ગરબા રમવા દરમિયાન યુવકનું મોત, પુત્રનો મૃતદેહ જોઈ પિતાએ પણ દુનિયાને કહી અલવિદા

PC: dnaindia.com

મહારાષ્ટ્રના પાલઘરમાં નાચતા-નાચતા 35 વર્ષીય એક યુવકનું મોત થયા બાદ તેના પિતાએ પણ આઘાતમાં શ્વાસ છોડી દીધા. પાલઘરમાં એક ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મનીષ નરપજી સોનિગ્રા ગરબા રમતી વખતે પડી ગયો હતો. ઇમરજન્સીમાં તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરોએ મનીષને મૃત જાહેર કરી દીધો. જ્યારે આ સમાચાર મનિષના પિતાએ સાંભળ્યા તો તેણે પણ પોતાના શ્વાસ છોડી દીધા.

વિરાર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, મનીષ નરપજી સોનિગ્રા શનિવાર અને રવિવાર દરમિયાનની રાત્રે વિરારના ગ્લોબલ સિટી પરિસરમાં એક ગરબા કાર્યક્રમમાં નાચતા-નાચતા પડી ગયો હતો. તેને ઇમરજન્સીમાં તેના પિતા નરપજી સોનિગ્રા (ઉંમર 66 વર્ષ) હૉસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ, જ્યારે પુત્રના મોતની જાણકારી પિતાને મળી તો નરપજી સોનિગ્રા પણ પડી ગયા હતા અને તેમનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પિતા અને પુત્રનું શબ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે અને દુર્ઘટનાવશ મોતનો કેસ નોંધી લેવામાં આવ્યો છે.

હાલમાં જ ગુજરાતના આણંદ જિલ્લામાં ગરબા રમતા 21 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા તેનું મોત થવાની ઘટના સામે આવી છે. રિપોર્ટ્સ મુજબ આ ઘટના આણંદ જિલ્લાના તારાપુરની શિવ શક્તિ સોસાયટીમાં થઈ છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. તારાપુરની શિવ શક્તિ સોસાયટીમાં નવરાત્રિના અવસર પર 9 દિવસ સુધી સોસાયટીમાં ગરબાનું આયોજન થાય છે. 30 સપ્ટેમ્બરના રોજ 21 વર્ષીય વીરેન્દ્ર સિંહ રાજપૂત ગરબા રમી રહ્યો હતો.

આ દરમિયાન તેના મિત્રો વીડિયો બનાવી રહ્યા હતા. ત્યારે જ અચાનક વીરેન્દ્ર સિંહ પડી ગયો. સોસાયટીના લોકો તેને ઇમરજન્સીમાં હૉસ્પિટલ લઈને પહોંચ્યા હતા, પરંતુ વીરેન્દ્ર સિંહનું મોત રસ્તામાં જ થઈ ગયું. ડૉક્ટરોએ જણાવ્યું કે, યુવાનનું મોત હાર્ટ એટેક આવવાના કારણે થયું છે. વીડિયોની શરૂઆતમાં વીરેન્દ્ર સિંહ ખૂબ અસહજ દેખાઈ રહ્યો છે છતા તે ગરબા રમવાનો શોખ હોવાના કારણે તે ગરબા રમે છે અને અંતમાં વીરેન્દ્ર સિંહ ગરબા રમતો-રમતો જમીન પર પડી જાય છે.

21 વર્ષીય વીરેન્દ્ર સિંહ રાજપૂતના પિતા મોરજ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય છે. વીરેન્દ્ર સિંહ 2 ભાઈઓમાં નાનો હતો. સ્વાસ્થ્યમાં ફિટ વીરેન્દ્ર સિંહનું અચાનક ગરબા રમવા દરમિયાન મોત થવાથી પરિવાર સહિત આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp