ગુજરાતનું એ ગામ જ્યા આજેય રસ્તો નથી, પ્રસુતાને 1km ખાટલામાં ઊંચકી 108મા પહોંચાડી

PC: khabarchhe.com

મોડાસાના અણદાપુર ગામમાં દયનિય દૃશ્યો ત્યારે સર્જાયા હતા જ્યોરે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે ગર્ભવતિ મહિલાને ખાટલા પર 1 કિલોમીટર સુધી લઈ જવી પડી હતી, ત્યારે 108ની સુવિધા મળી હતી. હાલમાં તંત્ર દ્વારા ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધા પહોંચી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે મોડાસા તાલુકામાં એક એવું ગામ આવેલું છે કે જ્યાં ગામમાં જવા માટે આઝાદી પછી આજદિન સુધી પાકો રસ્તો બની શક્યો નથી. ગામમાં કોઈ બીમાર હોય તો 108 પણ પહોંચી શકતી નથી. દર્દીને એક કિલોમીટર ખાટલામાં ઊંચકીને લઈ જવા પડે છે.

ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધાના તંત્ર દ્વારા જે દાવા કરવામાં આવે છે એ દાવા અહીં પોકળ સાબિત થાય છે. મોડાસાની પૂર્વે આવેલા અણદાપુર ગામ 2500ની વસ્તી છે. ગામમાં રહેતા લોકો મોટાભાગે ખેતી અને પશુપાલનના વ્યવસાય પર નિર્ભર રહે છે. આ ગામમાં પાયાની સુવિધાનો અભાવ છે, એમાં પણ પાકો રસ્તો નથી. ગામમાં ગર્ભવતી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી, જેને સારવાર માટે લઈ જવા માટે 108ને કોલ કર્યો હતો, પરંતુ ગામના બસ સ્ટેશન પછી આગળ રસ્તો જ નથી. ચોમાસાના કારણે કાદવ કીચડ વાળો રસ્તો થઈ ગયો છે.

કાદવકીચડવાળા રસ્તાના કારણે 108 બસ સ્ટેશન સુધી જ પહોંચી શકી હતી, ત્યારે મહિલાઓ દ્વારા પ્રસૂતિની પીડા ઉપડેલી મહિલાને ખાટલામાં ઊંચકીને 1 કિલોમીટર ચાલીને 108 સુધી લઈ જવી પડી હતી. ત્યારે આ દૃશ્યો જોઈ ભલભલાના હૃદય કંપી ઉઠે. ઘણી વખત 108ની સેવા સમય પર ન પહોંચતા દર્દીએ જીવ ગુમાવ્યાની પણ ઘટના બની છે. ગ્રામજનો એ અનેક વખત રસ્તા માટે રજૂઆત કરી છે, પરંતુ સરકારી તંત્ર અને રાજકીય આગેવાનોએ ખોટા વચનો જ આપ્યા છે.

ભૂતકાળમાં પણ આ જ ગામમાં બીજી મહિલાને ખાટલામાં ઊંચકીને લઈ જતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે અણદાપુર ગામમાં પાકા રસ્તાની સુવિધા મળે એવી લોક માગ ઉઠી છે અને ત્યારે જ સાચા અર્થમાં આઝાદીના 75 વર્ષ ઉજવ્યા એમ કહેવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp