રાજ્ય સરકારનું જાહેરનામું, રાત્રે આટલા વાગ્યા સુધી ગરબા રમી શકશે ખેલૈયાઓ

PC: news18.com

શકિત સ્વરૂપે મંદિરોમાં બિરાજમાન આદ્યશકિતની આરાધનાના અવસરે આસો સુદ પૂનમને તારીખ 26 ઓકટોબરના રોજથી નવરાત્રિ શરૂ થવા જઇ રહી છે ત્યારે છેલ્લા બે વર્ષ બાદ આ વર્ષે ખેલૈયાઓ, અબાલવૃધ્ધ સૌ પરંપરાગત ગરબાની મોજ માણવા માટે તૈયાર છે. ખૈલેયાઓ નવલી નવરાત્રિમાં ગરબે ઝૂમવા માટે ઉત્સુક બન્યા છે. ત્યારે આ વખતે રાજ્યના ગૃહ વિભાગે રાત્રિના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર શરૂ રાખવા માટેનું પરિપત્ર બહાર પાડ્યું છે. આથી ખેલૈયાઓ આ વર્ષે રાત્રે 12 વાગ્યા સુધી ગરબા રમી શકશે.

રાજ્યના ગૃહ વિભાગે જાહેર કરેલા પરીપત્ર મુજબ નવરાત્રીના 9 દિવસ દરમિયાન રાત્રીના 10 થી રાત્રીના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર સાઉન્ડ વગાડી શકાશે. રાજ્યના તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા મેજીસ્ટ્રેટને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ પરિપત્ર મોકલાવવામાં આવ્યો છે. આ સાથે જ પરિપત્રમાં દશેરાના દિવસે પણ રાત્રે 10 થી 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ જાહેરનામાં મુજબ હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને અદાલતોની આસપાસનો 100 મીટર કે તેથી વધુનો વિસ્તાર સાયલન્સ ઝોન જાહેર કરી શકાશે.

અમદાવાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામુ બહાર પાડીને નિર્દેશ જાહેર કર્યા છે કે, નવરાત્રિ દરમિયાન રેસ્ટોરન્ટમાં રાત્રિના 12 વાગ્યા સુધી હોમ ડિલિવરી કરી શકાશે. બાગ બગીચાઓ પણ રાત્રીના દસ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. જોકે, લારી ગલ્લા, શોપિંગ મોલ, કોમ્પલેક્સ, માર્કેટ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટ હોટલ રાત્રીના દસ વાગ્યા સુધી જ ચાલુ રહી શકશે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડેલા જાહેરનામામાં જેમાં નિયમોનુ ચુસ્ત પાલન કરવા આદેશ કરાયો છે. વ્યવસાયિકો ઉપરાંત કર્મચારીઓ માટે વેકસીનનો પ્રથમ ડોઝ ફરજિયાત છે. શેરી, સોસાયટી અને ફલેટમાં 400 લોકોની મર્યાદામાં ગરબાના આયોજન માટે છુટછાટ આપવામાં આવી છે. રાત્રિના 12 કલાક સુધી શેરી ગરબા રમવા છૂટ અપાઇ છે. આ સિવાય દુર્ગા પૂજા, શરદ પૂર્ણિમા અને દશેરાની ઉજવણી પણ રાત્રિના 12 વાગ્યા સુધી કરવાની છૂટ અમદાવાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે આપી છે.

નવરાત્રિના તહેવાર બાબતે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જે અંતર્ગત નવરાત્રી સંચાલકો સાથે પોલીસ કમિશનર દ્વારા બેઠક પણ યોજવામાં આવી હતી. આ બેઠકમાં નવરાત્રી દરમિયાન ગરબા માત્ર રાત્રીના 10 વાગ્યા સુધી ચાલુ રાખવાની સૂચનાઓ જાહેર કરાઈ હતી. આ પરિપત્ર મુજબ રાત્રીના 10 વાગ્યા સુધી જ ગરબા ચાલુ રાખવાની પરવાનગી અપાઈ હતી. જો કે, હવે પોલીસ કમિશનર દ્વારા આ નિર્ણયને પાછો ખેંચી લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp