આણંદમાં બે જુથ વચ્ચે અથડામણ. અરાજક તત્ત્વોએ પોલીસને પણ છરી મારી, 14 પકડાયા

PC: khabarchhe.com

આણંદ જિલ્લાના બોરસદમાં છેલ્લા બે દિવસથી અજંપાભરી સ્થિતિ જોવા મળી રહી છે. તો મોડી રાત્રે બોરસદમાં કોમી તોફાન ભડકી ઉઠ્યું હતું અને રાત્રીના સમયે પથ્થરબાજી અને છરીબાજીના દૃશ્યો સામે આવ્યા હતા. તો કોમી તોફાનને લઈને હાલ તો બોરસદ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. તો બીજી તરફ આ ઘટનામાં ચાર નાગરિક અને એક પોલીસ કર્મચારીને ઇજા થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો પોલીસ દ્વારા કોમી તોફાનને અંકુશમાં લેવા માટે રબરની ગોળીઓ છોડવામાં આવી હતી અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સમગ્ર મામલે 14 જેટલા ઈસમોની અટકાયત પણ કરવામાં આવી હતી અને હવે હાલ SRPની ટીમ સહિતનો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત બોરસદમાં ખડકી દેવામાં આવ્યો છે.

આ ઘટના બોરસદના બ્રાહ્મણ વાડી વિસ્તારમાં થઈ હતી. જેમાં રાત્રીના 1 વાગ્યા આસપાસ પથ્થરમારો થયો હતો અને આ પથ્થરમારો 2 કલાક સુધી ચાલ્યો હતો. તો બીજી તરફ હનુમાન મંદિર પાસે એક સ્થાનિક નાગરિક પર ચપ્પુ વડે હુમલો પણ થયો હતો. ત્યારે પોલીસકર્મીઓ કોમી તોફાનોને કાબુમાં લેવાના પ્રયાસ કરતા હતા ત્યારે એક પોલીસ કર્મચારીને પેટમાં છરી વાગતા ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત થયેલા પોલીસકર્મીને વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

તો બીજી તરફ એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે, બોરસદમાં મધ રાત્રે પથ્થરમારો થયો હતો તે પથ્થરમારો પૂર્વ આયોજિત હતો. હાલ પણ બોરસદમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો પોલીસે આ પથ્થરમારાને કાબૂમાં લેવા માટે 50 ટીયર ગેસ છોડ્યા હતા અને 30 જેટલી રબરની બુલેટ ફાયરિંગ પણ કર્યું હતું. તો આ અસામાજિક તત્વો દ્વારા દેરાસર પાસે CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા તેને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા 14 જેટલા તોફાની તત્વોની અટકાયત પણ કરવામાં આવી છે. આ હિંસાને લઈને જિલ્લા પોલીસ વડા અજીત રાજયાન દ્વારા બોરસદમાં પોલીસની ટીમ સાથે નજર રાખવામાં આવી રહી છે. તો SRPની બે કંપની અને સ્થાનિક પોલીસના જવાનોને અલગ-અલગ સ્થળો પર બંદોબસ્તની જવાબદારી આપવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp