા

PC: Khabarchhe.com

1984થી અયોધ્યાયમાં રામ મંદિર બને તે માટે શરૂ થયેલી રામ જન્મભૂમિ આંદોલનના વિવાદનો આજે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અંત આવ્યો છે. પરંતુ આ આંદોલનને કારણે અયોધ્યા સહિત દેશભરના વિવિધ શહેરમાં થયેલા તોફાનમાં બે હજાર કરતા વધુ લોકોના મોત થયા છે. જેમાં 1990માં વિશ્વ હિન્દુ પરિષદે કરેલી પ્રથમ કાર સેવા માટે ચાલીસ હજાર કરતા વધુ કાર સેવકોએ દેશભરમાંથી કૂચ કરી હતી. જો કે આ કૂચને રોકવા માટે ઉત્તર પ્રદેશ પોલીસના 28 હજાર સશસ્ત્ર પોલીસને ખડકી દેવામાં આવી હતી. આમ છતાં એક હજાર જેટલા કાર સેવકો અયોધ્યામાં પ્રવેશ મેળવવામાં સફળ થયા હતા જેમાં કલકત્તાના વીસ વર્ષના બે સગા ભાઈઓ તો વિવાદાસ્પદ બાબરીના ઢાંચા ઉપર ભગવો લઈ ચઢી ગયા હતા. જય શ્રીરામના નારા લગાવતા આ કોઠારી બંધુઓ કઈ સમજે તે પહેલા પોલીસે કરેલા ગોળીબારમાં બંન્ને ભાઈઓ ઢાંચાની ઉપર જ મૃત્યુ પામ્યા હતા. 

1984માં શરૂ થયેલા રામ જન્મભૂમિ આંદોલને 1990માં એક ઉંચાઈ પ્રાપ્ત કરી હતી. ઓકટોબર મહિનાના અંતમાં અયોધ્યા પહોંચવા માટે કાર સેવકોને આવ્હાન કરવામાં આવ્યુ હતું. જેના કારણે રામ મંદિર બનવું જોઈએ તેવું માનતા હજારો કાર સેવકોએ દેશભરમાંથી અયોધ્યા તરફ કુચ કરી હતી. ઉત્તર પ્રદેશમાં ત્યારે મુખ્યમંત્રી પદે મુલાયમસિંહ યાદવ હતા. તેમણે દિલ્હી અને આસપાસના જિલ્લામાંથી અયોધ્યા આવી રહેલી તમામ ટ્રેન અને બંસો બંધ કરી દીધી હતા. કાર સેવકો અયોધ્યા પહોંચે નહીં પણ ટ્રેન અને બસ બંધ થઈ જતા કાર સેવકોએ ચાલતા અયોધ્યા તરફ કૂચ કરી હતી. ઉત્તર પ્રદેશ પોલીસના આંકડા પ્રમાણે ચાલીસ હજાર લોકો અયોધ્યા તરફ આવી રહ્યા હતા. જેમને રોકવા અયોધ્યામમાં 28 હજાર સશસ્ત્ર પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. તેમને ગોળીબાર કરવાની મંજુરી આપી દેવામાં આવી હતી.

અયોધ્યામાં પ્રવેશ કરવાના તમામ રસ્તાઓ બંધ હતા. બેરીકેટ મુકી દેવામાં આવી હતી. આમ છતાં એક હજાર જેટલાં કાર સેવકો નાના અને સાંકડા રસ્તે અયોધ્યામાં પ્રવેશ મેળવવવામાં સફળ રહ્યા હતા. તેઓ વિવાદાસ્પદ ઢાંચા સુધી પહોંચી ગયા હતા. આ કાર સેવકો ઉપર પોલીસે પહેલા લાઠીઓ વરસાવી અને ત્યાર બાદ ટીયર ગેસ છોડયા હતા પણ આ દરમિયાન કલકત્તાથી આવેલા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના કાર્યવાહ રાજકુમાર કોઠારી જેમની ઉમંર માત્ર 22 વર્ષની હતી અને તેમના નાના ભાઈ શરદકુમાર કોઠારી જે કલકત્તાની વિક્રમ શાખાના મુખ્ય શિક્ષક હતા. તે માત્ર વીસ વર્ષના હતા આ બંન્ને કોઠારીઓ ભાઈઓ હાથમાં ભગવો ઝંડો લઈ ગુંબજ ઉપર ચઢી ગયા હતા. જય શ્રીરામના નારા લગાવવા લાગ્યા હતા.

આમ આટલા મોટા બંદોબસ્ત વચ્ચે બાબરીના ગુંબજ ઉપર ચઢી જય શ્રીરામનો નારો લગાવી રહેલા કોઠારી ભાઈઓ તરફ પોલીસનું ધ્યાન ગયુ. ત્યારે પોલીસે તેમની ઉપર નીચેથી ગોળી ચલાવી અને તેઓ જય શ્રીરામના નારા સાથે ત્યાં જ ઢળી પડયા હતા. આ દિવસ 2 નવેમ્બર 1990નો હતો તે દિવસ પોલીસ ગોળીબારમાં દસ જેટલા કાર સેવકો માર્યા હતા. પરંતુ રામ મંદિર માટે જેમના સૌથી પહેલા મોત થયા તેમાં કોઠારી બંધુઓ પહેલા હતા. ક્રમશ ત્યાર બાદ 1993માં પણ આવીૂ જ ઘટનાઓ ઘટી હતી. જયારે બાબરી મસ્જીદ ધ્વંસ થઈ અને દેશભરમાં તોફાન થયા જેમાં હિન્દુ મુસ્લિમ સહિત 2000 લોકોના મોત થયા હતા. જો કે આટલા વર્ષો ચાલેલા આંદોલનમાં એક પણ નેતા અથવા તેમના પરિવારજનો પૈકી કોઈને ગોળી વાગી નહીં. મોત થયા નહીં. કાયમ ધર્મના નામે લડતા ગરીબ હિન્દુ મુસ્લીમ જ માર્યા જાય છે તેનું આ ઉદાહરણ છે.

(પ્રશાંત દયાળ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp