SCના ફેંસલા પર જાણો કોણે કહ્યું-મંદિર અને મસ્જિદની જગ્યાએ સ્કૂલ-હોસ્પિટલ બને

PC: newsclick.in

વર્ષોથી અટવાયેલા અયોધ્યા કેસમાં શનિવારે ચૂકાદો આવતા અનેક રાજનેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. આ ચૂકાદા બાદ રાજકીય ક્ષેત્રમાંથી પ્રજાને શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. રાષ્ટ્રીય જનતા દળના યુવાનેતા તેજસ્વી યાદવે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ ચૂકાદો સર્વસામાન્ય છે. પણ રાજકીય પક્ષોએ મંદિર-મસ્જીદ બનાવવા કરતા સ્કૂલ-કૉલેજ અને હોસ્પિટલ બનવા જોઈએ. આ મુદ્દે તેજસ્વી યાદવે ટ્વિટ પણ કર્યું છે. ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, શ્રીરામ જન્મભૂમિ પર સર્વ સહમતીથી લેવાયેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયનું હું સ્વાગત કરું છું. હું તમામ સમુદાયો અને ધર્મના લોકોને અપીલ કરું છું કે, આ ચૂકાદાને સહજતાથી સ્વીકારવામાં આવે.

શાંતિ જાળવવામાં મદદ કરે. એક ભારત-શ્રેષ્ઠ ભારતના સંકલ્પ પ્રત્યે સૌ કટિબદ્ધ રહે. અમિત શાહે ઉમેર્યું કે, મને પૂરો વિશ્વાસ છે કે, સર્વોચ્ચ અદાલતે લીધેલો નિર્ણય માઈલસ્ટોન સાબિત થશે. આ નિર્ણય ભારતની એકતા, અખંડતા અને મહાન સંસ્કૃતિઓને એક વેગ પ્રદાન કરશે. દાયકાઓથી ચાલી રહેતા કેસમાં અનેક વિવાદ થયેલા છે. જેના પર આજે અંતિમ નિર્ણય લેવાયો હતો. હું ભારતની ન્યાય પ્રક્રિયા અને તમામ ન્યાયાધીશને અભિનંદન કરું છું. ભાજપના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશીએ કહ્યું કે, દરેક વ્યક્તિએ આ ચૂકાદાનું સન્માન કરવું જોઈએ. દેશમાં સદ્ભાવ જાળવી રાખવો અનિવાર્ય છે. હું માનું છું કે, રામ દરેક ધર્મ અને જમીન પર છે. મંદિર એકતાનું ઉદાહરણ બનવું જોઈએ. આ ચૂકાદાથી એક નવી શરુઆત થશે.

હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું કે, અયોધ્યા કેસમાં વડી અદાલતનો નિર્ણય ઐતિહાસિક છે. આ ચૂકાદાથી દેશની સામાજિક એકતા વધુ મજબુત બનશે. તમામ પ્રજાને અપીલ કરું છું કે, સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાનું સન્માન કરે. સમાજમાં પ્રેમ, સદ્ભાવ અને ભાઈચારો જાળવી રાખે. શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વિટ કરતા કહ્યું હતું કે, પહેલા મંદિર પછી સરકાર, અયોધ્યામાં મંદિર-મહારાષ્ટ્રમાં સરકાર. જય શ્રી રામ. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, વિવાદીત જમીન પર રામલલાનો હક છે. તેથી વિવાદીત જમીન રામ મંદિર માટે આપી દેવામાં આવી છે. જ્યારે મુસ્લિમ પક્ષકારોને અલગ જમીન ફાળવવામાં આવશે. અયોધ્યામાં જ મસ્જીદ બનાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. રામ મંદિરના નિર્માણ માટે કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં એક ટ્રસ્ટ ઊભું કરવા માટે આદેશ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp