પોલીસ સ્ટેશનમાં યુવકે કરી આત્મહત્યા, પરિવારજનોએ પરિસરમાં કર્યો મોટો હોબાળો

PC: sandesh.com

બનાસકાંઠા જિલ્લાના હડાદ પોલીસ સ્ટેશનમાં યુવકે આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં યુવકે પોતાના ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા પરિવારજનો વિફર્યા હતા. આ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આરોપીએ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરી લેતા સગા-સંબંધીઓ તથા પરિવારજનો હડાદ પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા. પોલીસ સ્ટેશન પરિસરમાં હોબાળો કરવામાં આવ્યો હતો.

રાજસ્થાનના આબુ રોડ પર આવેલા બોસા ગામના પ્રકાશ મેઘડા નામના યુવાનની પોલીસે ધરપકડ કરી હતી. પછી એને હડાદ પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો. આ દરમિયાન યુવાનને પોલીસ મથકે નજરબંધ કરી દેવામાં આવ્યો હતો. આરોપીએ મનદુઃખ રાખીને રાત્રિના સમયે પોલીસ સ્ટેશનમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનમાં રહેલા સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગઈ હતી. મૃતકના પરિવારજનોને આ અંગેની જાણ થતા હોબાળો મચાવ્યો હતો. પરિવારજનો અને સંબંધીઓનો કાફલો પોલીસ સ્ટેશને દોડી ગયો હતો. પોલીસ સ્ટેશન પરિસરમાં નારેબાજી કરી બબાલ કરી હતી. આ ઘટનાને પગલે જિલ્લા Dysp સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો હડાદ પોલીસ સ્ટેશને દોડી ગયો હતો. ટોળાને સમજાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. આ ઉપરાંત, કેસની તપાસ પણ ચાલુ કરી દીધી છે. જોકે, દાંતા તાલુકાના હડાદ ગામની પોલીસ ટુકડી જ્યારે રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ બે યુવાનને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ આવી હતી. આ દરમિયાન પોલીસ સ્ટેશનમાં યુવાને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.

કસ્ટોડિયલ ડેથના બનાવની જાણ થતા એ.એસ.પી.સુશીલ અગ્રવાલ, ઈન્સ્પેક્ટર સહિતનો પોલીસ કાફલો રાતોરાત હડાદ પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યો હતો. આદિવાસી યુવાનના મૃતદેહને સ્વીકારવાનો પરિવારજનોએ ઈન્કાર કરી દીધો હતો. આદિવાસી સમાજના આગેવાનોએ આ કેસમાં જવાબદાર પોલીસ કર્મચારી તથા અધિકારી સામે પગલાં લેવાની માંગ કરી છે. જોકે, આ કેસમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ તપાસ કરી રહ્યા છે. ફરી એકવખત પોલીસ લોબીમાં કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો છે. જેને લઈને પોલીસ કામગીરી ફરી ચર્ચામાં છે. ખાસ કરીને આ કેસમાં યુવાનને શા માટે પોલીસ સ્ટેશન લઈ જવાયો એ અંગે ગ્રામજનો ચર્ચા કરી રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp