ટીમ હાર્દિકનાં વધારે પડતા જુનૂનમાં ગયા 12 પાટીદાર યુવાનોનાં જીવ

PC: amazonaws.com

પાટીદાર અનામત આંદોલન જ્યારથી શરૂ થયું ત્યારથી પાટીદાર સમાજની ફરતે અનેક વાદ-વિવાદ અને ચર્ચાઓ ઘુમરાયા કરી રહી છે. ખાસ કરીને હાર્દિક પટેલની નિસ્બતથી પાટીદાર સમાજમાં મોટાપાયા પર ઘર્ષણની સ્થિતિ જન્મી હોવાનું જણાઈ આવી રહ્યું છે. પાટીદાર સમાજનો એક વર્ગ સ્પષ્ટપણે માને છે કે અનામત આંદોલન દરમિયાન મોતને ભેટેલા 12 યુવાનોનાં મોત માટે સીધી રીતે હાર્દિક પટેલ જવાબદાર છે.

હાર્દિક પટેલે આંદોલન શરૂ કર્યું ત્યારે પાટીદાર સમાજ સ્વંભૂ આંદોલનની સાથે જોડાયો હતો. સુરત અને અમદાવાદમાં પ્રચંડ રેલી કાઢાવામાં આવી હતી. પરંતુ હાર્દિકની ધરપકડ થતાં તોફાનો ફાટી નીકળ્યા હતા અને 12 યુવાનો મોતને ભેટયા હતા. આંદોલનમાં 12 યુવાનો શા માટે જોડાયા હતા તો સ્પષ્ટ વાત છે કે તેમને હાર્દિકની અનામતની લડાઈમાં સાથ આપવો હતો અને આ સાથ આપવામાં બારેય બાર યુવાનોએ પોતાના પ્રાણોની આહૂતિ આપી દીધી.

પરંતુ ત્યાર બાદ પાટીદાર અનામત આંદોલન દિશાવિહિન અને અવળે રસ્તે ભટકાઈ ગયો છે. હાર્દિકનો જેલવાસ અને ત્યાર બાદ છૂટકારો અને સરકારની સાથેની નિષ્ફળ મંત્રણાઓ સહિત અત્યાર સુધી ક્યાંય પણ એવું લાગ્યું નથી કે પાટીદાર અનામત આંદોલન યોગ્ય દિશામાં ચાલી રહ્યું છે. આંદોલન પોતાનાં મૂળભૂત હેતુથી દુર થઈ ગયું અને પાટીદાર અનામત આંદોલન સમિતિમાં ભાંગફોડ શરૂ થવા માંડી.

12 યુવાનોની શહીદીનો મુદ્દો ભૂલાઈ ગયો અને બધા પોત-પોતાનાં રાજકીય હેતુ સર કરવા લાગ્યા. આ બધી સ્થિતિમાં પાટીદાર સમાજમાં ચોક્કસપણે એક લાગણી જન્મી રહી છે 12 યુવાનોનાં મોત માટે હાર્દિક પટેલ જ જવાબદાર છે. જો હાર્દિકે આંદોલન શરૂ કર્યું ન હોત તો આ યુવાનો આજે હયાત હોત. ભાજપનાં મંત્રી નાનુ વાનાણીએ 12 યુવાનોનાં મોત માટે હાર્દિક પટેલ જવાબદાર હોવાનો આરોપ મૂક્યો હતો.

આંદોલનને કઈ દિશામાં કેવી રીતે લઈ જવું તે માટે કોઈ યોજના કે આયોજન ક્યારેય દેખાયા નથી. આંદોલનમાં પીઢ કે વડીલ નેતાની જરૂર હતી પરંતુ ક્યારેય પણ કોઈ પીઢ અનુભવી વ્યક્તિ મંચ પર જોવા મળતી નથી. હા, મળે છે તો સ્વાગત કે આદર-સત્કાર પુરતી જ સીમિત રહી ગયેલી જોવા મળે છે. બિન અનુભવી અને અતિ ઉત્સાહી યુવાનોનાં આંદોલનનાં કારણે 12 યુવાનોએ જીવ ગૂમાવ્યા હોવાનો સીધો આરોપ હાર્દિક અને તેની ટીમ પર થઈ રહ્યા છે.

જો આ રીતે જ હાર્દિક પટેલ સમજની લાગણીઓ સાથે રમત રમશે તો ગુજરાતનું વાતાવરણ ડહોળાયા વગર રહેવાનું નથી. જે સમાજ એકતા અને સંયમ માટે વખણાય છે એ જ પાટીદાર સમાજ માટે હાર્દિકનાં આંદોલનનાં પ્રયોગો અનેક રીતે નુકશાનકારક સાબિત થયા વગર રહેવાનાં નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp