26th January selfie contest

ગુજરાતના આ શહેરમાં સાતમા નોરતે થાય છે ઈશ્વરના વિવાહ, માત્ર નગારા પર રમાય છે ગરબા

PC: bhaskar.com

સૌરાષ્ટ્રમાં નોરતા એટલે પ્રાચીન ગરબી. જેમા નાની બાળાઓ અને ભૂલકાઓ માતાજીના ગરબા પર રમે છે. પ્રાચીન ગરબી એટલે આસ્થા, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનું એવું કેન્દ્ર જ્યાં પરંપરાનું સાતત્ય જોવા મળે. અર્વાચીન રાસમાં કૃષ્ણની રાસલીલા યાદ કરવામાં આવે તો ક્યારેક દેશભક્તિની ઝલકના પણ દર્શન થાય. પણ સૌરાષ્ટ્રના છોટીકાશી ગણાતા જામનગરમાં એક એવી પણ જગ્યા છે જ્યાં સાતમા નોરતે ઈશ્વર વિવાહ થાય છે. પણ આની ખાસ વાત એ છે કે, અહીં પુરૂષો વિવાહ ગાય છે અને નોબતના તાલે રાસ રમે છે.

છેલ્લા 330 વર્ષથી આ પરંપરા જળવાતી આવી છે. જામનગરમાં જલાની જાર ચોક વિસ્તારમાં એક ગરબી થાય છે. જ્યાં હજુ સુધી કોઈ ફિલ્મી ગરબા વાગ્યા નથી કે ડિસ્કોડાંડિયા થયા નથી. ન કોઈ લાઉડ સ્પીકર ન કોઈ આધુનિક વાજિંત્રો. માત્ર નોબતના તાલે પુરૂષો પરંપરાગત પોષાકમાં ગરબા રમે છે. આ ગરબીમાં ઈશ્વર વિવાહ શરૂ થાય એટલે એક પણ ક્ષણનો વિરામ લીધા વગર 3.30 કલાક સુધી સતત ગરબા ગાવામાં અને રમવામાં આવે છે. બીજી એક ખાસ વાત એ છે કે, આ ગરબીમાં માતાજીનું મઢ આખું ચાંદીનું છે. આ પરંપરા આજ દિવસ સુધી જળવાઈ છે કે, પુરૂષો હાથમાં ગરબાના શબ્દોની પ્રિન્ટ લઈને ગાતા જાય છે અને રમતા પણ જાય છે. દર વર્ષે આસો સુદ સાતમ બુધવાર રાત્રિના 11.30 વાગ્યે, આદ્યકવિ દેવીદાસ રચિત 'ઈશ્વર વિવાહ' રમાય છે. સાથે અન્ય ખેલૈયાઓ પણ ગરબાની રમઝટ બોલાવે છે. આસપાસ જોવા માટે આવતા લોકો આ પંક્તિઓનો સાર સમજી શકે એ માટે એક જ પંક્તિને ચાર ચાર વખત બોલવામાં આવે છે. નગારાના તાલે સમગ્ર ઈશ્વર વિવાહ ગવાય છે અને એમાં રમાય છે. આ અંગે જામનગરના સેવક મહિધર શુક્લે જણાવ્યું હતું કે હું છેલ્લા 45 વર્ષથી ગરબા લેવા માટે આવું છું. જ્યાં પુરૂષો ધોતી અને ઝભ્ભો પહેરીને આવે છે. આ પોષાક ફરજિયાત છે. અહીં કોઈ પ્રકારની જાત કે નાતનો ભેદભાવ નથી.

પાંચ વર્ષના છોકરાથી લઈને 60 વર્ષના વૃદ્ધો સુધી બધાય આ ગરબી રમે છે. ખાસ વાત એ છે કે, અહીં ગરબા નથી ગવાતા પણ એના સંદર્ભો ગવાય છે. સાતમા નોરતે શિવજીના વિવાહ ગવાય છે. એ પછી દશેરાની રાત્રે અને અગિયારસની વહેલી સવારે માતાજી કંકાઈનો અણઘો ઘરાવાય છે. એ સમયે 500 જેટલા લોકો જોવા માટે આવે છે. દુનિયામાં કોઈ માતાજીને અણઘો નથી ધરાવાતો. સ્થાનિક ચતા બાજરિયા નામના સદગ્રહસ્થને માતા સપનામાં આવેલાં અને તેમની પ્રેરણાથી તેમને લત્તાવાસીઓની મદદથી ગરબીની શરૂઆત કરાવી હતી.એવું લોકો માની રહ્યા છે. આ ગરબી માટે માતાજીની મૂર્તિ પણ બળદગાડા મારફત છેક રાજસ્થાનથી લાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp