સલામત રહીશું તો બધી નવરાત્રિ આપણી જ છે, સૌ સાથે મનભરીને રમીશું: ચેમ્બર પ્રમુખ

PC: Khabarchhe.com

'કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવાં અને નાગરિકોની સુરક્ષા માટે રાજ્ય સરકારે આ વર્ષે ગરબાના આયોજન પર પ્રતિબંધ મૂક્યો છે. દર વર્ષે નવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણીના સ્થાને આ વર્ષે માત્ર શક્તિની ઉપાસનાનું પર્વ બની રહેશે. જેથી ઘરમાં રહીને જ આ પર્વની ઉજવણી કરીને લોકો પણ સહયોગ આપી રહ્યાં છે. દેશમાં કોરોનાએ ફેબ્રુઆરીમાં પગપેસારો કર્યા પછી કેટલાય તહેવારો આવ્યા, જેમાં મુખ્ય જન્માષ્ટમી, રામનવમી, ગણેશ ઉત્સવ, રથયાત્રામાં જન સમૂદાય એકત્ર ના થાય એટલા માટે પણ કડકપણે પ્રતિબંધ મુકવામાં આવ્યા હતા. કોરોના ત્યારે પણ હતો અને અત્યારે પણ છે જ. સલામત રહીશું તો હવે પછીની બધી નવરાત્રિ આપણી જ છે. મનભરીને સૌ સાથે રમીશું. હમણાં સંયમય જાળવીશું તો કોરોના સામે જંગ આપણે ચોક્કસ જીતી જઇશું.' આ શબ્દો છે દ.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવનિયુક્ત પ્રમુખ દિનેશ નાવડીયાના..

દિનેશ નાવડીયા જણાવે છે કે, 'સર સલામત તો પઘડિયા બહોત..' જો માથું સલામત હશે તો પહેરવાને પાઘડી ઘણી મળી રહેશે. પણ મસ્તક જ નહિ હોય તો..?પાઘડીનો અર્થ કંઇ ખરો?? નવરાત્રિ પર્વની ઉજવણી કરતા પહેલા સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું એ આપણી નૈતિક ફરજ છે એવી અપીલ કરતા સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડીયાએ ઉમેર્યું કે, 'સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો હંમેશા જનતાના ભલા માટે હોય છે. હાલ કોરોનાના એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. એવામાં જો આપણે સમૂહમાં નવરાત્રિ પર્વની ઉજવણી કરીશું તો કોરોના સંક્રમણ વધવાની શક્યતા છે. દરેક તહેવારને ઉત્સાહપૂર્વક ઉજવવા સુરતીઓ ટેવાયેલા છે. આપણે સૌ સંકલ્પ કરીએ કે કોરોના સંક્રમણ ટાળવા ઘરે રહીને આદ્યશક્તિની ઉપાસના કરીએ.

થોડી બેદરકારી પણ ભારે પડી શકે છે એમ જણાવતાં દિનેશ નાવડીયા સરકારની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવાં પર મૂકતા વધુમાં જણાવે છે કે 'કોરોના કાળમાં નવરાત્રિની ઉજવણી આપણા પરિવાર અને સ્નેહીજનો સાથે ઘરમાં જ સુરક્ષિત રહીને કરવી જોઈએ. માતાજીની આરતી ઘરમાં જ કરી નવરાત્રિ પર્વ ઉજવણી કરી સંક્રમણ થતું અટકાવી શકાશે. શેરીમાં કે પાર્ટી પ્લોટમાં ગરબા ખેલતા કયાં અને કોને વાયરસનો ચેપ લાગી જાય એ કોઇને ખબર હોતી નથી. આ તો ‘કોરોનાને સરળતાથી ચઢવા માટે નિસરણી આપી’ એવું કહી શકાય. બીજું માસ્ક બાંધીને ગરબા ગાવા કે રમવા શક્ય નથી. વ્યક્તિ જો ગરબા કે દોઢિયા રમશે તો ઉછળકૂદમાં સ્વાભાવિકપણે રમવાની સ્પીડ વધી જાય અને તીવ્ર ગતિથી રમતા ઊંડા શ્વાસ લેવાની જરૂર પડે છે. આ સંજોગોમાં ‘કોરોના’ના જંતુઓ સીધેસીધા ફેફસામાં પહોંચી શકે છે. આવા સંજોગોમાં આનંદભર્યા દિવસો દુઃખદાયી બની શકે છે. જેથી ‘કોરોના’ની ગતિ વધે જ. માટે આ વર્ષે ઘરમાં જ રહીને નવરાત્રિ પર્વની ઉજવણી કરી સંયમય જાળવીશું તો કોરોના સામે જંગ ચોક્કસ જીતી જઇશું એવી અપીલ કરી હતી.

રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં ધીમેધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે, તેમ છતાં હજુ કોરોના વાયરસનો ખતરો ટળ્યો નથી. ત્યારે સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકારની કોરોના સંક્રમણ અટકાવવા માટેની માર્ગદર્શિકાનું નવરાત્રિમાં પાલન કરવું એ આપણી નૈતિક ફરજ બને છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp