આને કહેવાય વિસર્જનમાંથી સર્જન, વિદ્યાર્થીઓએ વેસ્ટ ગરબામાંથી બનાવ્યા ચકલીના માળા

PC: zeenews.india.com

સામાન્ય રીતે ધાર્મિક કાર્યમાં ઉપયોગમાં લેવાયેલી વસ્તુ કે પૂજાની સામગ્રીનો ઉપયોગ કર્યા પછી તેને પાણીમાં પધરાવી દેવામાં આવતી હોય છે. જો કે ઉપયોગ થયેલી આ વસ્તુને પધારવવાના બદલે તેના પર કલાત્મક રીતે કામગીરી કરવામાં આવે તો એ નકામી થયેલી એ જ વસ્તુ પર્યાવરણ માટે મોટી ભેટ બની શકે છે. આ વાત સાબિત કરી છે રાજકોટના એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ. આ વિસર્જન કરાયેલા ગરબામાંથી વિદ્યાર્થીઓએ કલાની મદદથી નવો જ આકાર આપી પર્યાવરણને નવી ભેટ આપી છે.

વેસ્ટમાંથી બેસ્ટ કરવું એ એક કળા છે. આ કળાનો યોગ્ય ઉપયોગ કરવામાં લોકોને એક સાથે અનેક ફાયદાઓ થતા હોય છે. આ જ વાતને સાર્થક કરી છે રાજકોટની લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ સ્કૂલના વિદ્યાર્થીઓએ. હાલમાં જ નવરાત્રિનો તહેવાર પૂર્ણ થયો છે. નવરાત્રિના આ તહેવારમાં માતાજીની આરાધના કરવા માટે લોકો પોત પોતાના ઘરે ગરબાની સ્થાપના કરી હતી. આ તહેવાર પૂર્ણ થતા જ આ ગરબાનું વિસર્જન કરાયું હતું. નકામા થયેલા આ ગરબા બની રહ્યા છે ચકલીઓનો આશરો. દશેરાનો તહેવાર પૂર્ણ થતા જ વિદ્યાર્થીઓ દ્વારા શહેરભરમાંથી આશરે 30 હજાર જેટલા ગરબાઓ એકત્ર કરાયા હતા. આ ગરબાઓને કોલેજ પર લાવી તેમાં મશીનોની મદદથી હોલ પાડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ આ ગરબા પર વિવિધ પ્રક્રિયા કરી ચકલીના માળાનું સ્વરૂપ આપવાંમાં આવ્યું હતું. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ અંતર્ગત જ આ ઈવેન્ટનું આયોજન કરાયું હતું. આ પ્રોજેક્ટના કારણે વિદ્યાર્થીના પ્રેક્ટીકલ જ્ઞાન પણ મેળવ્યું હતું.

પુસ્તકિયા જ્ઞાન સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને પર્યાવરણને એક નવી ભેટ મળે એવા હેતુથી કોલેજના સંચાલકો દ્વારા આ ખાસ ઈવેન્ટનું આયોજન કરાયું હતું. વિસર્જનમાંથી સર્જન ઈવેન્ટ અંતર્ગત 400થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ગરબામાંથી ચકલીઓના માળાઓ બનાવવામાં આવ્યા હતા. 24 કલાકમાં 10 હજારથી વધુ માળાઓ બનાવ્યા. સમગ્ર કામગીરીની લિમ્કા બૂકની ટીમે નોંધ લીધી હતી. ગરબામાંથી માળા બનવવાની આ કામગીરીમાં રાજકોટ મહાનગરા પાલિકાનો પણ સહયોગ રહેલો છે. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા આ માળાઓનું શહેરીજનોમાં વિતરણ કરાશે. વિના મુલ્યે લોકોને આ માળાઓ વિતરણ કરવામાં આવશે. સામાન્ય રીતે ચકલીઓ તેમનો માળો બનાવી નથી શક્તી. ત્યારે આ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ માળા તેમાના માટે આશીર્વાદરૂપ બની રહેશે. આ વિદ્યાર્થીઓએ મંગલકાર્ય કરી અન્ય લોકોને નવી રાહ બતાવી છે. આવી જ રીતે દરેક લોકો જો પર્યાવરણ પ્રત્યેની પોતાની ફરજ નિભાવે તો પૃથ્વીને ખરા અર્થમાં સ્વર્ગનું સ્વરૂપ આપી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp