શાળાઓ શરૂ થતા કોરોના સક્રિય, ગુજરાતની બે શાળામાં 16 વિદ્યાર્થી પોઝિટિવ

PC: oneindia.com

છેલ્લા 11 મહિનાથી બંધ રહેલી સ્કૂલ ફરી શરૂ થતા દરેક વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં થોડો આનંદનો માહોલ છે. શાળાઓ બંધ હતી પણ શૈક્ષણિક કાર્ય ઓનલાઈન ચાલું હતું. સરકારે ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈન્સ અનુસાર શાળા શરૂ કરવા મંજૂરી આપતા શાળાઓ ફરી શરૂ થઈ છે. ત્યાર બાદ રાજ્યમાં સરકારી અને ખાનગી શાળાઓમાં ધો. 6થી 8ના વર્ગ શરૂ કરવામાં આવ્યા છે.

જોકે, આ માહોલમાં એકાએક ચિંતા વધારનારા વાવડ સામે આવ્યા છે. ડીસાની એક પ્રાથમિક શાળામાં 11 અને પ્રાંતિજની બે ખાનગી શાળામાં 5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેના કારણે શાળામાં ફફડાટ વ્યાપી ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં એક બાજું ચૂંટણીનો માહોલ છે ત્યારે સરકારે અમુક વર્ગોને શાળાએ જઈ અભ્યાસ માટેની મંજૂરી આપી છે. બનાસકાંઠા જિલ્લાની ડીસામાં આવેલી રામસણ પ્રાથમિક શાળામાં 11 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. લોકોના મનમાં ફરીથી ડર પેસી ગયો છે. જોકે, કોરોના વાયરસે ફરી માથું ઊંચકતા આ શાળા એક અઠવાડિયા માટે ફરી બંધ કરી દેવામાં આવી છે.

આ ઘટનાની જાણ થતા જ આરોગ્ય તંત્ર પણ એક્શન મોડ પર આવી ગયું હતું. સંચાલકોએ સેનિટાઈઝેશનનું કામ કરાવ્યું છે. બીજી તરફ પ્રાંતિજ શહેરમાં સિનેમા રોડ પર આવેલી સર્વોદય વિદ્યાલયમાં એક મહિલા સહિત અન્ય ત્રણ શિક્ષકોનો રીપોર્ટ પોઝિટિવ આવતા શાળામાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. એક્સપરીમેન્ટલ હાઈસ્કૂલના બે શિક્ષકોનો રીપોર્ટ પોઝિટિવ આવતા ફરી સરકારે લીધેલા નિર્ણય સામે ચર્ચાઓ શરૂ થઈ છે.


પ્રાંતિજમાં એક મહિલા સહિત પાંચ શિક્ષકોનો રીપોર્ટ પોઝિટિવ આવતા તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે. ડીસા અને પ્રાંતિજમાં હવે વાલીઓ પોતાના સંતાનોને શાળાએ મોકલતા પણ બીવે છે. જ્યારે વિદ્યાર્થીઓમાં શિક્ષણકાર્યને લઈને ચિંતા વધી રહી છે. રાજ્યમાં બુધવારે એક જ દિવસમાં નવા 6426 દર્દીઓ નોંધાયા છે. ડીસાની પ્રાથમિક શાળામાં બે શિક્ષક અને 9 વિદ્યાર્થીઓ કોરોનાનો શિકાર થયા છે. ડીસાની એક શાળામાંથી એક સાથે આટલા પોઝિટિવ કેસ આવતા અન્ય શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હોમ ક્વોરેન્ટાઈન કરી દેવાયા છે. હાલમાં રાજ્યમાં ધો.6થી 8ના વર્ગો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. કોરોના વાયરસનો પ્રકોપ ઓછો થયો પણ બીમારી પર કોઈ પૂર્ણવિરામ મૂકાયું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp