બનાસકાંઠામાં ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત, ઠાકોર પરિવારના 5 લોકોના મોત

PC: youtube.com

રાજ્યમાં અકસ્માતોની ઘટનાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે રવિવારે 16 જાન્યુઆરીના રોજ વહેલી સવારે એક જીવલેણ અકસ્માતની ઘટના બનાસકાંઠામાં સામે આવી છે. આ ઘટનામાં એક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો અને અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજયા હતા. અકસ્માતની ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને 5 લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં જે 5 લોકોના મોત થયા છે તે ઠાકોર પરિવારના હોવાનું સામે આવ્યું છે અને એક જ પરિવારના 5 લોકોનાં મોતથી ઠાકોર પરિવારના અન્ય સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

રિપોર્ટ અનુસાર બનાસકાંઠાના લાખણી તાલુકામાં આવેલા ભાકડીયાલ અને જડિયાળ ગામમાં રહેતા ઠાકોર પરિવારના 7 સભ્યો એક અલ્ટો કારમાં ધાનેરાથી થરાદ તરફ જઈ રહ્યા હતા. જ્યારે આ ઠાકોર પરિવારના સભ્યોની કાર ધાનેરાથી થરાદ તરફ જતા રસ્તા પર વચ્ચે આવતા પાવડાસણ ગામ નજીક પહોંચી ત્યારે એકાએક જ તેમની કારનો અકસ્માત એક ટ્રેક્ટર સાથે થયો હતો. આ અકસ્માતની ઘટનામાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને કારમાં સવાર 5 લોકોને ગંભીર ઈજાઓ થતા તેમના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. તો બીજી તરફ 2 લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની ઘટના પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેમને ઘટનાની જાણ પોલીસને કરી હતી. તેથી પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને 3 પુરુષ અને 2 બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, જે લોકોના મોત થયા છે તેમાં 55 વર્ષના ગેમરજી ઠાકોર, 35 વર્ષના રમેશ ઠાકોર, 30 વર્ષના અશોક ઠાકોર, 7 વર્ષનું બાળક ટીપુ ઠાકોર અને 2 વર્ષના બાળક શૈલેષ ઠાકોરનો સમાવેશ થાય છે. અકસ્માતની ઘટનામાં ઠાકોર પરિવારના 3 પુરુષ અને 2 બાળકોના મોત થતા ઠાકોર પરિવારના અન્ય સભ્યોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp