રબારી સમાજે રિવાજ બદલ્યા- સગાઈમાં બે જોડ કપડા, ચાંદલા પ્રથા બંધ, સોનું....

PC: divyabhaskar.co.in

ગુજરાતમાં ધીમે-ધીમે અનેક સમાજના મોભીઓ અને લોકોએ સામાજિક રીતિ-રિવાજોને તિલાંજલી આપી શુભ તેમજ અશુભ પ્રસંગે કરવામાં આવતા બિનજરૂરી ખર્ચાઓ પર કામ મુકવાના વખાણવાલાયક પગલાંઓ લેવાનું શરૂ કર્યું છે. રાજ્યમાં લગભગ તમામ સમાજમાં લગ્ન હોય કે પછી મરણ પ્રસંગ, શુભ હોય કે અશુભ દરેક પ્રસંગે બિનજરૂરી ખર્ચાઓ કરવામાં આવે છે, જેને કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની સ્થિતિ કપરી બની જતી હોય છે. પરંતુ, હવે ધીમે-ધીમે દરેક સમાજના લોકો આવા રૂઢિગત રિવાજોને તિલાંજલી આપી રહ્યા છે. આવું જ એક આવકારદાયક પગલું પાટણ રબારી સમાજ દ્વારા લેવામાં આવ્યું છે. પાટણના ગોપાલક શિક્ષણ સંકુલ માતરવાડી ખાતે ગઈકાલે રબારી સમાજની એક સભા મળી હતી. આ સભામાં અનેક રીતિ-રિવાજોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. પાટણ રબારી સમાજ દ્વારા નીચે જણાવ્યા મુજબ ફેરફારો કરવામાં આવ્યા છે.

સગાઈ પ્રસંગ માટે કરવામાં આવેલા ફેરફાર

સગાઈ પ્રસંગે સગાઈનો રૂપિયો અને ગોળ ખવડાવવાની વિધિ હોટેલને બદલે ઘરે જ કરવામાં આવે, સગાઈ વિધિમાં પાંચ માણસોની મર્યાદામાં જવુ, સગાઈમાં સાદો રૂપિયો આપવો, બે જોડી કપડાં સિવાય કોઈ વસ્તુ લાવવી નહીં, ઘરધણીએ વેવાઈને રૂપિયા 2100 પહેરામણી કરવી, સાથે હોય તેને રૂપિયા 500 પહેરામણી કરવી, અન્ય કુટુંબીજનોને પહેરામણી કરવી નહીં, તેમજ સગાઈમાં મોબાઈલની આપ-લે બંધ કરવામાં આવે.

લગ્ન પ્રસંગે કરવામાં આવેલા ફેરફાર

સમય અને ખોટા ખર્ચા બચાવવા ડીજે, રાસગરબા કે કલાકાર લાવવા નહીં, કંકોત્રી સાથે કવર, કપડાં લાવવા નહીં, કંકોત્રી આપતી વખતે પહેરામણી આપવી કે લેવી નહીં, લગ્નના આગળના દિવસે જમણવાર રાખવો, પાછળથી રિસેપ્શન બંધ કરવું, પડો ખરીદવા કુટુંબના પાંચ જણાએ જવું, રીંગ સેરેમની કે પ્રીવેડિંગ ફોટો સુટ તાજેતરમાં આવી ચડેલા કુરિવાજો બંધ કરવા, દરેક પ્રસંગમાં પેકિંગ સિસ્ટમ બંધ કરવું, પુનઃલગ્ન (આણું)માં 10 તોલાની મર્યાદામાં દાગીના લઈ જવા, આણામાં ભાઈઓએ મર્યાદિત સંખ્યામાં જવુ અને સંયુક્ત પહેરામણી 5100 જ લેવી, લગ્ન પ્રસંગે મહેંદી રસમ જેવા નવા રિવાજો બંધ રાખવા.

ચાંદલો પ્રથા

લગ્ન પહેલા બોલાવવામાં આવતી ચાંદલા પ્રથા સદંતર બંધ રાખવામાં આવે છે.

સીમંત પ્રસંગ

સીમંત ઘરમેળે જ સાદાઈથી કરવું, તેમજ સીમંતમાં દાગીનો આપવો નહીં.

સોનું

પલ્લામાં 10 તોલા મર્યાદામાં સોનાના દાગીના આપવા, સગાઈ વખતે સોનાનો દાગીનો આપવો નહીં.

રાવણું

સીમંત પછી ખબર લેવા જઈએ કે પાછળથી રમાડવા જઈએ તો 11 માણસોની મર્યાદામાં જવું, કોઈ દાગીનો લઈ જવો નહીં માત્ર પાંચ જોડી કપડાં લઈ જવા, સંયુક્ત પહેરામણી રૂપિયા 5100 કરવી, આ સિવાય બીજા કોઈ પ્રસંગોમાં રાવણાં રૂપે જવુ નહીં.

ઝિયોડા પ્રસંગ

ઝિયોડાના આણામાં 11 જણાએ ઘરમેળે જવું, સંયુક્ત પહેરામણી રૂપિયા 2100 લેવી કે આપવી.

દવાખાનું

દવાખાને ખબર લેવા જઈએ ત્યાં દર્દીના પરિવાર તરફથી જમવા બેસવું નહીં, દર્દીને રજા મળ્યા પછી ઘરે બોલાવવા જઈએ ત્યારે તેના ઘરેથી તે કુટુંબીજનોની પહેરામણી લેવી કે આપવી નહીં.

રમેલ

રમેલ આપણી જૂની પરંપરા મુજબ સાદાઈથી કરવી, રમેલમાં ડીજે અને કલાકારોનો ઉપયોગ કરવો નહીં.

બેસણું

બેસણું રવિવારે રાખી શકાશે, બેસણું સોશિયલ મીડિયામાં આપીએ છીએ તે યોગ્ય છે, તેથી કોઈ દૈનિક પેપરમાં બેસણું કે શ્રદ્ધાંજલિ આપવી નહીં, કુદરતી નિધન વખતે સમય મર્યાદામાં વિધિ કરી દેવી, રાહ જોવી નહીં.

જન્મ દિવસ

બર્થડેની ઉજવણી હોટેલમાં રાખવાને બદલે ઘરમાં જ કરવી, બાળકના જન્મ વખતે બે જોડી કપડાં લઈ જવા, દાગીના લઈ જવા નહીં.

અન્ય

કોઈપણ સામાજિક કે ધાર્મિક પ્રસંગોમાં જમીન પર ફુલો પાથરવા નહીં, ફુલ જેવી પવિત્ર વસ્તુનું અપમાન કરી પાપમાં પડવું નહીં, કોઈપણ સંજોગોમાં આડા દિવસે પહેરામણી લેવી નહીં, કોઈપણ સામાજિક પ્રસંગમાં ઘરધણી સિવાય કુટુંબીજનો કે સંબંધીઓએ પહેરામણી કરવી નહીં, મામેરામાં વળતી શીખની પહેરામણી પુરુષો અને મહિલાઓમાં રૂપિયા 1100 સંયુક્તપણે લેવી, અલગ કરવી નહીં.

પાટણ ગોપાલક સંકુલ ખાતે મળેલી રબારી સમાજની બેઠકમાં સામાજિક કુરિવાજોને સર્વાનુમતે તિલાંજલિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં વિવિધ શુભ કે અશુભ પ્રસંગે કરવામાં આવતા ખોટા ખર્ચા બંધ કરવાનું સમાજના અગ્રણીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેનો સમાજના દરેક લોકો દ્વારા સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો હતો તેમજ રક્ષાબંધનના પવિત્ર તહેવારથી જ આ નવા નિયમોનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp